ડિસેમ્બરની ઠંડીગાર રાત. એક ટેબલ-લેમ્પ, ટેબલ પર પુસ્તકો અને ડાયરી. બહાર ખૂલ્લું આકાશ. સૈનિકી પહેરેગીરો અને સમુદ્રી હવા સિવાય કશું જ અસ્તિત્વમાં નથી, જાણે!
હમણાં જ શિદેઈએ આવીને એક નવાઈની વાત કરી. અવની મુખરજીનો પુત્ર ગોગા તેમને મળવા આવવાનો હતો. શિદેઈએ ગોગા વિશે જાણકારી મેળવી લીધી હતી. તેના પિતાનું નામ સ્તાલિન-વિરોધી ‘બુર્ઝવા’ અને ‘સામ્યવાદ-વિરોધી’ યાદીમાં હતું. થોડો સમય તેને ‘એકેડેમી ઓફ સાયન્સ ઓફ ધ યુએસએસઆર’ના ‘ઇન્ડોલોજિસ્ટ’ તરીકેની જવાબદારી આપવામાં આવી. અવનીને લાગ્યું કે તેની નિયતિ વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જેવી નહીં થાય. વીરેન્દ્રે પણ લિડિયા કારુનોવ્સ્કાયાને મોસ્કોમાં સ્થાયી થઈ ગયા પછી જીવનસાથી બનાવી હતી. કારુનોવ્સ્કાયા ઇન્ડોનેશિયન સંબંધો માટેની સંશોધન સંસ્થામાં કામ કરતી હતી.
ઓગસ્ટ ૧૯૩૧થી ૧૯૩૭માં ફાંસી મળી ત્યાં સુધીની આ કમ્યુનિસ્ટ જિંદગીએ અનેક ખતરનાક પડાવ અનુભવ્યા. મૂળભૂત રીતે તે સંશોધન અને ઊંડા અભ્યાસનો જીવ હતો. પોતાનાથી દસ વર્ષ મોટી લિડિયા કારુનોવ્સ્કાયાને તેણે પોતાની એકાંતિક જિંદગીમાં સામેલ કરી તે પહેલાં પ્રખર ક્રાંતિકારીણી એગ્નેસ સ્મેડલી સાથેના દાંપત્યને બન્નેતરફી અહમદમિકાએ ખંડિત કરી નાખ્યા પછી વીરેન્દ્રની તેજસ્વી માનસિકતાને ય આઘાત લાગ્યો અને બીજી તરફ તેનાં મૂલ્યાંકનોમાં પણ પક્ષપાત આવી ગયો. જવાહરલાલ નેહરુની તે નજીક રહ્યા અને ગાંધીજીને નિરર્થક નેતા માન્યા, સુભાષને ફાસિસ્ટ કહ્યા. અરે, વિઠ્ઠલભાઈ પટેલની યે કડવી આલોચના કરી.
પણ અંતિમ દિવસોમાં સામ્યવાદી ક્રાંતિનો નશો તેના દિલોદિમાગથી ઉતરવા માંડ્યો એટલે ફરી સંશોધન અને લેખન તરફ વળી ગયા. ગમગીન દિવસો હતા તે. એગ્નેસ સ્મેડલી તેના પુરુષ પ્રધાન અહંકારથી ત્રાસીને ચાલી ગઈ અને ચીનમાં માઓની ‘લોંગ માર્ચ’માં ભાગ લીધો, ‘ધ ડોટર ઓફ અર્થ’ આત્મકથા લખી, ફરી વાર લગ્ન કર્યાં. વીરેન્દ્રની બૌદ્ધિકતાને તે ક્યારેય ભૂલી શકી નહીં. પણ સ્ત્રીને - પછી તે ગમેતેવી મહાન ક્રાંતિકારિણી હોય - તેનું સ્પંદિત હૃદય હોય છે. તેને માહિતી મળી રહી કે વીરેન્દ્ર ફરી વાર આઇએઇમાં નિષ્ણાતની કામગીરી શરૂ કરી દીધી છે.
હવે જોસેફ સ્તાલિનનો યુગ હતો ત્યાં સામ્યવાદી રાજનીતિમાં તેનું કોઈ મહત્ત્વ નહોતું રહ્યું. ગ્રંથો અને દસ્તાવેજોની વચ્ચે તેને મહિલા મિત્ર મળી તે લિડિયા હતી. એંડ્રી ડેનલિનના ત્રણ ઓરડાના મકાનમાં જ લિડિયા સાથેનો પ્રેમ પાંગર્યો, અને એક નાનકડો પ્રેમપત્ર પણ લખ્યોઃ ‘લિડિયા, તું જરીકેય જાણતી નથી કે મારી જિંદગીમાં તારું કેવું સ્થાન બની ગયું છે!’ આ એંડ્રી પણ ખરો છે! તે મારી ભાષા સમજતો નથી એટલે મારે રશિયન શીખવું પડ્યું છે, તેણે જર્મન ભાષાનો કક્કો બારાક્ષરી શરૂ કર્યો!
૧૯૩૩ના ડિસેમ્બરમાં એક રશિયન રેસ્ટોરન્ટમાં વીરેન્દ્ર-લિડિયાનાં લગ્નની પાર્ટી યોજાઈ. પણ સ્નેહજીવનની સ્થિરતા ક્યાં? કોમિન્ટન કાર્યકારી સમિતિએ વીરેન્દ્રને ૧૯૩૨માં વર્ષોની પ્રવૃત્તિનો ‘ખુલાસો’ કરવા બોલાવ્યો હતો. લિડિયા આ સાંભળીને થીજી ગઈ. કોમિન્ટનનો ખુલાસો એટલે ગમે તે પળે...
વીરેન્દ્રે ભરચક મહેનત કરી. કેટલાક કોમરેડ મિત્રોનો સંપર્ક કર્યો. દિમિત્રોવ, કિલમેન્સ દત્ત, મુવેન્ઝેબર્ગ... આ બધાના પ્રયાસો - વીરેન્દ્રને બચાવી લેવા - શરૂ થઈ ગયા. ક્રેમલિનમાં વારંવાર બેઠકો થતી રહી. અરે, અવની મુખરજીનેય મળવાનું બન્યું! અહીં જ તેણે ‘દાસ-રોટી માટે’ ઉત્તમ ગંભીર લેખો લખ્યા.
ચેકોસ્લોવેક સામયિકે તે છાપ્યા તેનો પુરસ્કાર મળતાં મોસ્કોમાં મકાન લેવાનું નક્કી કર્યું, અને લેનિનગ્રાદ લિડિયાને આ બધું પત્રોથી જણાવતો રહ્યો.
૧૬ જુલાઈની રાત.
સિક્રેટ પોલીસ તેના નિવાસે ત્રાટકી. તલાશી અને પૂછપરછ. લિડિયાની ‘અલવિદા’ સાથે વીરેન્દ્રે પોલીસની હિરાસતમાં પોલીસ થાણે જવું પડ્યું. જતાં જતાં તેણે લિડિયાના કાનમાં એક કોમરેડનું નામ કહીને સૂચવ્યું કે તેને તુરત માહિતી આપજે. વિડંબના! વિડંબના! લિડિયા એ કોમરેડનું નામ જ ગભરાટમાં ભૂલી ગઈ, નહીંતર વીરેન્દ્રને ધરપકડથી બચાવી શકાયો હોત.
બીજા દિવસે અખબારોમાં સમાચાર હતાઃ રશિયાદ્રોહી, સામ્યવાદીવિરોધી વી. એસ. ચટ્ટોપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે.
નગરી નગરી દ્વારે દ્વારે...
લિડિયા જુદી જુદી ઓફિસોમાં, કોમરેડ હોદ્દેદારો સમક્ષ રઝળતી રહી. સ્તાલિનને મળવાનો પ્રયાસ કર્યો પણ વીરેન્દ્રનાથને કઈ જેલમાં લઈ જવાયો છે તેની વિગતો મળી નહીં.
બે મહિના પછી તેને પણ સંશોધન સંસ્થામાંથી બરતરફ કરવામાં આવી.
પણ વીરેન્દ્ર - જીવનસાથી ક્યાં હતો?
તે હિંમત ગુમાવ્યા વિના તપાસ કરતી રહી. તેણે પક્ષના હોદ્દેદારોને પત્રો લખ્યા, અરજી કરી. કૃશ્ચોફને ય પત્ર લખ્યો.
૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૬.
લિડિયાને પત્ર મળે છે, પાર્ટી તરફથીઃ
‘The accusation of Chattopadhyay Virendranath Agomatovich was cheked by the military collegium of the suprime court of the USSR on 28 April, 1956 and the verdict of September 2, 1937 on his was lifted. The case against him was withdrawn because of the lack of evidence of a crime.’
૬ એપ્રિલ, ૧૯૪૩ વીરેન્દ્રને ફાંસી મળી કે ગોળીએ દેવાયો?
પત્નીને ય તેની જાણ ન થઈ.
તેમાંયે વિરોધાભાસ હતા કે મોત ક્યારે થયું? ૧૯૩૭ની બીજી સપ્ટેમ્બરે તેને ગોળીથી ઊડાવી દેવાયો હતો તો અગાઉની તારીખ કેમ ખોટી આપવામાં આવી?
અરે, તેનો મિત્ર મિરોનોવિચ કુરોવ, સ્તાલિન પછીનો સૌથી શક્તિશાળી નેતા, તેનીય ૧૯૩૪માં હત્યા કરવામાં આવી.
ચંદ્ર બોઝ માટે આ એક નિરુત્તર પ્રશ્નાર્થની યાત્રા
હતી. સ્તાલિનને તો તેમણે જે કહેવું હતું તે સઘળું જણાવી દીધું હતું, તો ગોગાને મળીને શું કરવાનું હતું?
તેમને સમજ પડી નહીં.
દિમાગમાં વીરેન્દ્રનાથ, સ્મેડલી, લિડિયા અને સ્તાલિન પુત્રી સ્વેતલાના, ઘુમરાતાં રહ્યાં. સ્તાલિન ખરેખર તેમને સ્વાતંત્ર્ય લડત માટે સંમતિ આપવાનો હતો? કે ભારતમાં જઈ શકાય તેને માટે મદદ કરવાની દાનત ધરાવતો હતો?
કે પછી યુદ્ધકેદી ચંદ્ર બોઝને કૂટનીતિનું મહોરું બનાવીને, બ્રિટન-અમેરિકા અને તે રીતે ભારતના વિદેશ-પ્રવાહોમાં પોતાનું ધાર્યું કરવા માગતો હતો?
તેને એટલી તો ખાતરી થઈ જ ગઈ હતી કે ચંદ્ર બોઝ સામાન્ય વ્યક્તિ નથી. વીરેન્દ્ર - અવની - લોહાણી તો કમ્યુનિસ્ટ હતા એટલે તેનો ધાર્યો અંજામ લાવી શકાયો. રોય પોતે જ સમજદારી સાથે ભારત ચાલ્યા ગયા, હવે બુર્ઝવા કોંગ્રેસમાં દખલગીરી કરવા સિવાય તેમનું કોઈ રાજકીય અસ્તિત્વ નથી અને ભારતના કોમરેડો?
એ તો સા-વ બિચારાબાપડા! મોસ્કોમાં વરસાદ પડે તો દિલ્હીમાં છત્રી ખોલે અને મુંબઈમાં સભા ભરે! ત્રિપુરી કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીએ સુભાષચંદ્રના પ્રમુખ બનવા સામે એતરાજી વ્યક્ત કરી ત્યારે આ ‘સમાજવાદી’ઓ, કોમરેડો, રોયવાદીઓ... બધા સુભાષથી અળગા થઈ ગયા હતા!
પણ ઉગતો સુરજ છે જવાહરલાલ! ગાંધીની સાથે તેને બરાબર સમાનતંતુ બંધાઈ ગયો છે. દેખાવ પ્રગતિશીલ હોવાનો કરે છે, પણ રાજકીય ભૂલભૂલામણીમાં તેનું ગજું હોતું નથી. સમુદ્રમાં ઇધર-ઉધર ફેંકાતા પાટિયાંની જેવું તેનું અસ્તિત્વ છે. પિતા મોતીલાલે કહેવાથી ગાંધીએ તેમને ૧૯૨૯માં લાહોર કોંગ્રેસમાં પ્રમુખ બનાવ્યા, ત્રિપુરી અધિવેશન સુધીમાં તો તેણે સુભાષનો યે સાથ છોડી દીધો અને વિશ્વયુદ્ધ સમયે લાહોરમાં ભાષણ કર્યું કે જાપાનનો સાથ લઈને સુભાષ સરહદ પર સેના લઈને આવશે તો તેની સામે લડનારો હું પહેલો હોઈશ!
સ્તાલિન આ વિધાનથી મૂછોમાં હસ્યો હતો. એડોલ્ફ હિટલરે ‘મેન કામ્પ્ફ’માં ભારતની ઉપેક્ષા અમસ્તી નહોતી કરી. ને વિન્સ્ટન ચર્ચિલ? એ તો કહે તો ફરે છે કે ભારતમાંથી બ્રિટિશરો સત્તાનાં સૂત્રો છોડશે તો ત્યાં અરાજકતા અને આપસી સંઘર્ષ સિવાય કંઈ રહેશે જ નહીં!
સ્તાલિનને એવા સંજોગોમાં ચંદ્ર બોઝ એક જ સમર્થ સંઘર્ષશીલ લાગ્યા એટલે તો ૧૯૪૩માં કોલકાતાની નજરકેદમાંથી તેણે અદૃશ્ય થવાનું સાહસ કર્યું ત્યારે કાબુલમાં રશિયન જાસૂસ ભગતરામ તલવારને તેમની ‘મદદ’ કરવા ગોઠવ્યો હતો, આ તલવાર બ્રિટિશરોનો યે જાસૂસ હતો અને સામ્યવાદી કીર્તિ પાર્ટી ચલાવતો હતો.
સુભાષ બોઝને માટે તો કોઈ પણ ભોગે ભારતમુક્તિનો રસ્તો લેવો હતો. અગાઉ ૧૯૩૮માં ગાંધીજીનાં નવજીવન મુદ્રણાલય માટે એન. જી. ગણપુલે છેક જર્મની પહોંચ્યા હતા. એ પહેલાં મુંબઈમાં નાથાલાલ પરીખના બંગલે કોંગ્રેસ-પ્રમુખ સુભાષ બોઝને નાઝી પાર્ટીના નેતા ડો. ઓસવાલ્ડ મળે તેવી ગોઠવણ તેમણે કરી આપી હતી.
સ્તાલિન સુધી ભારતીય કોમરેડોએ એ ખબર પણ પહોંચાડી હતી કે સુભાષ તો મોહમ્મદ અલી જિન્ના અને હિન્દુ મહાસભાના વિનાયકરાવ સાવરકરને મળેલા! રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. હેડગેવાર અત્યંત બીમાર હતા એટલે તેમના નિવાસસ્થાને જઈને પાછા વળી ગયા હતા...
સ્તાલિને એ જાણકારી પણ મેળવી લીધી હતી કે જર્મનીમાં તેમનો સૌથી નજીકનો શુભેચ્છક વિદેશ પ્રધાન વોન રિબેનટ્રોપ હતો અને એપ્રિલ ૧૯૪૧માં સુભાષ સાથે તેની ગુપ્ત મંત્રણા થઈ તે પછી જ એડોલ્ફ હિટલર સાથેની મુલાકાત યોજાઈ હતી!
... અને, અત્યારે આ સ્વાધીન પંખી પોતાની હકુમત હેઠળ હતું!
તેનો હેતુ સા-વ સ્પષ્ટ થઈ જાય પછી જ આગળ પરનું વિચારવું તેમ સ્તાલિને વિચાર્યું.
અને, જલદીથી ગોગાને ચંદ્ર બોઝ પાસે મળવા મોકલી અપાયો.
પોલીસને સ્પષ્ટ સૂચના હતી કે શિદેઈને પણ એ મુલાકાતમાં સાથે રહેવાની રજા આપવી નહીં.
ગોગા ચંદ્ર બોઝને મળ્યો.
બન્નેની વચ્ચે રહસ્યની ખાઈ હતી.
‘જોસેફ સ્તાલિને મને મળવા મોકલ્યો છે.’
‘હું જાણું છું. તેણે પોતે જ મને આ સૂચન કર્યું હતું.’
‘અચ્છા?’ ગોગાને આશ્ચર્ય થયુંઃ ‘સ્તાલિન સાથે તમારી મુલાકાત પણ થઈ?’
‘હા.’
ગોગાઃ મારા પિતા છેલ્લા કેટલાંક વર્ષોથી તરસતા રહ્યા કે તેમને મળવું છે. પણ એ શક્ય જ ન બન્યું.
‘અને તેને ગોળીથી ઊડાવી દેવાયા...’
ચંદ્ર બોઝે બહાર અંગૂલીનિર્દેશ કર્યોઃ પેલી છાવણીમાં...
‘તમને આ બધી ખબર કઈ રીતે પડી?’
ચંદ્ર બોઝ માત્ર હસ્યા.
ગોગાઃ સ્તાલિનની તમારા માટેની શી ઈચ્છા છે, કહ્યું કંઈ તમને?
‘ના.’
‘ભારત વિષે...’
‘એટલું જ કે અત્યારે તેની અરાજકતામાંથી કંઈ નીપજી શકે તેમ નથી...’
‘નેહરુ - ગાંધી - સરદાર વિશે...’
‘તદ્દન ઉપેક્ષાનો ભાવ! ભારતના કોમરેડ્ઝ માટે ય એવું જ...’
‘તમને શી મદદ કરશે?’
‘ઇશ્વર જાણે...’
ગોગા હસ્યો. ‘પણ આ સ્તાલિન તો એથિસ્ટ છે... ઇશ્વરમાં માનતો નથી.’
ચંદ્ર બોઝઃ પણ તેની પુત્રી સ્વેતલાના રોજ ચર્ચમાં જાય છે.
‘ઓહ, બોઝ! તમે તો આટલા દિવસોમાં અહીંની બધી માહિતી મેળવી ચૂક્યા છો..’
ચંદ્ર બોઝે દૂર સુધી નજર નાખી. આકાશ ધુમ્મસથી છવાયેલું હતું.
ગોગા ઊભો થયો. ‘મારું કોઈ કામ હોય તો...’
‘સ્તાલિનને મળી શકાય તો કહેજો કે ચંદ્ર બોઝ તેમના જવાબની રાહ જૂએ છે...’
ગોગાથી કહેવાઈ ગયુંઃ એ જવાબ નહીં આપે. અહીં ગુલાગમાં ગૂંગળાવશે અને પછી -
‘મારી નાખશે કે મરવા જેવો બનાવી દેશે, એમ જ ને?’ ચંદ્ર બોઝ બોલ્યા. ગોગા ચૂપ રહ્યો.
‘ગોગા, આપણે બંગાળી માણુષ. ચિર વિદ્રોહી ઓશાંત!’
ગોગા આ અદ્ભુત વ્યક્તિત્વને જોઈ રહ્યોઃ કેવો બલિદાની આત્મવિશ્વાસ છલકાય છે આ ઊજળા ચહેરા પર!
(ક્રમશઃ)

