‘ઓકે, કમ ઓન, લેટ્સ સ્ટાર્ટ અવર હેરિટેજ વોક, એક ગ્રૂપ મારી સાથે રહેશે અને બીજું ગ્રૂપ આ યંગ - જુવાન છોકરા સાથે...’
સિનિયર ગાઇડે પ્રવાસીઓને કહ્યું ને કોઈ બોલ્યું, ‘આ છોકરો નવો નવો લાગે છે એને શું ખબર હોય? આપણે અંકલના ગ્રૂપમાં જ જઈએ’ આ શબ્દો બોલનાર અને સાંભળનાર નવયુવાનના ગ્રૂપમાં ન ગયા. અમદાવાદને વસાવનાર સુલતાન અહેમદ શાહના સમયના સ્થાપત્યો અને અમદાવાદની વિશ્વ-પ્રસિદ્ધ પોળોનો ઇતિહાસ જાણવા-સમજવા યોજાયેલી હેરિટેજ વોકના આરંભનો સમય હતો. કોલોનીયલ સમયની અનેક ઇમારતો અને ગુજરાતની પ્રાચીન ભાતીગળ સમૃદ્ધિનું પ્રતિક એવી હવેલીઓ તથા વુડન આર્કિટેકચર નિહાળવા સહુ રવિવારની વહેલી સવારે નીકળી પડ્યા હતા.
ગુજરાતને ગાતું કરનાર ગીતકાર અને સ્વરકાર અવિનાશ વ્યાસના ગીત ‘અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો’ને યાદ કરાવતા વિવિધ સ્થળો નિહાળી રહેલા અને મોબાઈલ તથા કેમેરાથી ક્લિક ક્લિક તસવીરો પાડતા લોકો પેલા યુવાનના અસ્ખલિત હિન્દી-ગુજરાતીથી પ્રભાવિત હતા. કોઈએ પ્રેઝન્ટેશન નિહાળીને પૂછ્યું, ‘તું ગાઈડની કરિયરમાં કેવી રીતે આવ્યો?’ જવાબનો સાર કંઈ આવો હતો.
અમદાવાદના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ. દસમા ધોરણની પરીક્ષા પાસ કરી. પરંપરાગત વ્યાપારી વાતાવરણ હતું તેથી કોઈની દુકાને જોડાવું કે આગળ ભણવું એ પ્રશ્ન આવ્યો. દરમિયાન ધોરણ બાર પાસ થયો. માર્ગદર્શન ને મનોમંથન બાદ ટુરિઝમ ક્ષેત્રે કરિયર બનાવવાનું નક્કી કર્યું. ઘરે રહી અભ્યાસ શરૂ કર્યો. ગુજરાતી-હિન્દી બોલતા યુવાને સમજદારી કેળવી, કામની જરૂરતને અનુરૂપ અંગ્રેજી-ફ્રેન્ચ-સ્પેનિશ જેવી ભાષા શીખવા માંડી. અમદાવાદમાં ટુરિસ્ટ ગાઇડ તરીકે કામ કરતો થયો અને અનુભવ તથા અભ્યાસનો મેળ થયો. અઘરું હતું, પણ યુવાને મા-બાપની આર્થિક સ્થિતિની મર્યાદા છતાં આ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કર્યો, ડીગ્રી મેળવી અને કાબેલિયત પણ કેળવી.
‘હવે તો તું અહીં સરસ ગોઠવાઈ ગયો નહીં?’ જવાબમાં યુવાને કહ્યું, ‘ના, હજી બે-ત્રણ વર્ષ અહીં રહીશ. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યનો પ્રવાસ કરીને વધુ જાણકારી મેળવીશ અને પછી હોટેલ મેનેજમેન્ટ કે ટુર મેનેજમેન્ટ કે કન્સલટન્ટ ક્ષેત્રે કામ કરીશ.’
તમામ પ્રવાસીઓ તે નવયુવાન ગાઇડના વ્યવહાર, જાણકારી અને આતિથ્યથી રાજી થયા અને તેને ભાવિ કારકિર્દીની શુભકામનાઓ આપી.
•••
સીધીસાદી લાગતી આ યુવાનની સંઘર્ષ યાત્રામાં પ્રતિબિંબિત થાય છે યુવાનની મનોકામના, એની કરિયર પસંદગી વિશેની સ્પષ્ટ દુરંદેશીતા અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની શક્તિ ઊડીને આંખે વળગે એવી છે.
એક સામાન્ય પરિવારનો યુવાન મહેનતકશ બને તો હાઈ-ફાઈ કલ્ચરના ટુરિઝમના વ્યવસાયમાં પણ કેટલી સરસ પ્રગતિ કરી શકે છે એનું આ ઘટના ઉત્તમ ઉદાહરણ છે. સાચા દિલથી પુરુષાર્થ થાય તો કોઈ કાર્ય અઘરું હોતું નથી. પ્રશ્ન હોય છે એે આત્મસાત કરવાની આપણી ઈચ્છા શક્તિની ઘનિષ્ટતાનો.
યોગ્ય દિશામાં નિર્ણય થાય - આયોજન થાય પછીથી માર્ગદર્શન અને પ્રેરણા સાથે અમલીકરણ થાય તો ચોક્કસ નિયત કરેલા લક્ષ્ય સુધીની સફળતાની યાત્રા થાય છે જ.
સંકલ્પ કરવા માત્રથી નહિ, પરંતુ એને સાકાર કરવાના પ્રયત્નોથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આપણી પાસે રોજેરોજ નવોનક્કોર ૨૪ કલાકનો એક દિવસ આવે છે એમાં સંકલ્પ, સંઘર્ષ અને સાતત્યની શક્તિ ભળે છે ત્યારે સફળતાનો દીપ પ્રજ્વલિત થાય છે અને પ્રગતિના અજવાળાં રેલાય છે.
લાઈટ હાઉસ
કોઈ પણ લક્ષ્ય મનુષ્યના સાહસથી મોટું નથી હોતું. જે લડતો નથી એ જ હારે છે. - શ્રીકૃષ્ણ
