સિયાચીન ગ્લેશિયરઃ ક્યાં સુધી સૈનિકોના બલિ ચઢતા રહેશે?

Tuesday 16th February 2016 14:39 EST
 

સિયાચીનની દુર્ગમ પહાડીઓમાં ભીષણ હિમપ્રપાત છતાં અસ્તિત્વ ટકાવવામાં સફળ રહેલા લાન્સ નાયક હનુમંથપ્પા કોપ્પડ છેવટે આર્મી હોસ્પિટલમાં જિંદગી સામે જંગ હારી ગયા. છ દિવસ બાદ ૩૫ ફૂટ ઊંડા બરફના ઢગલા નીચેથી જીવિત નીકળેલા જવાને તબીબીજગત માટે ચમત્કાર સર્જ્યો હતો, પરંતુ ‘ચમત્કાર’ લાંબો ન જ ટક્યો. ૧૯,૬૦૦ ફૂટની ઊંચાઇએ પાકિસ્તાની લાઇન ઓફ કંટ્રોલ નજીક ૧૦ ભારતીય જવાનો માઇનસ ૪૫ ડિગ્રી ઠંડીમાં પહેરો ભરતા હતા ત્યારે પ્રચંડ હિમસ્ખલન થયું. અને તમામ ૩૫ ફૂટ ઊંડા બરફ તળે દટાઇ ગયા. નવ જવાનોએ ઘટનાસ્થળે જ આખરી શ્વાસ લીધા, અને હનુમંથપ્પાએ હોસ્પિટલમાં શ્વાસ છોડ્યો. માતૃભૂમિની રક્ષા કરતાં કરતાં જીવનનું બલિદાન આપનાર આ જવાનો મૃત્યુ પામ્યા નથી, પણ અમર થઇ ગયા છે એમ કહેવામાં અતિશ્યોક્તિ નથી. શહીદ ક્યારેય મૃત્યુ પામતો નથી તે શબ્દો હૃદયસ્પર્શી હોવાના મુદ્દે તેમાં બેમત નહીં, પરંતુ આપણે એ કડવી સચ્ચાઇ પણ સ્વીકારવી જ રહી કે એક જવાનની શહીદીથી કોઇને કોઇ કુટુંબમાં તો એવો ખાલીપો અવશ્ય સર્જાય જ છે, જે ક્યારેય ભરી શકાતો નથી. એક જવાનની શહીદી, બલિદાન સાથે સંકળાયેલી આ હકીકતને ભાગ્યે જ કોઇ ધ્યાને લે છે.
આજે ભારતમાં પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધોથી માંડીને તેની સાથે ક્રિકેટ શ્રેણી રમવી કે નહીં, કાશ્મીરમાં અલગતાવાદ, અભિવ્યક્તિની આઝાદી, વાણીસ્વાતંત્ર્ય, અસહિષ્ણુતાના મુદ્દે એવોર્ડવાપસી જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલે છે, પણ સિયાચીન મુદ્દો કોઇને યાદ આવતો નથી. ૧૯૪૯ની કરાચી સમજૂતી અને ૧૯૭૨ની સિમલા સમજૂતીમાં કહેવાયું છે કે આ પ્રદેશ જીવંત વ્યક્તિ માટે રહેવા યોગ્ય નથી.
૩૨ વર્ષથી સિયાચીન ગ્લેશિયર અને હિમનદીનો લગભગ ૨૩૦૦ ચોરસ કિલોમીટરનો ભાગ વિવાદગ્રસ્ત છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની લાઇન ઓફ કંટ્રોલ પર બન્ને દેશના બે હજાર સૈનિકો વર્ષના ૩૬૫ દિવસ ચોવીસેય કલાક ફરજ બજાવતા હોય છે. આ સરહદ પર પ્રભુત્વ જમાવવા બન્ને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બનતા રહે છે. જોકે, આવા બનાવોની સરખામણીએ ખરાબ હવામાનને લીધે શહીદ થતા જવાનોની સંખ્યા બહુ મોટી છે. ૧૯૮૪થી સિયાચીન વિસ્તારમાં ભારતીય લશ્કર છે અને અત્યાર સુધીમાં ૮૦૦ જેટલા જવાનો અહીં પહેરો ભરતાં શહીદ થયા છે. પાકિસ્તાની લશ્કરને પણ આવા કપરા સંજોગોનો સામનો કરવો પડી રહ્યો છે. એપ્રિલ ૨૦૧૨માં કુદરતી હોનારત સમયે બર્ફીલા તોફાનમાં પાકિસ્તાનના ૧૪૯ સૈનિક અને ૧૧ નાગરિકો માર્યા ગયા હતા. વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા આ ક્ષેત્ર પર ભારતે ૧૯૮૪માં ઓપરેશન મેઘદૂત વાટે કબજો મેળવી ત્યાં ચોકીઓ સ્થાપી છે. કારગીલ યુદ્ધ સમયે પાકિસ્તાનનો વ્યૂહ એવો હતો કે, કારગીલ પર કબજો થઇ જાય તો સિયાચીન પરથી ભારતને હાંકી કાઢવું સરળ થઇ જશે. આ બર્ફીલા વિસ્તારમાં તાપમાન માઇનસ ૪૫થી ૫૦ ડિગ્રી જેટલું રહે છે. આવામાં ત્યાં તૈનાત જવાનો માટે ભારે જોખમ સતત રહે છે.
૨૦૧૨ની હોનારત બાદ પાકિસ્તાનના તત્કાલીન આર્મી ચીફ જનરલ અશફાક કિયાનીએ અહીંથી દળોને પાછા ખેંચી લેવા સૂચવ્યું હતું. પરંતુ કારગીલ ક્ષેત્રમાં આવેલી પર્વતીય ચોકીઓ શિયાળામાં ખાલી કરી નાખવાની બન્ને દેશો વચ્ચેની વણલખી સંમતિનો પાકિસ્તાને દુરુપયોગ કરીને ત્યાં લશ્કરી જમાવટ કરી હતી. આ અનુભવના પગલે સિયાચીનમાંથી લશ્કરી દળો પાછા ખેંચવાનું પાકિસ્તાની સૂચન સ્વીકારતા ભારત ખચકાય છે. સિયાચીન લશ્કરી દૃષ્ટિએ એટલું વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે કે કોઇ પણ દેશને પડોશી દેશના ઇરાદા પ્રત્યે શંકા થવી સ્વાભાવિક છે, જ્યારે અહીં તો પાકિસ્તાનમાં ભરોસો મૂકવાની વાત છે. પાકિસ્તાનમાં વિશ્વાસ મૂકવો દુષ્કર હોવા છતાં ભારતે - સૈનિકોની મહામૂલી જિંદગીને નજરમાં રાખીને - સિયાચીનના જટિલ મુદ્દાનો ઉકેલ આણવો જ રહ્યો.


comments powered by Disqus