બ્રસેલ્સઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બ્રસેલ્સ પ્રવાસ દરમિયાન તેમની સલામતી માટે બેલ્જિયમનું સૈન્ય તૈનાત થશે. તાજેતરમાં જ બ્રસેલ્સમાં ત્રણ બોમ્બ વિસ્ફોટ થયા હોવા છતાં મોદી ૩૦મી માર્ચે અંદાજે પાંચ હજાર ભારતીયોને સંબોધન પણ કરશે. મોદી ભારત-યુરોપિયન યુનિયનની ૧૩મી બેઠકમાં ભાગ લેવા બ્રસેલ્સ પહોંચી રહ્યા છે.
ભારત અને યુરોપિયન યુનિયન આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને સુરક્ષા સહિતના મોરચે સહભાગીતા ધરાવે છે.
ડાયમંડના વેપારીઓને મળશે
મોદી હવે બેલ્જિયમના વડા પ્રધાન ચાર્લ્સ મિશેલને પણ મળશે. બન્ને નેતા આતંકવાદને પહોંચી વળવાના ઉપાય અંગે ચર્ચા કરશે. વડા પ્રધાન બ્રસેલ્સમાં ડાયમંડના વેપારીઓને પણ મળશે. સાથે જ ભારતીય સમુદાયને સંબોધન કરશે. બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં ભારે સંખ્યામાં ભારતીય વેપારીઓ છે.
શરીફનો પ્રવાસ રદ
પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે લાહોરના બોમ્બ વિસ્ફોટને પગલે બ્રિટન અને અમેરિકાની યાત્રા રદ કરી છે. આ સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાતની સંભાવના પણ ખતમ થઈ ગઈ છે. બન્ને નેતાઓ ૩૧મી માર્ચે વોશિંગ્ટનમાં પરમાણુ સુરક્ષા સંમેલનમાં સામેલ થવાના હતા. સમગ્ર વિશ્વના રાજદ્વારીઓ મોદી-શરીફની સંભવિત મુલાકાત પર નજર માંડીને બેઠાં હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સર્વપ્રથમ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચશે. અહીંથી મોદી વોશિંગ્ટનમાં પરમાણુ સુરક્ષા સંમેલનમાં સામેલ થશે ત્યાંથી તેઓ સાઉદી જશે.

