પોકેમોન પર ગુજરાતમાં પ્રતિબંધ માટે રિટ

Wednesday 17th August 2016 07:10 EDT
 

દેશવિદેશમાં પ્રચલિત વર્ચ્યુઅલ ગેમ પોકેમોનના કારણે માર્ગ અકસ્માતની સંભાવનાઓ વધતી હોઈ અને તેનાથી લોકોની જિંદગી જોખમમાં મુકાતી હોઈને આ ગેમ પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવી જાહેરહિતની રિટ તાજેતરમાં અમદાવાદ હાઈ કોર્ટમાં ફાઇલ થઈ છે. પોકેમોન ગેમના કારણે વિદેશમાં ઘણા અકસ્માતના કિસ્સા બન્યા છે. ગુજરાતમાં પણ આ ગેમમાં લોકો મશગૂલ જોવા મળે છે. તેથી આ રિટ કરાઈ છે.
• હજયાત્રીની પ્રથમ ફ્લાઈટનો ૨૧મીથી પ્રારંભઃ રાજ્યના હજયાત્રીઓની પ્રથમ ફલાઈટનો ૨૧મી ઓગસ્ટથી પ્રારંભ થવાનો છે. ૨૧ ઓગસ્ટથી ૫ સપ્ટે. સુધી સાઉદી એરલાઈન્સની કુલ ૨૫ ફલાઈટ અમદાવાદથી સીધી જિદ્દાહ પહોંચશે. બીજી તરફ ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સૌથી વધુ ૭,૫૦૦ હજયાત્રીઓ ગુજરાત રાજ્ય હજ કમિટી મારફત હજયાત્રાએ જવાના છે.
• ઉપાધ્યક્ષ પદ અમને આપો અમે દલિતને આપીશુંઃ ગુજરાતમાં જ છેલ્લી ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં દેશની તમામ વિધાનસભા અને પરિષદના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ આવ્યા હતા. તેમની હાજરીમાં જ વિધાનસભાની બેઠકો એક વર્ષમાં ઓછામાં ઓછી ૬૦ દિવસ મળશે તેવો ઠરાવ કર્યો હતો. આમ છતાં ભાજપની ગુજરાત સરકાર માત્ર બે દિવસનું ટૂંકું સત્ર બોલાવીને ગુજરાતમાં જ લેવાયેલા નિર્ણયનો ભંગ કરી રહી છે તેવો આક્ષેપ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં કર્યો હતો. તેમણે એવી માગ કરી હતી કે, આગામી સત્રમાં કોંગ્રેસને ઉપાધ્યક્ષપદ મળે. તેમણે આ માગ સાથે ખાતરી આપી હતી કે કોંગ્રેસ દલિત ધારાસભ્યને ઉપાધ્યક્ષ તરીકે નિમશે. ૨૨ અને ૨૩મી ઓગસ્ટ વિધાનસભાનું સત્ર બોલવાનું નક્કી થયું છે.
• રાજ્યમાં દેહદાનમાં ભાવનગર જિલ્લો અગ્રેસરઃ ૧૩મી ઓગસ્ટે વિશ્વભરમાં ‘વર્લ્ડ ઓર્ગન ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ નિમિત્તે દેશમાં બહાર પડેલા અહેવાલ પ્રમાણે આ મામલે સૌથી શ્રેષ્ઠ કામગીરી તામિલનાડુમાં થઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં ઓર્ગન ડોનેશન (હાર્વેસ્ટ)માં અગાઉ રાજકોટ પ્રથમ ક્રમાંકે હતું હવે સુરત પહેલા ક્રમે અને રાજકોટ બીજા ક્રમે છે જ્યારે દેહદાનમાં ભાવનગર જિલ્લો અગ્રેસર છે.
• જુગાર ટુરિઝમઃ શ્રાવણ માસ નિમિત્તે અમદાવાદના એક જાણીતા જુગારકિંગે શ્રીલંકાના કોલંબો સિટીમાં જુગારનું મસમોટું આયોજન કર્યું હતું. આ આયોજનમાં જાણીતા બુકીઓ અને વેપારીઓએ કરોડોનો જુગાર ખેલ્યો હોવાનું મનાય છે. ઓછામાં ઓછો રૂ. ૧૦ લાખ કે તેથી વધુનો જુગાર રમવાની તાકાત હોય તેવા ગુજરાતના અનેક વેપારીઓથી લઇને ક્રિકેટના સટ્ટાના બુકીઓને આ આયોજનમાં એન્ટ્રી અપાઈ હતી.


    comments powered by Disqus