રાજ કપૂરને નરગિસ, વૈજયંતિ માલા સાથે સંબંધ હતાઃ રિશિ કપૂર

Wednesday 18th January 2017 05:37 EST
 
 

પીઢ અભિનેતા રિશિ કપૂરે તેમની આત્મકથા ‘ખુલ્લમ ખુલ્લાઃ રિશિ કપૂર અનસેન્સર્ડ’માં અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે ‘ચાય પે ચર્ચા’ની વાતો કરવા ઉપરાંત પણ અનેક રોચક વાતો કરી છે. ‘બોબી’ના ચોકલેટી અભિનેતા રિશિએ તેમના પિતા રાજ કપૂરના અફેર અને ફિલ્મ પ્રત્યેની તેમની લગન વિશે પણ તેમાં વાતો લખી છે. રિશિએ આમ તો તેમના પુસ્તકના આરંભમાં જ તેમના પિતા રાજ કપૂર અને તેમના સમયની સાથી અભિનેત્રીઓ નરગિસ દત્ત, વૈજયંતિ માલા સાથેના તેમના સંબંધોની વાત કરી છે. રિશિએ લખ્યું છે કે ‘મારા પિતા રાજ કપૂર ૨૪ વર્ષની વયે ‘હિન્દી સિનેમાના શોમેન’ તરીકે લોકપ્રિય બની ગયા હતા. તેઓ પ્રેમમાં પડ્યા હતા, જોકે દુર્ભાગ્યની વાત એ હતી કે તે મારી મમ્મી નહીં, પણ બીજું કોઈ જ હતી. તેમની ગર્લફ્રેન્ડ તે સમયની સૌથી હિટ ફિલ્મો- આગ (૧૯૪૮), બરસાત (૧૯૪૯), આવારા (૧૯૫૧)ની અભિનેત્રી હતી.’ તેણે લખ્યું છે કે નરગિસ રાજ કપૂરની ‘ઇન-હાઉસ હિરોઇન’ હતી.
રિશિએ તેના પિતા રાજ અને વૈજયંતિ માલા વચ્ચેના સંબંધો અંગે લખ્યું છે કે ‘પાપાના વૈજયંતિ માલા સાથે સંબંધ હતા ત્યારે અમે મરીન ડ્રાઈવ પરની નટરાજ હોટેલમાં રહેવા ગયા હતા. હોટેલમાંથી અમે ચિત્રકૂટ ખાતે એક એપાર્ટમેન્ટમાં બે મહિના રહેવા ગયા હતા. મારા પપ્પાએ અમને પાછા લાવવા બહુ પ્રયાસ કર્યાં, પરંતુ મમ્મીએ સ્પષ્ટ કરી દીધું કે જ્યાં સુધી તેમનું એ પ્રકરણ પૂરું ન થાય ત્યાં સુધી તે શક્ય નહીં બને.’ વૈજયંતિ માલાએ રાજ કપૂર સાથેના સંબંધ ભૂતકાળમાં નકાર્યા છે અને કહ્યું છે કે રાજ પ્રસિદ્ધિ ભૂખ્યા હોવાથી રોમાન્સની વાત ઉપજાવી હતી.


comments powered by Disqus