સુપરસ્ટાર શાહરુખ ખાનના યુએસ સાથેના ગ્રહો બંધબેસતાં નથી એવું લાગે છે. ૧૨મી ઓગસ્ટે શાહરુખની લોસ એન્જેલેસમાં ફરી એકવાર અટકાયત કરાઈ હતી. એલએના ઇમિગ્રેશન અધિકારીઓએ છેલ્લાં સાત વર્ષમાં શાહરુખને ત્રીજી વાર આ રીતે અટકાવ્યો છે. જોકે અધિકારીઓએ શાહરુખની પૂછપરછ કરીને પછી તેને જવા દીધો હતો અને પછીથી અમેરિકાએ તેની માફી માગી હતી.
શાહરુખ ખાને એ પછી ટ્વિટર પર આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરતાં લખ્યું હતું કે, દુનિયામાં સુરક્ષા વ્યવસ્થાની કામગીરીથી હું સભાન છું અને તેનો હું આદર પણ કરું છું, પરંતુ દરેક વખતે યુએસ ઇમિગ્રેશન અટકાવે તેનાથી દુઃખ થાય છે. જોકે એ પછી શાહરુખે થોડાં હળવા મૂડમાં કહ્યું કે ‘એ દરમિયાન હું પોકેમોન રમતો રહ્યો હતો. સારી વાત એ રહી કે મેં થોડાં સારા પોકેમોન પકડ્યા હતા. ભારત ખાતેના અમેરિકાના રાજદૂત રિચર્ડ વર્માએ ઘટના અંગે માફી માગી હતી અને કહ્યું હતું કે ભવિષ્યમાં હવે આવું નહીં થાય.

