પૂણેઃ વિરાટ કોહલી અને કેદાર જાધવની સદીના સહારે ભારતે અહીં રમાયેલી પ્રથમ વન-ડેમાં મહેમાન ઇંગ્લેન્ડ ટીમને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં જો રુટના ૭૮ રન અને જેસન રોયના ૭૩ રન તેમજ બેન સ્ટોક્સના આક્રમક ૬૨ રનની મદદથી ૫૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૩૫૦ રન કર્યા હતા. ભારતે વિરાટ કોહલીના ૧૨૨ રન અને કેદાર જાધવના ૧૨૦ રનની મદદથી ૪૮.૧ ઓવરમાં ૩૫૧ રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. આક્રમક સદી ફટકારનાર કેદાર જાધવને મેન ઓફ ધ મેચ થયો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. બંને વચ્ચે બીજી વન-ડે ગુરુવારે રમાશે.
૩૫૧ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમે ૬૩ રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવી દેતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ઓપનર રાહુલ આઠ રને, ધવન એક રને, યુવરાજ ૧૫ રને અને ધોની ૬ રને આઉટ થયો હતો. આ સમયે રનમશીન વિરાટ કોહલી ફરી ટીમની વ્હારે આવ્યો હતો. તેણે કેપ્ટન ઇનિંગ રમતાં કેદાર જાધવ સાથે મળી પાંચમી વિકેટ માટે ૨૦૦ રનની ભાગીદારી નોંધાવી ટીમને વિજયપથ પર મૂકી દીધી હતી. કેદાર જાધવ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી રહ્યો હતો.
બન્ને બેટ્સમેનો સેટ થઈ ગયા બાદ કોહલીએ આક્રમક બેટિંગ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન તેણે પોતાની કારકિર્દીની ૨૭મી સદી પૂર્ણ કરી હતી. સ્ટોક્સે ભાગીદારી તોડતા વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. કોહલીએ ૧૦૫ બોલમાં આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૧૨૨ રન બનાવ્યા હતા. તે પછી કેદાર જાધવે પણ પોતાની બીજી સદી પૂર્ણ કરી હતી. જાધવે હાર્દિક પંડ્યા સાથે મળી સ્કોર ૨૯૧ રને પહોંચાડી ટીમને જીતની નજીક પહોંચાડ્યું હતું. જાધવ ૧૨૦ રને હતો ત્યારે આઉટ થયો હતો. ભારતે ત્યારબાદ ૩૧૮ રનના સ્કોરે જાડેજાની વિકેટ ગુમાવી હતી. આ પછી હાર્દિક પંડ્યા અને અશ્વિને ૩૮ રનની ભાગીદારી નોંધાવી ભારતે જીત અપાવી હતી.

