‘રઈસ’ના શૂટિંગ સામે રોષ

Wednesday 17th February 2016 05:33 EST
 
 

અસહિષ્ણુતાના મુદ્દે અગાઉ કરેલા નિવેદનોના કારણે શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘રઇસ’નું શૂટિંગ વિરોધીઓએ કચ્છમાં અટકાવ્યું હતું અને ૧૨મીએ પુત્ર અબરામ સાથે તેણે ત્યાંથી ઉચાળા ભરવા પડ્યા હતા. એ પછી ૧૨મીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી તેનું શિડ્યુલ અમદાવાદમાં ગોઠવાયું ત્યાં પણ તેનો વિરોધ થયો હતો. શાહરુખ ઉસ્માનપુરાની હોટલ હયાત રેજન્સીમાં રોકાયો હતો. સરખેજ રોજામાં શૂટિંગ પૂરું કરીને તે નીકળ્યો ત્યારે ૧૪મી ફેબ્રુઆરીએ વહેલી સવારે ચાર વાગ્યે બજરંગદળના આઠથી દસ કાર્યકરો મોટરસાઇકલ લઈને હોટેલના પાછળના ભાગે પહોંચી ગયા હતા અને ‘જય શ્રી રામ’ તેમજ ‘હાય રે શાહરુખ હાય... હાય...’ના નારા લગાવવા માંડ્યા હતા. એ પછી કાર્યકરોએ હોટલના પાછળના ગેટ પરથી છલાંગ મારીને હોટેલ પાર્કિંગમાં પાર્ક કરેલી કિંગખાનની મર્સિડિઝ ઉપર પથ્થરમારો કરીને કાચ ફોડી નાંખ્યા હતા.
શાહરુખ સામેના વિરોધ અને કાર પર થયેલા પથ્થમારાના પગલે ૧૦૦થી ૧૫૦ પોલીસ જવાનોનો કાફલો હોટલ હયાત બહાર ખડકી દેવાયો હતો છતાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બપોરના સમયે કેટલાક યુવકોએ શાહરુખના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને તેનું પૂતળુ બાળ્યું હતું. જેને પગલે પોલીસે ૨૦ જેટલા યુવકોની અટકાયત કરી હતી. આ ઘટના પછી કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહે કહ્યું હતું કે, શાહરુખ પર થયેલા હુમલાને અમે વખોડીએ છીએ. મોદીજી આ ઘટનામાં દખલ દેશે કે કેમ? જે ગુજરાત મોડલનું તમે વચન આપ્યું હતું તે આ મોડલ છે?


comments powered by Disqus