પેરિસઃ ઉંમરના જે પડાવ પર લોકો ઘરે આરામ કરવાનું પસંદ કરે છે તે વયે ફ્રાન્સના રોબર્ટ માર્શાએ પોતાના કામથી સૌને ચોંકાવી દીધા છે. તેમણે ૧૦૫ વર્ષની વયે એક કલાકમાં ૨૨.૫૪૭ કિલોમીટર સાયકલ ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડથી તેઓ વિશ્વના સૌથી મોટી ઉંમરના સાયકલિસ્ટ બની ગયા છે. ૧૦૫ વર્ષની વધુની કેટેગરીમાં તેઓએ નેશનલ વેલોડ્રોમ સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી હતી. તેમણે પોતાની સફર ઘણી આસાનીથી પૂર્ણ કરી હતી.
તેઓએ પોતાની જીત બાદ કહ્યું હતું કે તેઓ આનાથી પણ ઓછા સમયમાં રેકોર્ડ બનાવી શકે તેમ હતા. તેમનામાં એ ક્ષમતા છે પરંતુ થોડી ચૂકી ગયા હતા.
રોબર્ટે કહ્યું કે હું ચેમ્પિયન બનવા નથી આવ્યો. હું માત્ર એ સાબિત કરવા આવ્યો હતો કે ૧૦૫ વર્ષની ઉંમરે પણ તમે સાયકલ ચલાવી શકો છો. દરેક વ્યક્તિએ સાયકલ ચલાવવી જ જોઈએ. સફળ અને સ્વસ્થ જીવનની આ જ ફોર્મ્યુલા છે.
વિશ્વ યુદ્ધમાં બંદી બન્યા હતા
રોબર્ટ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન યુદ્ધમાં કેદી રહી ચૂક્યા છે. તેઓ કેનેડા અને વેનેઝુએલામાં પણ કામ કરી ચૂક્યા છે. ફ્રાન્સમાં નેશનલ લેવલના જિમનાસ્ટ હોવાની સાથે બોક્સર પણ રહી ચૂક્યા છે. આ રેકોર્ડ બાદ ઘણા લોકો તેમનો બ્લોગ વાંચી તેમના સ્વસ્થ જીવનનો રાઝ જાણવા માંગે છે.
તેમણે કહ્યું હતું કે તેમની તંદુરસ્તીનું રહસ્ય ખાણીપીણી અને કસરતમાં રહેલું છે. તેઓ વધુ માત્રામાં ફળ અને શાકભાજી ખાય છે. આ ઉપરાંત મીટ પણ તે વધુ પ્રમાણમાં લે છે. તેઓ કોફી ઘણી ઓછી પીવે છે અને રોજ એક કલાક ઘરમાં જ સાયક્લિંગ કરે છે.

