બૈજિંગઃ ચીનના જિયાંગશુ પ્રાંતમાં આવેલા એક અણુકેન્દ્રમાં પ્લાઝમા બનાવવા માટે વિજ્ઞાનીઓએ ૧૦૨ સેકંડ સુધી ૪.૯૯ કરોડ ડિગ્રી સેલ્શિયસ તાપમાન પેદા કરવાની સિદ્ધિ મેળવી છે. તાપમાન સૂર્યની સપાટીના તાપમાન કરતાં ત્રણ ગણું વધારે અને મધ્યમ કદના થર્મોન્યુક્લિયર વિસ્ફોટ જેટલું હતું તેમ સાઉથ ચીનના અખબારે કહ્યું હતું.
જિયાંગશુમાં એક્સપેરિમેન્ટલ એડવાન્સ્ડ સુપરકંડક્ટિંગ ટોકામેક મશીન દ્વારા ગયા સપ્તાહે ઈન્સ્ટિટયુટ ઓફ પ્લાઝમા ફિઝિક્સના વિજ્ઞાનીઓએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ વિજ્ઞાનીઓ લગભગ ૧૨ મિનિટ માટે ૧૦ કરોડ ડિગ્રી સેલ્શિયસ તાપમાન પેદા કરવા માગતા હતા.
પ્લાઝમાની ઉત્પતિ માટે તાપમાન જાળવી રાખવાનો સમયગાળો મહત્વનો છે. અણુવિસ્ફોટની તીવ્રતામાં આ સમયગાળો મહત્વનો છે. આ પ્રયોગમાં ઊંચુ તાપમાન જાળવી રાખવામાં સફળતા મળી હતી, પરંતુ અગાઉ જુદી જાતના મશીનો પર બીજા પ્લાઝમા પેદા કરવામાં સફળતા મળી ચૂકી છે. અગાઉના પ્લાઝમા આટલો લાંબો સમય સાચવી શકાતા નથી. તેમાં કેટલાક સલામતીના કારણો હતા. આ મશીન દ્વારા અણુઓને ઊંચા તાપમાને ગરમ કરીને તીવ્ર ગરમી પેદા કરી પ્લાઝમા મેળવાય છે.
ઊંચા તાપમાને અણુ વિસ્ફોટ કરીને ઉર્જા મેળવવાની ટેકનોલોજી વર્ષોથી પ્રચલિત છે, જેના કારણે ઉર્જાનો મોટો વિકલ્પ મળે છે અને અન્ય ઈંધણોની બચત થાય છે.

