ઘણી વખત એવું બને છે કે શરીરમાં ટૂંકા સમયનું અને લાંબા સમયનું કળતર રહે છે. ક્યારેક આ કળતર અસહ્ય દુખાવાનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવાની, સોજો થવાની, શ્વાસ લેવાની તકલીફની કે અનઇઝીનેસની ફરિયાદ સાથે આપણે ડોક્ટર પાસે પહોંચીએ ત્યારે સૌથી પહેલાં તેઓ પૂછે છે કે આ લક્ષણો ક્યારથી દેખાવાનું શરૂ થયું? લક્ષણોની તીવ્રતા અને એની શરૂઆત ક્યારથી થઈ એ જે તે રોગ કે સ્થિતિનું નિદાન કરવા માટે ખૂબ જ મહત્ત્વનું હોય છે. જેમ કે જો તમને ઘૂંટણમાં દુખાવો થાય છે તો એ કેવી રીતે શરૂ થયો એ દુખાવાનું કારણ શોધવા-સમજવામાં ઘણો જ અગત્યનો ફાળો આપે છે.
મેડિકલ ભાષામાં આ બન્નેના ડિફરન્સના આધારે રોગો અને લક્ષણોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. એક્યુટ અને ક્રોનિક. એક્યુટ એટલે કે તરતનું. ક્રોનિક એટલે જૂનું અને ઘણા લાંબા સમયથી ચાલ્યું આવતું. અચાનક જ ખૂબ તીવ્રતા સાથેનો દુખાવો શરૂ થાય અને બે-ચાર દિવસમાં તો તમે પગ પર ચાલી ન શકો એટલી હદે દુખાવો વધી જાય એ એક્યુટ પેઇન કહેવાય. બીજી તરફ જો ઘૂંટણમાં ઝીણું-ઝીણું દુખ્યા કરતું હોય, ક્યારેક મટી જાય તો ક્યારેક ફરી દુખાવો શરૂ થાય, મહિનાઓ કે વર્ષો પછી પગ માંડી ન શકાય એવું દુખે ત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ. આ દુખાવો ક્રોનિક છે.
એક્યુટ કન્ડિશન કિડની, લીવર, હાર્ટ, સાંધા, આંતરડાં, જઠર, મગજ, સ્વાદુપિંડ એમ કોઈ પણ અવયવને તત્કાળ થયેલા ડેમેજને કારણે પેદા થઈ હોય છે. ક્રોનિક કન્ડિશનમાં તમામ અવયવો ધીમે-ધીમે ડેમેજ થતા રહે છે જેની કાં તો આપણને ખબર નથી પડતી કાં તો આપણે ઇગ્નોર કરીએ છીએ. એક્યુટ સ્થિતિને નિવારવા માટે ઘણું બધું ધ્યાન રાખવું પડે, પણ શરૂઆતનાં ધીમાં લક્ષણોથી જાગી જઈએ તો ક્રોનિક રોગોને જરૂર નિવારી શકાય.

