ભારતનો ઓસ્ટ્રેલિયા સામે ‘વિરાટ’ વિજય

Wednesday 30th March 2016 06:20 EDT
 
 

મોહાલીઃ તાજેતરમાં જ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીએ વિરાટ કોહલીને ભારતનો બીજો સચિન તેંડુલકર કહ્યો હતો. કોહલીએ આ વાત સાબિત કરતા ઓસ્ટ્રેલિયા સામે ૫૧ બોલમાં નવ બાઉન્ડ્રી અને બે સિક્સરની મદદથી અણનમ ૮૨ રન ફટકારીને એકલા હાથે ભારતને ટી૨૦ વર્લ્ડ કપની સેમિ-ફાઈનલમાં પહોંચાડ્યું છે.
ટી૨૦ વર્લ્ડ કપમાં હવે બંને સેમિ-ફાઇનલ નક્કી થઈ ગઈ છે. ૩૦મીએ ન્યૂ ઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ અને ૩૧મીએ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અનુક્રમે દિલ્હી અને મુંબઈમાં મુકાબલો થશે.
રવિવારે રમાયેલી મેચ ક્વાર્ટર ફાઈનલ સમાન હતી, જેમાં ભારતે છ વિકેટે શાનદાર વિજય નોંધાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આપેલા ૧૬૧ રનના લક્ષ્યાંકને ભારતે ૧૯.૧ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉ ઓસ્ટ્રેલિયાએ ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૬૦ રનનો સ્કોર નોંધાવ્યો હતો. હવે સેમિ-ફાઈનલમાં ભારતનો સામનો વેસ્ટ ઈન્ડિઝ સામે થશે.
આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં પડકારજનક લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. શિખર ધવન અને રોહિત શર્માની ઓપનિંગ જોડી વધુ એક વખત નિષ્ફળ રહી હતી. પાવરપ્લેમાં ધીમી બેટિંગ કર્યા બાદ બંનેએ ખેલાડી પેવેલિયન પરત ફર્યા હતા. ધવને ૧૨ બોલમાં ૧૩ અને રોહિતે ૧૭ બોલમાં ૧૨ રન કર્યા હતા.
ટુર્નામેન્ટમાં નિષ્ફળ રહેલો સુરેશ રૈના વધુ એક વખત ફ્લોપ રહ્યો હતો અને તે પણ ૧૦ રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, કોહલીએ અંત સુધી એક છેડો જાળવી રાખ્યો હતો અને ભારતને વિજય અપાવ્યો હતો. યુવરાજ સિંહે ૨૧ રન નોંધાવ્યા હતા જ્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ૧૮ રને અણનમ રહ્યો હતો. અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને ઉસ્માન ખ્વાજા અને એરોન ફિંચની જોડીએ તોફાની શરૂઆત અપાવી હતી.
ભારત ત્રીજી વખત સેમિ-ફાઇનલમાં
ભારતે ત્રીજી વખત ટી૨૦ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ અગાઉ ભારતે ૨૦૦૭ અને ૨૦૧૪ના વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને યોગાનુયોગે બંનેમાં તેનો વિજય થયો હતો. આમ ભારત એક વાર સેમિ-ફાઇનલમાં આવે તે પછી હંમેશાં ફાઇનલમાં રમ્યું છે. ૨૦૦૭માં ભારતે સેમિ-ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ૧૫ રનથી હરાવ્યું હતું અને એ પછી ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું. બે વર્ષ અગાઉ તેણે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
અનુષ્કાને જવાબદાર ગણાવનારા શરમ કરો: વિરાટ
સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ તેની ભૂતપૂર્વ પ્રેમિકા અને અભિનેત્રી અનુષ્કા શર્મા અંગે સોશિયલ મીડિયામાં થઈ રહેલી ટિપ્પણી સામે રોષ વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું છે કે જે લોકો ક્રિકેટ કારકિર્દીમાં નિષ્ફળ જવા માટે અનુષ્કાને જવાબદાર ગણાવે છે તેમને શરમ આવવી જોઈએ. કોહલીએ રવિવારે ભારતીય ટીમને ટી-૨૦ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે એકલા હાથે વિજય અપાવ્યો ત્યારબાદ ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર અનુષ્કા અને તેના વિશે ઢગલાબંધ ટ્રોલ્સ જોવા મળ્યા હતા. જેમાં એવો સૂર નીકળતો હતો કે અનુષ્કા સાથે કોહલીનું બ્રેક-અપ થયું પછીથી તેનું ક્રિકેટ પરફોર્મન્સ ઘણું સુધરી ગયું છે.
કોહલીએ ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર કહ્યું છે કે ‘મારી દરેક નકારાત્મક કે ખરાબ બાબત માટે અનુષ્કાને જવાબદાર ગણાવનારા લોકોને પોતે શિક્ષિત કહેવડાવતા શરમ આવવી જોઈએ. હું ક્રિકેટમાં જે કંઈ કરું છું તેના પર તેનું કોઈ જ નિયંત્રણ નથી. જો કંઈ હોય તો તે એક જ કે તેણે હંમેશા મને પ્રેરિત કર્યો છે અને મને વધુ સકારાત્મક બનાવ્યો છે.’


comments powered by Disqus