ઇસ્ટ રુધરફોર્ડઃ સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ કોપા અમેરિકાની ફાઇનલમાં મળેલી હાર બાદ આંતરષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે હવે આર્જેન્ટિનાનું પ્રતિનિધિત્વ નહીં કરે, પણ બાર્સેલોના ક્લબ તરફથી રમતો રહેશે. તેની નિવૃત્તિની જાહેરાતથી ફૂટબોલપ્રેમીઓએ આઘાતની લાગણી અનુભવી છે. મહાન ફૂટબોલર મેરાડોનાએ તેને આર્જેન્ટિનાની ટીમ નહીં છોડવા અનુરોધ કર્યો છે.
લિયોનેલ મેસ્સી નાનપણમાં ભયંકર બીમારી સામે ઝઝૂમી ફૂટબોલની દુનિયામાં ટોચના સ્થાને પહોંચ્યો હતો. જોકે સતત પરાજય અને ટીકા સામે હારી ગયો હોય તેમ આંતરરાષ્ટ્રીય સ્તરેથી નિવૃત્તિ લઈ લીધી છે.
આર્જેન્ટિનાની ટીમનો ચાર વખત ફાઇનલમાં પરાજય થવાથી વ્યથિત મેસ્સીએ અંતે હાર માની લીધી અને આંતરરાષ્ટ્રીય સ્તરે નિવૃત્તિ જાહેર કરી છે. મેસ્સી બાળપણમાં ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો હતો તેમ છતાં તેણે હાર માની નહોતી અને મહાન ફૂટબોલર બનવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. શાનદાર કારકિર્દી અને પાંચ વખત વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરનું ટાઇટલ જીતવા છતાં મેસીને ઘણી વખત પોતાના દેશના પ્રશંસકોની ટીકાનો સામનો કરવો પડયો છે.
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ
૨૦૦૮માં મેસ્સીએ ઓલિમ્પિકમાં આર્જેન્ટિનાને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો, જે તેની દેશ માટે સૌથી મોટી ઉપલબ્ધિ રહી છે કેમ કે, તે પછી તેના રહેતાં આર્જેન્ટિનાને ચાર વખત ફાઇનલમાં હાર મળી છે. મહાન ફૂટબોલર મેરાડોનાએ મેસ્સીને પોતાનો ઉત્તરાધિકારી ગણાવ્યો હતો, પરંતુ તેણે મેસ્સીની નેતૃત્ત્વક્ષમતાની ટીકા કરી હતી.

