યુદ્ધ પછીની અણધારી પરિસ્થિતિમાં દોઢ લાખ ભારતીયોનું ‘એરલિફ્ટ’

ખુશાલી દવે Wednesday 17th February 2016 05:40 EST
 
 

મથુન્ની મેથ્યુઝ નામના મૂળ ભારતીય પરથી બનેલી ફિલ્મ ‘એરલિફ્ટ’નું રાજા કૃષ્ણ મેનનનું દિગ્દર્શન એટલું કાબિલે તારીફ છે કે, ‘એરલિફ્ટ’ દસ્તાવેજી જેવી ફિલ્મ હોવા છતાં જકડી રાખે તેવી છે. આ ફિલ્મમાં એક પણ શોટ, સંવાદ કે ગીત વધારાના ન લાગે.
વાર્તા કંઈક એવી છે કે ઈરાક યુદ્ધ બાદ કુવૈતમાં સદ્દામ હુસૈનના શાસનને બળજબરીથી લાદી દેવા માટે કુવૈતમાં વસતા ઇરાકીઓ પર અત્યાચાર ગુજારાઈ રહ્યો છે. એવામાં મૂળ ભારતીય અને વર્ષોથી કુવૈતમાં રહેતો નામાંકિત, વગદાર, સ્વાર્થી અને ક્યારેય ભારતમાં ન આવવા ઇચ્છતો બિઝનેસમેન રણજિત કત્યાલ પોતાની પત્ની અમૃતા અને દીકરી સિમરન સાથે કુવૈત છોડીને ભારત આવવા માટે અધીરો બની ગયો છે.
કત્યાલ પોતાની ગાડીમાં ડ્રાઈવર સાથે સળગતા કુવૈતની ગલીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે તેના ડ્રાઈવરને ગાડીમાંથી બહાર કાઢીને તેની હત્યા કરી નાંખવામાં આવે છે અને રણજિતના માથા પર પણ ગન તકાઈ હોય છે ત્યાં જ સદ્દામનો સાગરિત એવો મેજર ખલાફ બિન ઝાયેદ તેને ઓળખી જાય છે. ઝાયેદ પરિવાર સહિત ગંજાવર રકમના બદલામાં રણજિતને ભારત જવા દેવાની ઓફર મૂકે છે.
ડ્રાઈવરની હત્યાથી હેબતાઈ ગયેલો અને હૃદય પરિવર્તન પામેલો રણજિત આ ઓફરમાં પરિવાર સાથે ડ્રાઈવરની પત્ની અને દીકરીને પણ ભારત સાથે લઈ જવાનો વિચાર કરે છે અને ઓફિસના કર્મચારીઓની સુરક્ષા માટે તેની ઓફિસમાં વ્યવસ્થા ગોઠવે છે. તેની ઓફિસ સુરક્ષિત છે એમ માનીને ઓફિસના કર્મચારીઓની સાથે અન્ય ભારતીયો પણ તેની એફિસે આવી ચડે છે. બીજાનું હિત જોવા લાગેલો રણજિત આશરે દોઢેક લાખ ભારતીયો હેમખેમ ભારત પહોંચે એ માટેના પ્રયત્નો શરૂ કરે છે. એક તરફ ઝાયેદ સાથે વાટાઘાટોથી કુવૈતમાં મિત્રોની મદદથી ભારતીય કેમ્પ શરૂ કરે છે. બીજી તરફ ઇન્ડિયન એમ્બેસી અને ભારતની આંતરરાષ્ટ્રીય બાબતોની નવી દિલ્હી ખાતેની કચેરી સાથે સતત સંપર્કમાં રહે છે.
ભારતીયોને ભારત પહોંચાડવાના સફળ – નિષ્ફળ પ્રયત્નો વચ્ચેની પળેપળની અણધારી પરિસ્થિતિમાં અંતે દોઢેક લાખથી વધુ ભારતીયોને જોર્ડન મારફતેના હવાઈ મથકેથી એરલિફ્ટ એટલે કે એર ઇન્ડિયાના વિમાનોમાં ભારત લાવવામાં આવે છે.
આ ફિલ્મમાં રણજિત ઉપરાંત રણજિતની પત્ની અમ્રિતા, મેજર ખલાફ બિન ઝાયેદ, લીના (ડ્રાઈવર જયનારાયણની પત્ની), ઇબ્રાહિમ દુરાની, જ્યોર્જ કુટ્ટી, કુરૈન, મિસ્ટર પુનીવાલા, કુવૈતમાંથી ભારતીયો વતન પાછા આવી શકે તે માટેની દિવસ રાતની જદ્દોજહેત કરતો નવી દિલ્હીમાં રહેતો સરકારી અધિકારી સંજીવ કોહલી દરેકે દરેક કેરેક્ટર મુખ્ય હોય તેમ ઉપસાવવામાં આવ્યા છે. ફિલ્મના લોકેશન્સ અને પ્રોડક્શન વેલ્યુમાં પણ કોઈ કચાશ નથી.
જોર્ડનની ઇન્ડિયન એમ્બેસીની ઓફિસ પર ફરકતો ત્રિરંગો અને ત્રિરંગાને ભીની આંખે ગર્વથી જોતો કટિયાલ એવા ઘણા દૃશ્યો તમને ભાવુક કરી મૂકશે એટલે આ ફિલ્મ જોવી ચૂકશો નહીં.


comments powered by Disqus