રાયપુરઃ રાયપુરને અડીને આવેલા ટેમરી ગામમાં પાયલ રહે છે. તેની ઉંમર ૧૪ વર્ષ છે અને તે ધોરણ ૯માં ભણે છે. પાયલ માત્ર ૧૪ વર્ષની છે, પણ ૩૦૦ હોમગાર્ડ્ઝની તે ટીચર છે. પાયલ છેલ્લા ચાર મહિનાથી હોમગાર્ડ્ઝને યોગ શીખવાડી રહી છે. તે દર મહિને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાંથી આવેલા હોમગાર્ડ્ઝના જવાનોને એક-એક મહિના યોગનો અભ્યાસ કરાવે છે. ગામમાં યોગ શીખવાડતા અશોક સાહુ જણાવે છે કે, આ ગામમાં પહેલાં કોઇ પણ સુરક્ષાકર્મી યોગ કરતા દેખાતા નહોતા. એક વર્ષ પહેલાં સુધી પાયલને પણ યોગ આવડતો ન હતો, પરંતુ આટલા ઓછા સમયમાં તે પારંગત થઇ ગઇ છે. હવે તે અન્યોને પણ યોગ શીખવા પ્રેરણા આપે છે. પાયલ કહે છે કે, યોગ કરવાથી એકાગ્રતા વધે છે. હું પોતાને વધુ સ્વસ્થ મહેસૂસ કરું છું, તેથી લાગ્યું કે યોગ અન્ય લોકોને પણ શીખવાડવો જોઇએ. જવાનોને યોગ શા માટે શીખવાડો છો? એવું પૂછવામાં આવતા પાયલ કહે છે કે, પોલીસ અને હોમગાર્ડના જવાનોને એટલા માટે યોગ શીખવું છું કે તેમને વધુ જરૂર છે. તેમની ડ્યુટીનો સમય વધુ હોય છે. તેમને દર વખતે તણાવની સ્થિતિમાં રહેવાનું હોય છે. ગામમાં યોગ શીખવાડનાર અશોક સાહુ જણાવે છે કે, ટેમરીના દરેક બાળકને યોગ આવડે છે, કારણ કે અહીં છેલ્લા ત્રણ વર્ષથી દરેક ઘરમાં યોગ કરવામાં આવે છે. હવે યોગ લોકોની દિનચર્યાનો મહત્ત્વનો ભાગ બની ગયો છે.

