સિડનીઃ માણસ નોકરી-ધંધામાંથી નિવૃત્ત થઈ જાય તે પછી જીવનમાં મક્સદ અને પ્રવૃત્તિનો શૂન્યાવકાશ સર્જાતા શારીરિક અને માનસિક બંને રીતે નબળો પડી જાય છે. જોકે જેનિસ લોરેઇનની વાત અલગ છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતા ૭૩ વર્ષના જેનિસ નામના દાદીએ પોતાના તન અને મનને ઘરડું ન થવા દેવા માટે મસ્ત રસ્તો ખોળી કાઢ્યો છે.
સાયકોલોજીસ્ટ એવાં આ જેનિસ લોરેઇન તેમની જુવાનીમાં ક્લિનિકલ પ્રેક્ટિસમાં વ્યસ્ત હતાં. ૫૫ વર્ષની વયે તેમણે ક્લિનિક બંધ કર્યું અને વ્યાવસાયિક જીવનમાંથી નિવૃત્તિ લીધી. થોડાક જ મહિનામાં તેમને સમજાઈ ગયું કે જો તેઓ પ્રવૃત્તિ અને હેતુ વિનાનું જીવન જીવશે તો બહુ જલ્દી ઘરડાં થઈ જશે. પથારીવશ થઇ જતાં વાર નહીં લાગે. શરીરને સક્રિય રાખવા શું કરવું જોઇએ તેવું વિચારતાં વિચારતાં તેમને લાગ્યું સદાબહાર સ્વાસ્થ્ય માટે તન-દુરસ્તી શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે તરત જ વિચારને અમલમાં મૂક્યો અને શરીરને કસવાનું શરૂ કરી દીધું.
આયુષ્યના ૫૬મા વર્ષે પહેલી વાર તેમણે નક્કી કર્યું કે બસ હવે તો બોડી બિલ્ડર જ બનવું છે. બસ તે દિવસથી તેમણે અઠવાડિયામાં ત્રણ દિવસ ત્રણ-ત્રણ કલાક જીમમાં વર્કઆઉટ કરવાનું અને બાકીના ત્રણ દિવસ આઠ કિલોમીટર ચાલવાનું શરૂ કર્યું. ડાયેટ અને એક્સરસાઇઝમાં સંતુલન કેળવીને જેનિસે ૧૫ મહિનામાં જ કસાયેલું શરીર બનાવ્યું અને મહિલાઓ માટેની બોડી બિલ્ડીંગ કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો.
આ પછીથી દર વર્ષે તેઓ એકથી બે સ્પર્ધાઓમાં ભાગ લે છે અને શરીરને સતત કસાયેલું રાખવા માટે પ્રવૃત્ત રહે છે. જેનિસનો એક બોયફ્રેન્ડ પણ છે. ડેવિડ કેન્ડલ નામનો આ બોયફ્રેન્ડ તેનાથી ૨૪ વર્ષ નાનો એટલે કે ૪૯ વર્ષનો છે.
જેનિસનું કહેવું છે કે જીવનમાં કોઈ પણ ધ્યેયને હાંસલ કરવાની આ શ્રેષ્ઠ ઉંમર છે કેમ કે યંગ એજમાં તો તમે નોકરી-ધંધામાં જ એટલા વ્યસ્ત અને દોડાદોડ કરતા હો છો કે ત્યારે તમને કોઈ ધ્યેય પાછળ ગાંડા થઈને મચી પડવાનો સમય જ નથી હોતો. આવો સમય તો સક્રિય જીવનમાંથી નિવૃત્તિ બાદ જ મળતો હોય છે.

