સિરિયલ કિલર રમનની બાયોપિક ‘રમન રાઘવ ૨.૦’

ખુશાલી દવે Wednesday 29th June 2016 06:29 EDT
 
 

‘ઉડતા પંજાબ’ બાદ અનુરાગ કશ્યપ પોતાની બીજી ઝરા હટકે ફિલ્મ ‘રમન રાઘવ ૨.૦’ સાથે દર્શકો સમક્ષ હાજર થઈ ગયા છે. એક સમયે આતંક મચાવનારા સિરિયલ કિલર રમન પરની આ બાયોપિક છે.
વાર્તા રે વાર્તા
૧૯૬૦ના દાયકામાં મુંબઈમાં રમન નામના હત્યારાએ સિરિયલ કિલિંગથી હાહાકાર મચાવ્યો હતો. આ ફિલ્મ તેના પરથી જ બની છે એવું ફિલ્મની શરૂઆતમાં જ કહી દેવામાં આવે છે. સિરિયલ કિલરની આ ફિલ્મમાં મોટાભાગની હત્યાઓ કેમેરા પાછળ જ થાય છે. હત્યા વખતે સ્ક્રીન કાળો થઈ જાય છે અને લોખંડનો સળિયો કોઈના માથામાં ઝીંકાય એનો અને ચીસનો અવાજ માત્ર સંભળાય એ નિર્દેશનની ટ્રીક છે. કશ્યપની આ ફિલ્મની ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં સિરિયલ કિલરના દિમાગ અને તેના માનસને ખૂબ જ સરસ રીતે દર્શકો સમક્ષ રજૂ કરાયું છે. આ એક એવા કિલરની વાર્તા છે જે માનસિક રીતે બીમાર છે અને તે હત્યાઓ કરવામાંથી આનંદ મેળવે છે.
ફિલ્મમાં ખરો ટ્વીસ્ટ છે, એક પોલીસ અધિકારી રાઘવની એન્ટ્રી. આ ટ્વીસ્ટ ફિલ્મને વધુ રોમાંચક બનાવે છે. પોલીસ અધિકારી નશાનો બંધાણી છે. હત્યારા અને પોલીસ વચ્ચે જ્યારે ટોમ એન્ડ જેરીની રમત શરૂ થાય છે ત્યારે ફિલ્મ જોવાની ખરી મજા આવે છે.
બોલિવૂડનો ડાર્ક હોર્સ નવાઝુદ્દીન સિદ્દિકી રમનની ભૂમિકા માટે કશ્યપની એકદમ બંધબેસતી પસંદ છે સામે રાઘવનું પાત્ર વિકી કૌશલે દમદાર રીતે નિભાવ્યું છે.


comments powered by Disqus