સંતાનોને શિક્ષણની સાથે અનુભવનું ભાથું પણ આપો

તુષાર જોશી Wednesday 17th February 2016 05:11 EST
 

‘બેટા, તમને અમારી વાતો જૂનવાણી લાગતી હોય, સાંભળવી ન ગમતી હોય તો હવે હું ડાઈનિંગ ટેબલ પર કે ડાયરી થકી સંવાદરૂપે કે પત્ર દ્વારા તમને કંઈ નહીં કહું’, અવિનાશે દીકરીને કહ્યું.
મુંબઈમાં ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછરેલી એની દીકરી મેનેજમેન્ટ ક્ષેત્રે ખૂબ નામના મેળવીનું ખૂબ સારું આર્થિક વળતર તથા માન-સન્માન પામી રહી હતી. પરંતુ ઘણી વાર અવિનાશને લાગતું કે એ પોતે જે મૂળમાંથી આવ્યો છે ત્યાંના સંસ્કાર-વાતાવરણ-મૂલ્યો વગેરે પણ આજના જમાનામાં યુવાનોએ આત્મસાત કરવા જોઈએ અને તેનાથી સંતાનોના જીવનમાં વેલ્યુ એડિશન થશે. આથી અઠવાડિયામાં એકાદ વાર ડાઈનીંગ ટેબલ પર પારિવારિક સંવાદમાં અને ક્યારેક ડાયરીના પાનાંઓ પર પત્ર લખીને એ દીકરીને સંબોધી પોતાની લાગણી ઠાલવતો. આજે આવી જ કંઈક વાત પર એને લાગ્યું કે દીકરીને પોતાની વાતો બોજ જેવી લાગી રહી છે એટલે એણે ઉપરનો સંવાદ કર્યો અને ટીવી પર ફિલ્મફેર એવોર્ડસનો રેકોર્ડેડ કાર્યક્રમ નિહાળવા લાગ્યો પરિવારના સભ્યો સાથે.
હિન્દી ફિલ્મજગતની યુવાન અને પ્રતિભાવંત અભિનેત્રી દીપિકા પદુકોણને બેસ્ટ એકટ્રેસ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. અતિ ભાવુક થઈ ગયેલી દીપિકાએ જાજરમાન અભિનેત્રી રેખા પાસેથી આ એવોર્ડ સ્વીકાર્યો. તે પછી એણે એક પત્ર વાંચ્યો, જે તેના કહેવા મુજબ માત્ર ૧૮ વર્ષની ઉંમરે બેંગ્લોરથી માયાનગરી મુંબઈમાં પ્રવેશી ત્યારે તેના પિતા અને ભારતના પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી પ્રકાશ પદુકોણે દીપિકાને લખ્યો હતો. આંખોમાં વહેતા સાચ્ચા આંસુ સાથે જ્યારે દીપિકા આ પત્ર વાંચી રહી હતી ત્યારે અમિતાભ બચ્ચન સહિતના અનેક કલાકારો ભાવુક થઈ ગયા હતા. કારણ કે એમાં એક પિતાની સંવેદના અને દીકરીને આપેલી સ્વતંત્રતા, જીવનના સંઘર્ષો, સપનાંઓમાં અને માનવીય સંબંધોની ઉષ્માપૂર્ણ વાતો લખી હતી.
એ પત્રમાં દીપિકાના પિતાએ લખ્યું છે કે ‘મારો અનુભવ છે કે આંખો બંધ કરીને દિવસમાં થોડીક મિનિટો સ્વ જોડે વીતાવજે, ઇશ્વર વિશે વિચારજે... તારામાં અનેરી ઊર્જા અને જીવનદૃષ્ટિ ઉમેરાશે.’
આખ્ખોયે કાર્યક્રમ ટીવી પર મોડી રાત્રે પૂરો થયો અને અવિનાશે દીકરીને કહ્યું, ‘બેટા, કોફી બનાવ.’ બાપ-દીકરીએ સાથે હસતાં હસતાં કોફી પીધી અને અવિનાશે ફરી ડાયરી-નોટ લઈને પોતાની વ્હાલી દીકરીને આવતીકાલે સવારે આપવા માટેનો એક વધુ લાગણીથી લથપથ પત્ર લખવાનો આરંભ કર્યો.
પ્રત્યેક વાલીએ, મા-બાપે સંતાનો સાથે સંવાદ કરવો જોઈએ. સંતાનોના ગમા-અણગમા, રસ-રૂચિને જાણી-પીછાણી એ દિશામાં એને યોગ્ય માર્ગદર્શન આપવું જ જોઈએ. સંતાનોને સ્કૂલ-કોલેજ લાઇફના શિક્ષણની સાથે જ સંસ્કાર-મૂલ્યો-અનુશાસન અને અધ્યાત્મ વિશે પણ અનુભવજન્ય કેળવણી આપવી જોઈએ. જે કોઈ પુસ્તકોમાં ક્યારેય મળવાની નથી. સંતાનોના સપનાં પૂરા કરવા માત્ર આર્થિક નહીં, અવકાશી હૂંફ પણ આપવી જોઈએ. એક માળી જેમ ફૂલછોડને ઉછેરે એમ માતા-પિતા સંતાનોની કારકિર્દીમાં પ્રોત્સાહન આપતા હોય ત્યારે સંતાનોએ પણ માતા-પિતાની કાળજી-લાગણી અને અનુભવવાણી સમજીને એમને આદર આપવો જોઈએ.
પ્રસ્તુત ઘટનામાં પિતા તરીકે પ્રકાશ પદુકોણ અને પુત્રી તરીકે દીપિકા બંનેએ પોતાની ભૂમિકા ઉત્તમ અને સહજ રીતે ભજવી છે અને તેના કારણે માત્ર તેમના જીવનમાં જ નહીં આ ઘટનાના સાક્ષી બનનારા અનેક દર્શકોના દિલોદિમાગમાં અને જીવનમાં પણ અજવાળાં અજવાળાં રેલાયા છે.
લાઈટ હાઉસ....
‘કંઈ પણ પરિસ્થિતિ અને સંજોગો હશે, અમે હંમેશા તારી પડખે જ રહીશું.’
- દીપિકાના પત્રમાં પ્રકાશ પદુકોણ

(લેખક ગુજરાત સરકારના માહિતી ખાતામાં અધિકારી છે. પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા ક્ષેત્રે લેખનથી માંડીને ફિલ્મમેકિંગનો બહોળો અનુભવ ધરાવતા લેખક સ્ટેજ કાર્યક્રમોના સંચાલક તરીકે પણ જાણીતા છે.)


comments powered by Disqus