કાશ્મીર ઘાટીની પહેલી મહિલા આઈએએસ એટલે ડો. રુવેદા સલામ. તેમણે બબ્બે વખત યુપીએસસી પરીક્ષા પાસ કરી છે. રુવેદાનો જન્મ, ઉછેર અને શિક્ષણ કાશ્મીરના કિશ્તવાડામાં જ થયું, પણ તેનો પરિવાર અત્યારે કુપવાડામાં રહે છે.
બાળપણથી જ ભણવામાં હોશિયાર રુવેદાએ શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી એ પછી તેણે મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાને બદલે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જોડાવાનું પસંદ કર્યું હતું. ૨૦૧૧માં કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (KAS)ની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને જમ્મુ કાશ્મીરમાં જ સિનિયર ઓફિસરનું પદ તેણે સ્વીકાર્યું હતું.
આ પછી ૨૦૧૩માં તેણે યુપીએસસી પરીક્ષા આપી અને IPS બની. હૈદરાબાદમાં ટ્રેનિંગ લીધા બાદ તેને ચેન્નઈના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.
કાશ્મીર ઘાટીની પહેલી મહિલા આઇપીએસ બની દક્ષિણ ભારતમાં ફરજ બજાવતી ડો. રુવેદાએ બીજી વાર યુપીએસસી પરીક્ષા ૨૦૧૫માં આપી. તેમાં પણ સફળતા મેળવી અને તે આઇએએસ પણ બની.
ડો. રુવેદા અંગે કેટલીક એવી વાતો છે જે તેને આમમાંથી ખાસ બનાવે છે. જોકે તેને ખાસ બનાવવામાં તેના પિતાનો ફાળો છે એવું તેનું માનવું છે. તેને તેના પિતા વારંવાર કહેતા કે તારે આઇએએસ કે આઇપીએસ ઓફિસર બનવાનું છે. પિતાની વાતથી પ્રેરાઈને તેણે યુપીએસસી પરીક્ષા આપવાનું વિચાર્યું હતું. તે તેણે આપી પણ ખરી અને એક નહીં, પણ બે વખત આપી. એ પાસ કરી તેને બન્ને વાર મહત્ત્વની સેવાઓ પણ ફાળવવામાં આવી.
રુવેદા કહે છે કે, તેને પોએટ્રીનો શોખ છે, તે નવા નવા પકવાન બનાવવામાં પણ માહેર છે. રુવેદા કહે છે કે, જે તે પ્રદેશના સ્થાનિક લોકોને મળીને તેમની સંસ્કૃતિ વિશે જાણવામાં તેને ભારે રસ છે. રુવેદા માને છે કે દેશના બીજા વિસ્તારોના લોકોને ખબર પડે છે કે, હું મૂળ કાશ્મીરી છું તો તેમના દિમાગમાં એ વાત જ આવે છે કે, મારા વિચાર જરૂર દેશવિરોધી હશે, પણ આ માનસિકતાને પણ હું બદલવા માગું છું.

