ભજન, ભક્તિ, ભાવભર્યું જીવન જીવતાં વિદેશવાસી કચ્છીમાડુ

તુષાર જોશી Wednesday 18th January 2017 08:01 EST
 

‘તમે ભજન બહુ સારું ગાયું, પણ બે કડી ન ગાઈ, ફરી થાવા દયો એ ભજન...’ એવું એક વાર નહીં બે વાર ગાયક કલાકારોને મેઘજીભાઈએ કહ્યું... ગાયકો રાજી થયા કે શ્રોતા દિલ દઈને સાંભળે છે. ઘટના બની ૨૦૧૭ના વર્ષના પ્રથમ દિવસની મોડી રાત્રીએ, ભૂજ-માંડવીના રસ્તા પર આવેલા ગામ નારણપરમાં.
ગોરપર-માધાપર-બળદિયા જેવા સમૃદ્ધ અનેક કચ્છી ગામો છે, જ્યાં એનઆરઆઈની સમૃદ્ધિ છલકે છે. સતી, શૂરા અને સંતોની ધરતી છે કચ્છ. પ્રેમ, પરિશ્રમ અને પરોપકારથી ધબકે છે કચ્છીઓ. કલા-કસબ અને કારીગરીથી શોભે છે કચ્છ. અનેકવાર કુદરતી આફતો સામે ઝઝૂમીને ફરી હિંમત, સાહસ અને દિલેરીથી બેઠો થયો છે કચ્છી માડુ. તેથી જ કચ્છ હંમેશા નૂતન અને આકર્ષક લાગે છે.
દાયકાઓથી કચ્છના લોકો વિદેશોમાં વસ્યા છે. એમણે વતનમાં ભવ્ય બંગલાઓ બનાવ્યા છે અને ગામમાં શિક્ષણ, સ્વચ્છતા, આરોગ્ય, ધર્મ, ગૌશાળા જેવા ક્ષેત્રે બહુ મોટી રકમના દાન આપીને ગામમાં સુખ-સુવિધા આપી વતન પ્રેમને જીવતો રાખ્યો છે.
નિયમિતરૂપે વતનમાં આવે. સહુ સાથે મજા કરે. ખૂબ ખરીદી કરે અને ગામમાં સંતવાણીના કાર્યક્રમો પણ કરતા જાય. કચ્છી ધરતી ડાયરા-સંતવાણીના કાર્યક્રમો અને કલાકારો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આથી આવા પરિવારોના તાર ભજન સાથે પણ જોડાયેલા રહે છે. આવો એક પરિવાર ૧૯૮૦ના દાયકાથી લંડનમાં રહે છે. વાયા મસ્કત થઈને આવેલા કલ્યાણભાઈ ખેતાણી અહીં નવા કે જૂના મકાન સાથે સંકળાયેલા અનેક પ્રકારના સ્કીલ બેઝ્ડ કાર્યોના વ્યવસાયમાં જોડાયેલા છે. એમના પત્ની રતનબહેનનું વતન આફ્રિકા, તેઓ લંડનમાં આવીને વ્યવસાયનું એડમિનિસ્ટ્રેશન-એકાઉન્ટ અને માર્કેટિંગ જૂએ છે. ભજન, ભક્તિ અને ભાવથી ભર્યું એમનું જીવન. કલાકારો સાથે એમના લાગણીભર્યાં સંબંધો.
એમણે વતન નારણપરમાં સંતવાણીનું આયોજન કર્યું હતું. નિમંત્રક તરીકે સમગ્ર ખેતાણી પરિવારના નામ લખીને શ્રેષ્ઠ આયોજનની બધી જવાબદારી મિત્ર હેમંત સુરૈયાને સોંપી હતી. નવા વર્ષની પ્રથમ રાત્રિનો આરંભ સંતવાણીના મીઠા સૂરોથી થયો. વિખ્યાત કલાકારો - આસીફ જેરીયા, માયા દીપક, શૈલેષ બારોટ અને કાજલ કથરેચા એક પછી એક ભજનો ગાતા રહ્યા અને શ્રોતાઓ દાદ આપતા રહ્યા. ગૌ-દાન માટે ‘ગોર’નો જાણે વરસાદ થયો.
સંતવાણીના સાધકોને ખ્યાલ હશે કે કેટલાક ભજનો ૮-૧૦ કડીના હોય... ગાયકો બહુ લાંબુ ન થાય એટલે બે-ત્રણ કડી ન ગાય... આવું જ્યારે જ્યારે થયું ત્યારે યજમાન પરિવારના શ્રોતા મેઘજીભાઈ ખેતાણીએ ગાયકોનું ધ્યાન એ કડીઓ બોલીને દોર્યું. ગાયકોએ ફરી એ ભજન ઉપાડ્યા અને શ્રોતાઓની સજ્જતા જોઈ રાજી થયા. મિત્રો-પરિવારજનોએ લંડનમાં વેબકાસ્ટિંગ દ્વારા કાર્યક્રમને માણ્યો.
કચ્છનું આતિથ્ય અને કલાકારો માટેનો પ્રેમ લઈને કલાકારો વિદાય થયા.

•••

આવી ઘટનાઓના સાક્ષી આપણે ઘણી વાર થયા હોઈએ છીએ, પરંતુ એમાં રહેલી સંવેદના અને મર્મ હંમેશા સ્પર્શતા નથી.
કલાકારો જેટલા એમની કળાથી ઊજળા છે એટલા જ શ્રોતાઓની દાદ-આનંદ અને રસિકતાથી ઊજળા છે. શ્રોતાઓમાં જ્યારે યોગ્ય જગ્યાએ ગીત-સંગીત દ્વારા ચેતના વિસ્તરતી લાગે ત્યારે
કલાકારને પોતાની કલા પ્રસ્તુત ઊગી અને પૂગી હોય એવું લાગે છે.
પ્રાચીન સંતવાણીના પદો એક અર્થમાં દીવડા છે. એના શબ્દોમાં સત્સંગ છે, સાધના છે અને સમજણનો ઉઘાડ છે. શ્રોતાઓ જ્યારે આવા પદો સાંભળે છે ત્યારે એના ઢાળ સાથે એકરૂપ થઈ જાય છે... કચ્છની ધરતીએ એકથી એક ચઢિયાતા સંતો-ભજનિકો અને કલાકારો આપ્યા છે ત્યારે અહીંના શ્રોતાઓમાં એ સમજ વિશેષ હોય એ સ્વાભાવિક છે. આવી સંતવાણી કે ભજનવાણીના કાર્યક્રમોમાં કલાકાર અને શ્રોતા વચ્ચે એકતાર સધાય ત્યારે બંને પક્ષે સૂરમયી આનંદના અજવાળા રેલાય છે.

ઃ લાઇટ હાઉસ ઃ

સંત કવિઓના કથ રસસિદ્ધ કવન થઈ જાય છે,

એવી વાણી સાંભળીને મુગ્ધ સહુ જન થઈ જાય છે.

- નારાયણ સ્વામીએ ગાયેલા એક ભજનનું મુખડું


comments powered by Disqus