તમારી વાત

Tuesday 16th August 2016 16:12 EDT
 

‘પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ બ્રહ્મલીન’

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (BAPS)ના પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે 13 ઓગસ્ટે આ દુનિયાને અંતિમ દર્શન આપીને વિદાય લીધી જે દુનિયાભરના હિન્દુ ધર્મના લોકો માટે ન પુરી શકાય તેવી ખોટ છે. તેઓ ખુબ જ શાંત સ્વભાવના અને નીરાભિમાની હતા.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રમુખસ્વામીને શ્રદ્ધાંજલિમાં કહ્યું કે ઘણા વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગોમાં હિન્દુ ધર્મને સૌ પ્રથમ ઉજાગર કર્યો હતો. તે પછી જો હિન્દુ ધર્મનો પ્રચાર કરનાર કોઈ હોય તો તે પ્રમુખસ્વામી મહારાજ જ છે. તેમણે માત્ર મંદિરો જ નહીં પણ અનેક હોસ્પિટલો, સ્કૂલો, યુનિવર્સિટીઓ પણ બનાવી છે. દેશ કે દુનિયામાં કુદરતી આપત્તિની કોઈ ઘટના બને ત્યારે બીએપીએસના કાર્યકરો અને સંતો સૌ પહેલા ત્યાં પહોંચી જઈને તાત્કાલિક રસોડા ઉભા કરી ને પીડિતોને રાહત અને દવાઓ આપે છે. આ કામ ખુબ પ્રશંસાને પાત્ર છે.
પ્રમુખ સ્વામી ખુબ જ સચોટ પણ સાદું પ્રવચન આપતા. તેમાં ક્યારેય કોઈ અતિશયોક્તિ કે આડમ્બર ન હોય. થોડા વર્ષ પહેલા ગાંધીનગરમાં ‘અક્ષરધામ’ પર આંતકીઓએ હુમલો કર્યો હતો. તેમાં અનેકનો ભોગ લેવાયો ત્યારે પ્રમુખ સ્વામીએ લોકોને સંદેશો આપ્યો હતો કે જે થવાનું હતું તે થઈ ગયું. ભગવાન જ તેઓને સજા કરશે માટે શાંતિ જાળવજો. આ સંદેશથી દુનિયાભરના રાજકીય નેતાઓએ તેમને એક મહાપુરુષ તરીકે બીરદાવ્યા.

- ભરત સચાણીયા, લંડન

ભારતે દરિયાઈ સંરક્ષણ વધારવાની જરૂર

ભારતના આંદામાન ટાપુની ઉત્તરે માત્ર ૨૦ કિ.મીના અંતરે આવેલા ‘કોકો ટાપુઓ’ સંરક્ષણની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે. નહેરૂજીએ ૧૯૫૦માં આ ટાપુઓ મ્યાનમાર (બર્મા)ને ભેટ આપેલા તેવું કહેવાય છે. ચીને ૧૯૯૪માં મ્યાનમાર પાસેથી આ ટાપુઓ લીઝ પર લીધા અને ત્યાં ૪૦-૫૦ મીટર ઊંચું રડાર ઊભું કરી દીધું. જૂના રન-વેને નવેસરથી લાંબુ અને અદ્યતન બનાવ્યું. ભવિષ્યમાં ચીન ત્યાં એરફોર્સ પણ બાંધશે તેમજ સબમરીન અને નેવી બેઝ પણ બનાવે એ શક્યતાને નકારી શકાય નહીં. ચીન ત્યાંથી આપણા ઈસરો અને ચાંદીપુરની હીલચાલ પર જાસુસી કરશે. ભારતની ગુપ્ત હિલચાલ પર ચીન નજર રાખી રહ્યું છે. શ્રીલંકાએ પોતાના કિનારે એની સબમરીનોને લાંગરવાની પરવાનગી આપી છે.
ચીન જેવી અગમચેતી અને દીર્ઘદ્રષ્ટિની બાબતે આપણે ઘણા જ ઉણા ઉતર્યા છીએ. ૧૯૫૦થી અત્યાર સુધી આપણે ઉંઘતા જ રહ્યા.
હમણાં હમણાં ભારત આ બાબતે મ્યાનમાર સાથે વાટાઘાટો કરી રહ્યું હોવાનું સંભળાય છે. પરંતુ તે માત્ર ‘પાણી વહી ગયા પછી પાળ બાંધવા’ જેવો વ્યર્થ પ્રયાસ જ પૂરવાર થશે.
લશ્કરી દ્રષ્ટિએ બહુ જ અગત્યના લક્ષદ્વીપ ટાપુ પર આર્મી, નેવી, એરોફોર્સ અને સબમરીન તેમજ મિસાઈલના બેઝીઝ બાંધીને જડબેસલાક સંરક્ષણ ઊભું કરવાની આ સોનેરી તક ગુમાવવાનું આપણને પોષાય તેમ નથી. - શુભસ્ય શીઘ્રમ!

ડો. નગીનભાઈ પી. પટેલ, લંડન

‘ગુજરાત સમાચાર’નું પ્રશંસનીય યોગદાન

યુરોપખંડમાં લોકપ્રિય બનેલા ‘ગુજરાત સમાચાર’નો હું છેલ્લા પંદર વર્ષથી નિયમિત વાચક અને શુભચિંતક રહ્યો છું.
સૌ કોઈને પોતાની આગવી કક્ષાથી પ્રભાવિત કરનાર લોકપ્રિય અખબારના મુખ્ય સ્તંભ ગણાતા માનનીય તંત્રી સી. બી. પટેલની એકધારી ફળદાયક મહેનત, વણથાકી ધગશ અને સતત પ્રશંસનીય લોક-સંપર્કનું ગુણિયલ પ્રભાવિત વ્યક્તિત્વ આજે સમગ્ર યુરોપ ખંડ ઉપરાંત વિશ્વધોરણે ધબકતા ગુજરાતી સમાજમાં છવાઈ ગયું છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હજારોની સંખ્યામાં ઊમટેલાં ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન જ્યારે અમદાવાદ સુધીની ડાયરેક્ટ વિમાની સેવા માટેની ઝુંબેશમાં મુખ્ય પ્રયોજક તરીકે સી. બી. પટેલના નામનો ઉલ્લેખ કરે ત્યારે તેઓ ઈંગ્લેન્ડની સમૃદ્ધ ધરતી પર એક વ્યક્તિ વિશેષ ગુજરાતી અગ્રણી તરીકે ઊભરી આવે છે.
સી બી પટેલ તેમના મળતાવડા સ્વભાવથી પહેલી જ મુલાકાતમાં સામેની વ્યક્તિને પ્રભાવિત કરી દે છે. એમનું આગવું વ્યક્તિત્વ અને એમની વાતોમાં એક નિડર પ્રામાણિક, સત્યપ્રિય, નિખાલસ અને જનહિતની લાગણી ધરાવતી એક વિશિષ્ટ વ્યક્તિ નજરે પડે છે.
‘ગુજરાત સમાચાર’ને યુરોપ ખંડના ખૂણેખૂણામાં વસતા ગુજરાતીઓમાં લોકપ્રિય બનાવનાર સી. બી. પટેલને હાર્દિક અભિનંદન પાઠવતાં હું ગૌરવ સાથે હર્ષની લાગણી અનુભવું છું.

- એચ. વી. કેરાઈ, વેલીંગ-કેન્ટ

દીન દુખિયાના બેલી જનાબ એધીને સલામ

‘ગુજરાત સમાચાર’ માં સી. બી. પટેલની ‘જીવંત પંથ’ કોલમમાં ઘણું જ રસપ્રદ વાંચન હોય છે. એમાંથી ઘણું જીવનમાં પણ ઉતારવા જેવું હોય છે. એમણે પ્રેમની વાત કરી. આપણે વય વધવાની સાથે બાળપણના સંસ્મરણોને વધુ વાગોળીએ છીએ.
બીજું, તેમણે ડેવિડ કેમરન, સામન્થા, સારાહ, ગોવ તેમજ બોરિસ જોન્સનના જીવનની ઝાંખી કરાવી. રાજકારણને કારણે મિત્રતાને કોરાણે મૂકવી પડે. કેમરનને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે તેમણે પ્રમુખપદ છોડવું પડશે એવું તેમના ભાવિમાં લખ્યું હશે. દરેકના જીવનમાં પરિવર્તન આવે છે. આ જગત પરિવર્તનશીલ છે. તેથી માનવીના દિવસો એકસરખા જતાં નથી.
વધુમાં, શ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ ‘તસવીરે ગુજરાત’માં જનાબ એધીના જીવનની કહાની પ્રસ્તુત કરી. ૧૯૪૭માં ભારતનું વિભાજન થયું ત્યારે ૨૦ વર્ષની ઉંમરે પોતાનું વતન બાંટવા છોડીને તેઓ પાકિસ્તાનમાં જઈને વસ્યા. સાઠ વર્ષ અગાઉ અનાથ અને દુખિયારા લોકો માટે આશ્રયસ્થાન ઊભું કર્યું. જોતજોતામાં આ ‘એધી હોમ’ સેવા અને સુશ્રુષાનું થાનક બની ગયું. ૮૮ વર્ષની ઉંમરે તેઓ આ દુનિયા છોડી પ્રભુના ધામમાં સિધાવ્યા છે. આવા રત્નો ઘણા ઓછા જોવા મળે છે.
શ્રી વિષ્ણુભાઈ પંડ્યાની ‘સુભાષકથા’ ઘણાં સમયથી આવે છે, જે વાંચીને એમના જીવન વિશે ઘણું જાણવા મળ્યું. આપણા દેશની સ્વતંત્રતા માટે કેવા સાહસ, જોખમ લઈને જાનની પરવા કર્યા વગર તેઓ લડત લડતાં રહ્યા. એમની દેશભક્તિ અજોડ હતી. સુભાષચંદ્ર બોઝ આજે હયાત હોત તો આપણા દેશની આ હાલત ન હોત!!!.

- રતિલાલ ટેલર, સાઉથગેટ

આઝાદ દિને ‘ઝંડા વંદના’

સૌને આઝાદ દિનના ખૂબ અભિનંદન. જય હિંદ
આપણા તિરંગાને સલામ. મેઘાણીએ લખેલું ‘ઝંડા વંદના’ મને યાદ આવે છે. પ્રથમ આઝાદ દિને મેં સ્કૂલના ફંક્શનમાં ઝંડાને વંદન કરીને એ ગીત ગાયું હતું. મારી ટીચરે ઝંડો ફરકાવ્યો હતો. તો તેની હું કેટલીક પંક્તિ લખું છું.
(રાગ) રક્ત ટપકતી સો સો ઝોળી
 સમરાંગણથી આવે
તારે ક્યારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયા
પુત્રવિજોગી માતાઓનાં નયનઝરણ ઠલવાયાં
ઝંડા અજર અમર રહેજે વધ વધ આકાશે જાજે

નહિ કિનખાબ મખમલ મશરૂ કેરી તારી પતાકા
નહિ જરી ને હીરભરતના ભભકા તુજ પર ટાંક્યા
ઝંડા ભૂખરવો તોયે દિલો કોટિ તુજ પર મોહે

નીલગગનની હાથ ઝુલાવી વિશ્વનિમંત્રણ દેતો
પીડિત જનની બાંધવતાના શુભ સંદેશા કહેતો
ઝંડા કરશે જગ તેડાં પ્રજા સઘળીના અહીં મેળા

- નીરુબહેન દેસાઈ, ફોરેસ્ટ ગેટ


comments powered by Disqus