સના (યમન), લાહોરઃ વિશ્વભરમાં વસતો ખ્રિસ્તી સમુદાય ઇસુ ખ્રિસ્તે માનવજીવનના કલ્યાણ માટે આપેલા બલિદાનને યાદ કરીને ચર્ચમાં પ્રેયર કરી રહ્યો હતો ત્યારે બીજી તરફ ઇસ્લામિક કટ્ટરવાદીઓએ ધર્મના ઓઠા તળે આતંકનો માહોલ સર્જીને અનેક નિર્દોષોના લોહીની નદીઓ વહાવી હતી. મૃતકોમાં મોટા ભાગના ખ્રિસ્તી સમુદાયના સભ્યો છે.
યમનના સનામાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના આતંકીઓએ અપહૃત ભારતીય પાદરીની હત્યા કર્યા હોવાના અહેવાલ છે. જ્યારે પાકિસ્તાનના લાહોરમાં ઇસ્ટરના સપરમા દિવસે થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ૭૫ નિર્દોષે જીવ ગુમાવ્યા હતા. જ્યારે ૩૫૦થી વધુને ઇજા થઇ છે. ખ્રિસ્તી સમુદાયના લોકો એકત્ર થયા હતા તે સ્થળે આ વિસ્ફોટ કરાયો હતો.
ભારતીય પાદરીને શૂળી પર લટકાવાયા?
આતંકવાદી સંગઠન આઈએસના કટ્ટરવાદીઓએ થોડાક દિવસો પહેલાં જ અપહરણ કરેલા ભારતીય પાદરીની ગુડ ફ્રાઇડેના દિવસે હત્યા કરી હોવાના સમાચાર છે. ગુડ ફ્રાઇડેના રોજ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કટ્ટરવાદીઓ કેરળના વતની એવા પાદરી થોમસ ઉઝહન્નાલિલની હત્યા કરી શકે છે. જોકે તે દિવસે આ અંગે કોઈ સમાચાર આવ્યા નહોતા. ત્રણ દિવસ બાદ સોમવારે મળેલા પાદરીની હત્યાના સમાચારોનું જોકે ભારત સરકાર કે ફાધર થોમસના પરિવારજનો દ્વારા હજુ સુધી કોઈ સમર્થન કરાયું નથી. પ્રાપ્ત સમાચારો અનુસાર, આતંકવાદીઓએ ફાધર થોમસની ઈસુ ખ્રિસ્તની જેમ શૂળી પર લટકાવી હત્યા કરી નાખી છે.
એક અમેરિકન ન્યૂઝ વેબસાઇટમાં આ અંગે માહિતી અપાઇ છે. થોમસ એક કેથલિક પાદરી છે અને તેઓ યમનમાં મધર ટેરેસા મિશનરિઝની ચેરિટી માટે કામ કરતા હતા. આ મહિને જ યમનસ્થિત એક ઓલ્ડ એજ હોમ પર હુમલો કરીને આઇએસના આતંકવાદીઓએ તેમનું અપહરણ કર્યું હતું.
ફાધર થોમસને શૂળી પર લટકાવી દેવામાં આવશે તે અંગે સૌપ્રથમ જાણકારી સાઉથ આફ્રિકાસ્થિત એક ધાર્મિક સંગઠને પોતાનાં ફેસબુક પેજ પર આપી હતી. આ ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, ફાધર થોમસ જેમનું અપહરણ યમનસ્થિત મિશનરિઝ ઓફ ચેરિટીનાં ઘરડા ઘરમાંથી કરવામાં આવ્યું છે, તેમને ભયંકર યાતનાઓ આપવામાં આવી રહી છે. ગુડ ફ્રાઇડેના દિવસે તેમને શૂળી પર ચડાવી દેવામાં આવશે. આ પોસ્ટમાં ફાધર થોમસ માટે પ્રાર્થના કરવાની અપીલ કરવામાં આવી હતી.
લાહોરના પાર્કમાં આત્મઘાતી વિસ્ફોટ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતનાં પાટનગર લાહોરમાં એક જાણીતા પાર્કમાં આત્મઘાતી વિસ્ફોટ થતાં ૭૫નાં નિર્દોષ માર્યા ગયા છે અને ૩૫૦થી વધુને નાનીમોટી ઇજા થઇ છે. લોકો પાર્કમાં ઈસ્ટર પર્વની રજાનો આનંદ માણી રહ્યા હતા ત્યારે આતંકીઓએ આ કૃત્યને અંજામ આપ્યો હતો.
લાહોરના જાણીતા ગુલશન-એ-ઈકબાલ પાર્કમાં ખ્રિસ્તીઓ સહિત સંખ્યાબંધ લોકો રજાનો આનંદ માણવા સહપરિવાર એકઠા થયા હતા ત્યારે જ આ વિસ્ફોટ થયો હતો.
એક પ્રચંડ વિસ્ફોટમાં આત્મઘાતી બોમ્બરે પાર્કના મુખ્ય દરવાજે પોતાની જાતને ઉડાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન શરીફના વતન લાહોરના સમૃદ્ધ વિસ્તારમાં આ પાર્ક આવેલો છે.
ઘટનાસ્થળે હાજર સાક્ષીઓના જણાવ્યા મુજબ પાર્કમાં ઘણા પરિવારો બાળકો સાથે આનંદ માણી રહ્યા હતા. ઈસ્ટરની રજાના કારણે લોકોની ભીડ વધુ હતી. વિસ્ફોટ પછી મૃતદેહોના ટુકડાંઓ વેરણછેરણ જોવા મળતા હતા. વિસ્ફોટમાં ઇજા પામેલા ૧૦૦થી વધુ લોકોને સારવાર માટે વિવિધ શહેરોની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સારવાર કરી રહેલા ડોકટરના જણાવ્યા મુજબ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
લાહોરની તમામ હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોની સારવાર માટે લોકોને રક્તદાન માટે અપીલ કરવામાં આવી હતી. ઘટનાનો ભોગ બનનાર એક ઘાયલ મહિલાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ વખતે તેના બે પુત્રો ઝૂલા ઉપર આનંદ માણી રહ્યા હતા. બંને બાળકોને પણ ગંભીર ઈજા થઇ છે.
વિસ્ફોટ બાદ પાર્કને સ્થાનિક પોલીસે કોર્ડન કરી લીધો હતો અને ચાંપતો બંદોબસ્ત ગોઠવીને બચાવ કાર્ય હાથ ધરાયું હતું.
૩૫૦થી વધુની અટકાયત
રવિવારના બોમ્બ વિસ્ફોટ બાદ સુરક્ષા દળોએ પંજાબ પ્રાંતમાં ધરપકડનો દોર શરૂ કર્યો હતો. તપાસ દરમિયના ૩૫૦થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. વડા પ્રધાન નવાઝ શરીફે સુરક્ષા એજન્સીઓને ઇસ્લામિક કટ્ટરવાદીઓ સામે આકરા પગલાં લેવાનો આદેશ આપ્યો છે. તેમણે ટીવી પર રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં આ આત્મઘાતી હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવીને વખોડ્યું હતું.

