હજારો વર્ષ પુરાણી સભ્યતા અને સંસ્કૃતિ ધરાવતા ભારતમાં સેંકડો પેઢીઓ આવી અને ગઇ, પરંતુ તેની સભ્યતા, સંસ્કૃતિ પર ખતરો મંડરાયો હોવાનો સંકેત સુદ્ધાં નથી મળ્યો. જોકે દેશની પ્રવર્તમાન હાલત જોતાં એવી છાપ ઉપસે છે કે ભારતીયો જાતે જ પોતાની સભ્યતા, સંસ્કૃતિ અને દેશને મીટાવી દેવા માટે કટિબદ્ધ બન્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સદભાવ અને ભાઇચારાની ભારતીય પરંપરા પર જે પ્રકારે હુમલા થઇ રહ્યા છે તે જોતાં દરરોજ કંઇક અણધાર્યું બનવાનો ડર લાગી રહ્યો છે. ક્યારેક ગૌમાંસનો વિવાદ તો ક્યારેક દાદરી હત્યાકાંડ. ક્યારેક કર્ણાટકમાં રેશનાલિસ્ટ કલબુર્ગીની હત્યા તો ક્યારેક મહારાષ્ટ્રમાં સુધીન્દ્ર કુલકર્ણીનું મોં કાળું કરવાની ઘટના. અને આ બધું જાણે ઓછું હોય એમ હવે જવાહર લાલ નેહરુ યુનિવર્સિટીમાં કથિત દેશદ્રોહી પ્રવૃત્તિઓના નામે વિવાદની આંધી ઉઠી છે. આ અશાંતિના પડઘા સોમવારે દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટ અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પડ્યા. હવે ક્યા શહેરો અને ક્યા શિક્ષણ સંસ્થાનોને આ અશાંતિ લપેટમાં લેશે એ તો સમય જ કહેશે. - ૧૫૦
અત્યારે ભારતવાસીઓએ પોતાની જાતને કેટલાક સવાલ પૂછવા જેવા છેઃ આખરે આપણે દેશને કઇ દિશામાં લઇ જવા માગીએ છીએ? અને બીજું, પ્રવર્તમાન સ્થિતિ માટે જવાબદાર કોણ છે? સવાસો કરોડની વસ્તી ધરાવતો સમગ્ર દેશ આ ઇચ્છે છે કે પછી કેટલાક માથાફરેલા તત્વોએ આચરેલા કૃત્યોની સજા પૂરો દેશ ભોગવી રહ્યો છે અને ભવિષ્યમાં પણ ભોગવતો રહેશે? હજુ થોડાક વર્ષો પૂર્વેની જ વાત છે. તે સમયે ભારતીયોનો સરેરાશ પગાર થોડાક સો રૂપિયા જ હતો. ઘર-પરિવારમાં ટીવી, ફ્રિજ કે સ્કૂટર-કારની વાત તો ઠીક છે મારા ભ’ઇ, મોટા ભાગના ઘરોમાં ખાવા માટે બે ટંક અનાજના પણ સાંસા હતા. આજે - તમામ પ્રકારની ખામીઓ છતાં - દેશ અને સમાજની હાલતમાં જો ધરમૂળથી બદલાવ જોવા મળી રહ્યો હોય તો તેનું એક જ કારણ છે વિકાસની સાથે રોજગારની તકોમાં વૃદ્ધિ. જો આપણે ઇચ્છતા હોઇએ કે વિકાસની આ આગેકૂચ ચાલુ રહે તો અસરકારક કાનૂન-વ્યવસ્થા અને શાંતિ-સદભાવ પાયાની શરતો છે.
કેન્દ્ર અને રાજ્યમાં કોની સરકાર રહેશે તેનાથી રાજકારણને ધંધો બનાવનાર રાજકીય કાર્યકરોને ફરક પડી શકે છે, આમ આદમને તેનાથી કોઇ ફરક પડતો નથી. ભાજપ હોય કે કોંગ્રેસ, સામ્યવાદીઓ હોય કે સમાજવાદી પાર્ટી, સામાન્ય માનવીને તો એટલી જ નિસ્બત હોય છે કે દેશમાં શાંતિ-ભાઇચારો જળવાય રહે અને વિકાસ થતો રહે. પ્રવર્તમાન સ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે કોઇ એક પક્ષ કે એક નેતા જ નહીં, પણ રાજકીય જમાતનો બહુમતી વર્ગ જાણ્યે-અજાણ્યે દેશના માહોલને ખરડવાના કામે લાગ્યો છે. અફસોસ તો ત્યારે વધુ થાય છે જ્યારે સરકાર પણ આવા લોકો સામે કાર્યવાહી કરતી નથી. શાસકોની નિષ્ક્રિયતા નિહાળીને મનમાં સ્હેજેય શંકા ઉદ્ભવે છે કે ક્યાંક આ લોકો પણ દેશના દુશ્મનો સાથે તો મળેલા નથીને? દેશમાં શાંતિ-ભાઇચારાના માહોલને બગાડનારા પરિબળોને પણ ચીન કે પાકિસ્તાન જેટલા જ ખંધા અને ખતરનાક દુશ્મન સમજવા રહ્યા. પછી ચાહે તે જેએનયુ વિવાદ હોય કે આઝમ ખાનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનમાં દાઉદ ઇબ્રાહીમને મળ્યા હોવાનું નિવેદન હોય. આવા પરિબળો સામે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા નક્કર કાર્યવાહી ન થવાને બે રીતે મૂલવી શકાય. કાં તો તેઓ સાચું બોલી રહ્યા છે અથવા તો પછી અંદરખાને બધા મળેલા છે. આજે ભારતમાં માહોલ વધુ બગડતો અટકાવવો હોય તો જરૂરત છે ‘સહુ કોઇ અંદરખાને મળેલા’ હોવાની ધારણા તોડવાની. માત્ર અને માત્ર કાયદો-વ્યવસ્થાના અસરકારક પાલનથી જ આ શક્ય છે. વડા પ્રધાન કે મુખ્ય પ્રધાનોએ ક્યારેય ન ભૂલવું જોઇએ કે તે પક્ષના નહીં, દેશના છે. દેશહિતને, દેશની અખંડિતતાને - પ્રત્યક્ષ કે પરોક્ષ - કોઇ પણ પ્રકારે નુકસાન કરનારાઓ સામે કાર્યવાહી થવી જ જોઇએ. વિકાસના પંથે હરણફાળ ભરી રહેલા દેશનો માહોલ ખરડવાનો પ્રયાસ કરી રહેલા પરિબળોનો બદઇરાદો પાર પડે તે પહેલાં જ તેમની સામે સખ્ત કાર્યવાહી થવી જ જોઇએ. રાષ્ટ્રહિતને નજરઅંદાજ કરનાર શાસકને ઇતિહાસ ક્યારેય માફ કરતો નથી તે યાદ રાખવું રહ્યું.
