મહારાષ્ટ્રના સત્તામોરચામાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને શિવ સેના વચ્ચેનો દ્વંદ્વ ચરમસીમાએ પહોંચી ગયો છેઃ બંને હિંદુવાદી પક્ષનું ગોત્ર પણ શિવતીર્થ - શિવાજી પાર્કની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની શાખા હોવા છતાં શિવ સેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે અને ભાજપના નેતા પ્રમોદ મહાજનની પહેલથી છેક ૧૯૮૪માં મહારાષ્ટ્રમાં હિંદુત્ત્વના મુદ્દે એકસાથે આવેલા બંને ભગવા પક્ષોની યુતિ છેલ્લાં બે વર્ષથી ઘોંચમાં પડતી રહી છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવારે તો ભાજપ અને સેનાને ગોળની સાથે ચીટકી જનારી કીડીઓની જેમ સત્તા કાજે એકમેક સાથે ચીટકી રહ્યાની ઉપમા આપી છે, પણ શિવ સેનાના મુખપત્ર ‘સામના’ દૈનિક અને ભાજપના મુખપત્ર ‘મનોગત’માં રીતસર આરોપ-પ્રત્યારોપનો જે જંગ છેડાયો છે, એ જોતાં ફારગતી બહુ દૂર લાગતી નથી.
વિધાનસભાની છેલ્લી ચૂંટણી વેળા પણ ભાજપ અને શિવ સેના વચ્ચે કમઠાણ વધ્યું હતું. નોખા ચૂંટણી લડીને ‘નૈસર્ગિક સાથી’ તરીકે સત્તા કાજે પાછા બેઉ સાથે આવ્યા. રાજકારણમાં આ બધું સ્વાભાવિક છે. ભાજપના સુપરસ્ટાર અને અત્યારના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રખેને પવાર-સેનાની સાથે સત્તાનો ખેલ બેસાડી દે, એવા ડરના માર્યા અને સુરેશ પ્રભુ જેવા શિવ સેના નેતાને સેરવીને ભાજપના વાઘા પહેરાવ્યા પછી બાળ ઠાકરેની શિવ સેના વેરવિખેર થઈ જાય નહીં, એવી ગણતરીએ વર્તમાન શિવ સેના પ્રમુખ ઉદ્ધવ બાળ ઠાકરેએ ભાજપ સાથે ઘર માંડવાનું પસંદ કર્યું હતું. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની કૃપા પર જીવવાનું શિવ સેનાને અકારું પડે છે, પણ સત્તાના ગોળનો સ્વાદ પણ વછૂટતો નથી.
સંઘ, બાળ સ્વયંસેવક અને કમઠાણ
ક્યારેક શિવ સેનાના સુપ્રીમો શિવ તીર્થની સંઘશાખાના બાળસ્વંયસેવક હતા. એમના નિષ્ઠાવંત સાથી અને મહારાષ્ટ્રમાં ૧૯૯૫-’૯૯ દરમિયાન શિવ સેના બિગ બ્રધર હતી ત્યારે નાના ભાઈ તરીકે ભાજપ સાથેની મિશ્ર સરકારના મુખ્ય પ્રધાન રહેલા મનોહરપંત જોશી પણ સંઘના સ્વયંસેવક હોવાનું કેનેડાવાસી ડો. વિજય ઢવળે કૃત ‘વાઘનો પંજો’ ગ્રંથને ગુજરાતીમાં લાવનાર કિશોર ગૌડ નોંધે છે.
સંઘના રાજકીય ફરજંદ એવા જનસંઘના નવઅવતાર ભાજપ સાથે ૧૯૮૪માં ઘર માંડવાનું પસંદ કરનાર શિવ સેના મૂળે તો કોંગ્રેસનું ફરજંદ. એમ તો આઝાદી પૂર્વે ૧૯૨૫માં સંઘની સ્થાપના હિંદુ હિતની રક્ષા કાજે કોંગ્રેસી નેતા ડો. કેશવ બલિરામ હેડગેવારે કરી હતી. સ્વાતંત્ર્યોત્તરકાળમાં સમયાંતરે કોંગ્રેસ વિરુદ્ધ મોરચામાં જનસંઘ અને હવે ભાજપ ઊભો છે.
શિવ સેના કોઈનું દાસત્વ સ્વીકારતી નથી
શિવ સેનાની સ્થાપના ૧૯૬૬માં કોંગ્રેસની હૂંફ અને બાળાસાહેબ દેસાઈ નામના પ્રધાનના સહયોગથી ગિરણગાંવની ગુજરાતી તથા મારવાડી માલિકીની કાપડ મિલોમાંથી કમ્યુનિસ્ટોના પ્રભાવને ખતમ કરાવવા કરવામાં આવી હતી. શિવ સેના પ્રમુખ બાળ ઠાકરેએ મરાઠી માણૂસની દુઃખતી રગ પકડીને એને ન્યાય અપાવવા માટે શિવ સેના ચળવળ આરંભીને છેક ઈમર્જન્સી સુધીય કોંગ્રેસનો સાથ નિભાવ્યો હતો. જોકે, શિવ સેનાના ઝળહળતા સુવર્ણ મહોત્સવનો પ્રવાસ કરાવતાં ડો. ઢવળે ‘વાઘનો પંજો’માં નોંધે છેઃ
‘કોંગ્રેસના આશ્રયે શિવ સેના વધતી ગઈ એવો હંમેશા આક્ષેપ કરવામાં આવે છે. માની લઈ તેમાં તથ્ય હોવા છતાં તે દોષ સેનાનો નિશ્ચિત જ નથી!... શિવ સેનાએ કોંગ્રેસનું દાસત્વ સ્વીકાર્યું નથી. પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ હંમેશા જાળવી રાખ્યું. એથી ઉલટ કોંગ્રેસે જ સેનાની તાકાત અને લોકપ્રિયતા વાપરીને સામ્યવાદી ચળવળ કચડી નાંખી એવી ઈતિહાસની સાખ છે. સેના પર હંમેશા થનારો બીજો આક્ષેપ છે. રાજકારણમાં હિંસા લાવવાનો.’ સામ્યવાદી ચળવળના હિંસક ઈતિહાસ ભણી નજર કરવાની સલાહ શિવ સેના આપતી રહી છે.
મોદીના શરદ પવાર સાથેના મધુર સંબંધનું રહસ્ય
મહારાષ્ટ્રમાં અત્યારે યુતિની સરકારમાં ભાજપ સાથે શિવ સેના છે. બીજા પૂંછડિયા ખેલાડીઓ ભાજપ સાથે હોવા છતાં ૨૮૮ ચૂંટાયેલા સભ્યો વત્તા ૧ નામનિયુક્ત એંગ્લો-ઈન્ડિયન સભ્ય એમ મળીને ૨૮૯ સભ્યોની વિધાનસભામાં એક બેઠક ખાલી છે એટલે બહુમતી માટે ૧૪૫ સભ્યોનો ખપ પડે. ભાજપની પોતાની સભ્ય સંખ્યા ૧૨૨ છે. મિત્રપક્ષ એવા પૂંછડિયા સાથીઓની સભ્યસંખ્યા છતાં એની બહુમતી થતી નથી એટલે જ એણે ગૃહમાં ૬૩ સભ્યો ધરાવતી શિવ સેના સાથે યુતિ કરવી પડી છે.
શિવ સેના કાયમ વંકાયેલી રહે છે અને જાહેરમાં ભાજપને ભાંડે છે એટલે બંને છૂટા પડે તો પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસનો ભાજપને ટેકો મળી શકે, પણ વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં સ્વયં નરેન્દ્ર મોદીએ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી)ને ‘નેચરલી કરપ્ટ પાર્ટી’ તરીકે ખૂબ ગજવી છે. જોકે એનસીપીના નેતા છગન ભુજબળને જેલભેગા કર્યા છતાં પવારના ભત્રીજા અને મહાકાંડમાં આરોપી એવા અજિત પવાર સામે મોદી કે મહારાષ્ટ્રની ભાજપ સરકારે હજુ ઝાઝાં આક્રમક પગલાં ભર્યાં નથી. વિમાન ખરીદીકાંડમાં પ્રફુલ્લ પટેલ જેવા પવારના અંતરંગ સાથી આરોપી હોવા છતાં વ્યૂહાત્મક રીતે એમની સામે પણ આક્રમક કાર્યવાહી કરાઈ નથી. મોદી પોતે પણ પવારની સાથે મધુર સંબંધ જાળવે છે અને બારામતીમાં તેમના મહેમાન થાય છે.
મામલો નિઝામના બાપ અને તલાક સુધી
મહારાષ્ટ્રનો મામલો વણસવા માટે શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પ્રવક્તા અને સાંસદ તેમજ ‘સામના’ના કાર્યકારી તંત્રી સંજય રાઉતનાં ભાજપ વિરુદ્ધનાં સ્ફોટક નિવેદનો સવિશેષ જવાબદાર ગણાવી શકાય. હમણાં ભાજપના કેબિનેટ પ્રધાન એકનાથ ખડસેના રાજીનામા પાછળ શિવ સેનાના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈએ જાહેર કરેલી ખડસેકાંડની વિગતોને જવાબદાર લેખી શકાય. ભાજપના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેને સંડોવતા ડિગ્રી વિવાદમાં પણ શિવસેનાની આક્રમક ભૂમિકા રહી છે. શિવ સેનાના પ્રધાનો વિરુદ્ધ ગેરરીતિઓમાં સંડોવણીની વિગતો ભાજપી નેતાઓ પ્રકાશમાં લાવી રહ્યા છે.
બંને વચ્ચે આગ ભભૂકી રહી હતી ત્યાં શિવ સેનાના સાંસદ રાઉતે ભાજપને ‘નિઝામના બાપ’ ગણાવવાની ગુસ્તાખી કરી એટલે ભાજપી નેતા અને પ્રવક્તા માધવ ભંડારીએ ભાજપના મરાઠી મુખપત્ર ‘મનોગત’માં ‘રાઉત સાહેબ, તલાક કેવ્હા ઘેતાય?’ શીર્ષક હેઠળ લેખ લખીને બળતામાં ઘી હોમ્યું. બંને હિંદુવાદી નેતાઓ ફારગતી કે છૂટાછેડાની વાતને બદલે નિઝામના બાપ અને તલાક સુધી આવી ગયા એટલે ભડકો વધ્યો. વડા પ્રધાન મોદીની પૂણે મુલાકાતનો અન્ય વિપક્ષોની સાથે જ શિવ સેના જેવા સત્તાપક્ષે પણ બહિષ્કાર કર્યો. બંને પક્ષોનાં સંમેલનો અને કારોબારીમાં આગામી મહાપાલિકા ચૂંટણીઓ અલગ અલગ લડવાની ઘોષણાઓ થઈ. એક બાજુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાવસાહેબ દાનવે ‘શાંત રહો’નો મંત્ર જપી રહ્યા છે, તો બીજી બાજુ શિવ સૈનિકો ‘મનોગત’ને બાળી રહ્યા છે. માધવ ભાંડારીના મુંબઈસ્થિત ઘરે પોલીસ સુરક્ષા આપવી પડી છે.
ભાજપવાળા ‘સામના’ની નકલો બાળવાની વાતો કરે છે તો સામે શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ‘સામના’ને બાળવાની વાત કરનારા હિંદુવાદીઓને મુસ્લિમોની આળપંપાળ કરનારા મનોરુગ્ણ (માનસિક રોગી) ગણાવવા માંડ્યું છે. જોકે, ભાજપવાળા શિવ સેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ‘શોલે’ના અસરાની ગણાવે છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના સુપ્રીમો અને ઉદ્ધવના પિતરાઈ તથા માસિયાઈ રાજ ઠાકરે ભાજપને મહેણાં મારતાં નિવેદન કરે છે કે એવા કેમ દિવસો આવ્યા કે ભાજપના પ્રધાન એકનાથ ખડસેએ દાઉદ ઈબ્રાહિમને ફોન કરવો પડ્યો?
જોકે, આ બધી નૌટંકી હોવાનું જણાવીને પવાર તો ભાજપ અને શિવ સેનાને ગોળની આસપાસ ચીટકેલી કીડીઓ જેવા સત્તાપિપાસુ લેખાવે છે. ઘીના ઠામમાં ઘી પડ્યું રહેવાની અપેક્ષા ખરી, પણ વધી રહેલી કડવાશ હવે ગમે ત્યારે ‘તલાક’ શક્ય બનાવશે એવા સંકેત આપે છે.

