લંડનઃ લોકો રજાઓ પર જતાં હોય કે વેકેશન માણવા જતાં હોય ત્યારે તમામ બાબતોના બારિક પ્લાનિંગ પર આધાર રાખતા હોય છે. સંશોધકો જણાવે છે કે રજાઓ માણવા સમયે તમામ બાબતોનું આયોજન વધુ પડતું જોખમી અને તણાવપૂર્વક હોય છે. સંશોધકો માને છે કે જ્યારે આપણે રજાઓનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ ત્યારે બધું જ નક્કી કર્યા પ્રમાણે જ કરવામાં માનીએ છીએ. આ સમયે જો કોઈ કામ આયોજન પ્રમાણે ન થાય ત્યારે તણાવ અને દબાણ વધારે અનુભવાય છે.
આયોજન કરીને રજાઓ પર જનારા અને આકસ્મિક રજાઓ માણનારા લોકો પર તાજેતરમાં એક સંશોધન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે લોકો પ્લાનિંગ કરીને આવ્યા હતા તેઓ પોતાની રજાઓને વધારે સારી રીતે માણી શક્યા નહોતા. તેઓ સતત પોતાના આયોજનને વળગી રહેવાના તણાવમાં જ જણાતા હતા. બીજી તરફ જે લોકો આયોજન વગર આવ્યા હતા તેઓ વધારે સારી રીતે પોતાની રજાઓને માણી શક્યા હતા.
ઓહાયો યુનિવર્સિટીના સંશોધકો જણાવે છે કે જ્યારે આપણે રજાઓનું આયોજન કરીએ છીએ ત્યારે મગજમાં તેને એક કામ તરીકે જ દૃઢ કરી નાંખીએ છીએ. તેથી જ્યારે રજાઓ પર જઈએ ત્યારે તે બધી જ એક્ટિવિટીને આપણે મોજમજા કરતાં કામ તરીકે વધારે જોતાં હોઈએ છીએ. એક કામ પૂરું થાય એટલે બીજું કરવા તૈયાર થઈ જઈએ છીએ. જ્યારે આપણે આયોજન વગર કોઈ સ્થળે જઈએ કે પછી અન્ય કંઈક કરીએ ત્યારે તેની વધારે મજા આવતી હોય છે.

