બે મોટી સિદ્ધિઓ
ગ્રામ પંચાયતોમાં સરપંચ અને બીજા સભ્યોની ચૂંટણીમાં ૮૦ ટકા જેટલા ઉમેદવારોનો વિજય અને ‘વાઇબ્રન્ટ ગુજરાત’નો સફળ કાર્યક્રમઃ આ બન્નેએ મુખ્ય પ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને પૂરી ટીમનો તેમજ કાર્યકર્તાઓનો ઉત્સાહ બેવડો કરી નાખ્યો. બેશક, સમગ્ર વાઇબ્રન્ટ ઇવેન્ટમાં મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ સહિત સમગ્ર વહીવટી તંત્રે એકદમ સજ્જતા દર્શાવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૩માં આ ‘ગાજતા ગુજરાત’ના ઉત્સવની શરૂઆત કરી હતી તેમાં વિવિધ ઉદ્યોગકારો એમઓયુનો મેળો માણે છે અને ભાવિ રોકાણ વિશે અંદાજ આપે છે. ટાટા, અંબાણી, અદાણી તેમાં ન હોય એવું કેમ બને? હવે સરકારની કસોટી બે બાબતોમાં રહેશે. એક તો, ખરેખરાં એમઓયુનું અમલીકરણ કેટલું-કેવું થશે અને બીજું, તેમાં કોઈની ખેતીની જમીનનું કેટલું સંપાદન થાય છે. જો ખેતી પર વધુ ધ્યાન રાખવાનો ઇરાદો હોય તો આમાં ઉદ્યોગકારો કોઈનું અતિક્રમણ કરી લેતા નથી ને, તેની દરકાર અને સાવધાની રાખવી જ પડે.
નોબેલ વિજેતા આવ્યા, પણ -
આ વખતે કેટલાક નોબેલ-વિજેતાઓ પણ આવ્યા. મુખ્યત્વે તેમનો વિષય વિજ્ઞાન અને ટેક્નોલોજીનો હતો. ગુજરાતે સાંસ્કૃતિક ઊંચાઈ માટે સાહિત્ય અને સમાજજીવન માટે નોબેલ વિજેતા થયા તેમને ય બોલાવવા જોઈએ. હા, શિક્ષણ ક્ષેત્રમાં કેટલાક એમઓયુ અને સમજૂતી થયાં છે ખરાં, પણ વર્તમાન યુનિવર્સિટીઓ અને તેમના સૂત્રધારો તેમજ સિંડિકેટ-સેનેટ સભ્યો જોતાં, નિરાશ થવાય એવું વાતાવરણ છે.
હમણાં એક સમારંભમાં એક ખ્યાત વિશ્વ વિદ્યાલયના કુલપતિને સાંભળ્યા ત્યારે આ વિચાર વધુ દૃઢ બન્યો! શું શિક્ષણમાં ઉત્તમ કુલપતિઓની ખોટ વરતાઈ રહી છે? કે તેઓ શોધવામાં સફળ થતા નથી? યુનિવર્સિટીઓમાં શિક્ષણને કેન્દ્રમાં રાખીને પ્રામાણિક પ્રયાસો શરૂ થાય એ માટે ગંભીરતાથી શિક્ષણ પ્રધાને અને મુખ્ય પ્રધાને વિચારવું તો પડશે જ. નહીં તો આ કોલેજો, ભવનો, અન્ય અભ્યાસ કેન્દ્રો બીજા કોઈ તત્વોનો અખાડો બની જશે. આવા સંકેતો મળી પણ રહ્યા છે. નવી પેઢીના દિમાગને અવળી દિશામાં અને બેજવાબદાર બનાવવા માટે કેટલાંક પરિબળોએ સક્રિયતા દાખવવા માંડી છે.
પ્રજાસત્તાક દિવસ આણંદના આંગણે
આગામી ૨૬ જાન્યુઆરીએ રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક ઉત્સવ આણંદમાં ઊજવાશે. આમ તો આણંદ - ખેડા - નડિયાદ અને તે પહેલાં મહીકાંઠામાં બધાનો સમાવેશ થતો હતો, હવે આણંદ જિલ્લો અલગ - આઠ તાલુકા સાથે - અસ્તિત્વ ધરાવે છે તેમાં આણંદ, ખંભાત, તારાપુર, વલ્લભ વિદ્યાનગર, બોરસદ, અડાસ, રાસ, કરમસદ વગેરે આવી જાય છે. ભાદરણ અને વડોદરા આપણા આ સાપ્તાહિકના પ્રકાશક અને ઇંગ્લેન્ડના અગ્રણી ગુજરાતી સી. બી. પટેલનીયે જન્મ-અભ્યાસ ભૂમિ છે. પણ તેમને પૂછીએ તો તે અનેક ચઢિયાતાં નામવિશેષ ગણાવશે.
ભાઈકાકા, ભીખાભાઈ સાહેબ, એચ. એમ. પટેલ, સરદાર વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ પટેલ, મોહનલાલ પંડ્યા, ડો. કુરિયન, અમૃતા પટેલ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી... આ નામોની યાદી અધૂરી છે. ૧૮૫૭ના વીર વિપ્લવી ગરબડદાસ મુખી આણંદનો હતો, ‘લોટિયા ભાગોળ’માં બ્રિટિશ છાવણી પર તે તૂટી પડ્યો હતો. તેને આંદામાનની કાળકોટડીની સજા થયેલી. ગરબડદાસની સાથે જ કૃષ્ણરામ દવે અને બીજા વિપ્લવીઓ હતા. ૧૮૬૫માં ચાલેલા મુકદમામાં આવા ૯ વિપ્લવીઓને પગમાં દંડા બેડી સાથે કાળાપાણીની સજા ફટકારવામાં આવી હતી. હોમરુલ, અસહકાર, રોલેટ એક્ટનો વિરોધ, બોરસદમાં ‘હૈડિયા વેરા’નો વિરોધી સત્યાગ્રહ, રાસમાં દાંડીકૂચ પહેલાં સરદારની ધરપકડ, અડાસ રેલવે સ્ટેશને ત્રણ યુવકોની ગોળીબારથી હત્યા... આ બધા આણંદ જિલ્લાના ઘટના-સ્તંભ છે.
અહીં જ સરદારના કહેવાથી ભાઈકાકાએ વલ્લભ વિદ્યાનગરનું વિદ્યાધામ ઊભું કર્યું, ભીખાભાઈ સાહેબ અને એચ. એમ. પટેલે તેનો ઉછેર કર્યો, હવે સી. એલ. પટેલ જેવા ‘વિદ્યામહર્ષિ’ પુરુષાર્થ કરી રહ્યા છે. આવું જ અમુલનું કામ છે. ત્રિભુવનદાસ પટેલે ‘પોલસન’ના એકાધિકારવાદથી અસંતુષ્ટ દૂધ ઉત્પાદકોની વાત સરદારને કરી અને સરદારે મોરારજીભાઈ પાસે મોકલ્યા પછી ‘અમુલ’ની આરાધના શરૂ થઈ. તેમાં ડો. કુરિયનનો દૃષ્ટિપૂર્વકનો પુરુષાર્થ ઉમેરાયો. પાકિસ્તાન - ચીન - રશિયા - શ્રીલંકાએ કુરિયનને આવી સફળતા પોતાને ત્યાં મળે તેમાં સૂચન માટે બોલાવ્યા. મેગેસેસ એવોર્ડ પ્રાપ્ત કર્યો, પણ રાજકારણીઓમાં પ્રિય થઈ શક્યા નહીં.
અસ્મિતા આણંદની
આ ઘટનાઓ સાથેનો સાંસ્કૃતિક કાર્યક્રમ ‘આણંદની અસ્મિતા’ પણ પ્રસ્તૂત થશે. ૨૦૦૫થી આવા કાર્યક્રમો ૪૦ જગ્યાએ થયા અને પાંચેક લાખ લોકોએ સ્થાનિક જ્વલંત ઇતિહાસને માણ્યો, તેની પટકથા લખતાં રહેવાની તક મળી તે મારા માટે તો ‘ઇતિહાસબોધ’ સાથેનો અનુબંધ છે. સર્વજન સુધી ઇતિહાસ પહોંચે અને ખમીરવંતા ગુજરાતનો ગૌરવ-ચંદરવો બંધાય તેનાથી વધુ આનંદની વાત શી હોઈ શકે?
ગુજરાતના ભાતીગળ ઇતિહાસને હજુ વધુ ઊજાગર કરવાની જરૂર છે તે સ્થાનિક તવારીખ સાથે જોડાય તો મોટું કામ થશે. અત્યાર સુધીમાં જામનગર, માંડવી, ધ્રાંગધ્રા, નવસારી, સુરત, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, સાદરા, વડનગર, ખંભાત, નડિયાદ વગેરે સ્થાનો વિષે પુસ્તકરૂપે લખાયું છે, પણ તેનો સળંગ ઇતિહાસ લખાવો જોઈએ. માત્ર મહાનગર, નગર, તાલુકા - કેન્દ્રનો જ નહીં, આપણે ત્યાં નાનાં ગામડાંઓનો પણ પોતાનો જ્વલંત ઇતિહાસ છે. દરેક ગામને પાદર કાઠિયાવાડમાં તો પાળિયા છે એ દસ્તાવેજો જ છે. મંદિરો, મેદાનો, ખેતરો, મહેલો, હવેલીઓ (મને વસોની હવેલીનું સ્મરણ થઈ આવ્યું. કેવી ભવ્ય - પણ સૂમસામ - ઇમારત છે!)ના ભૂતકાળમાં જાઓ તો ગુજરાતની અસ્મિતાનો અચૂક સાક્ષાત્કાર થાય. સાંસ્કૃતિક સંસ્થાઓ, વિદ્યાપ્રેમી શ્રીમંતો, શિક્ષણ-સંસ્થાઓ, ઇતિહાસ-સંગઠનો, અકાદમી અને પરિષદ... આ બધાં એકત્રિત થઈને આટલું કરે તો યે તેમનું મહત્ત્વનું પ્રદાન બની રહે.

