ભારતમાં પહેલી વખત પેરા-મિલિટ્રી ફોર્સનું નેતૃત્વ એક મહિલાને સોંપવામાં આવ્યું છે. દેશના સૌથી મહત્ત્વના અર્ધલશ્કરી દળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના વડા તરીકેની પડકારજનક જવાબદારી અર્ચના રામાસુંદરમ સંભાળશે. તામિલનાડુ બેચનાં ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ) ઓફિસર અર્ચના રામાસુંદરમે ગયા સપ્તાહે બીએસએફના હેડ ક્વાર્ટરમાં ખાખી યુનિફોર્મમાં ડિરેક્ટર જનરલ (ડીજી)ના હોદ્દાનો અખત્યાર સંભાળ્યો ત્યારે તેમને વિધિપૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
અર્ચના રામાસુંદરમ્ અગાઉ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોનાં ડિરેક્ટર હતાં. ભારતનાં અર્ધ-લશ્કરી દળો સેન્ટ્રલ રિઝર્વ પેરા-મિલિટરી ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ અને ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસના છ દાયકાના ઇતિહાસમાં ડિરેક્ટર જનરલનો હોદ્દો શોભાવનારાં તેઓ પ્રથમ મહિલા છે. ઉત્તર પ્રદેશનાં રહેવાસી ૫૮ વર્ષનાં અર્ચના રામાસુંદરમે આર્ટસ અને સાયન્સમાં એમ બે માસ્ટર ડિગ્રીઓ મેળવી છે.
શું કહ્યું અર્ચના રામાસુંદરમે?
BSFનાં નવાં DGએ હોદ્દાનો અખત્યાર સંભાળ્યા બાદ મીડિયાને સંબોધતાં જણાવ્યું હતું કે ‘મારા જીવનમાં આ દિવસ મને હંમેશાં યાદ રહેશે. મારી આ નિયુક્તિ હું ભારતની મહિલાઓને અર્પણ કરવા ઇચ્છું છું. પડકારભરી કામગીરી પાર પાડતી વેળા વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ એ બાબત કરતાં નેતૃત્વનો ગુણ વધારે મહત્વનો છે. હું BSFમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાને પ્રાધાન્ય આપીશ. મેં જ્યાં-જ્યાં કામ કર્યું ત્યાં-ત્યાં એ જ કામ કરવાની કોશિશ કરી છે. એવું જ હું અહીં પણ કરવાનો પ્રયત્ન કરીશ. BSFમાં તથા એકંદરે દરેક ઠેકાણે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે શક્ય એટલું બધું કરવાનો પ્રયત્ન કરીશ. મહિલાઓમાં ક્ષમતા અને પ્રતિભાની ઊણપ નથી, તેમને એ ક્ષમતા પુરવાર કરવાના અવસરો મળવા જરૂરી છે.’

