આઇપીએલના ઇતિહાસમાં બેંગ્લોરનો સૌથી વધુ સરસાઇ સાથે વિજય

Wednesday 18th May 2016 06:02 EDT
 
 

મુંબઇઃ પ્લે ઓફમાં પહોંચવા માટે કરો યા મરોના મુકાબલામાં વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ વચ્ચે રેકોર્ડ ૨૨૯ની ભાગીદારી બાદ જોર્ડન અને ચહલની ખતરનાક બોલિંગથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત લાયન્સને ૧૪૪ રને હરાવી આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. આ પહેલાં કોલકતાએ ૨૦૦૮ની પ્રથમ મેચમાં બેંગ્લોર સામે ૧૪૦ રને વિજય મેળવ્યો હતો, જે રેકોર્ડને બેંગલોરે ૧૪ મેએ તોડ્યો હતો.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી બેંગ્લોરે ઓપનર ક્રિસ ગેલ ફરીથી નિષ્ફળ જતાં ૧૯ રનમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. કોહલીને સાથ આપવા આવેલા ડી વિલિયર્સે ગુજરાત લાયન્સના બોલરોને ચારે તરફ ફટકારતાં બીજી વિકેટ માટે ૨૨૯ રનની જંગી ભાગીદારી નોંધાવતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૨૪૮ રનો જંગી સ્કોર કર્યો હતો.
૨૪૯ રનના જંગી ટાર્ગેટ સાથે બેટિંગમાં ઉતરેલી ગુજરાત લાયન્સનો ધબડકો થયો હતો. વિસ્ફોટક બેટ્સમેન સ્મિથ અને મેક્કુલમ સસ્તામાં આઉટ થયા બાદ એક તબક્કે ૭૪ રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી.

કોલકતા ૯ વિકેટે હાર્યું

કેપ્ટન વિરાટ કોહલી (૭૯), ડી વિલિયર્સ (૫૯) અને ક્રિસ ગેલ (૪૯)ની સ્ફોટક બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સોમવારે રમાયેલી લીગ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સને નવ વિકેટે આસાન પરાજય આપ્યો હતો. આ વિજય સાથે બેંગ્લોરની ટીમ ૧૨ મેચમાં છ વિજય અને ૧૨ પોઈન્ટ સાથે પાંચમા ક્રમે પહોંચી છે અને તેના હજી બે મેચ બાકી છે. કોલકતાના પાંચ વિકેટે ૧૮૩ રનના જવાબમાં બેંગ્લોરે ૧૪ બોલ બાકી રાખીને એક વિકેટના ભોગે ૧૮૬ રન કરી મેચ જીતી લીધી હતી.

હૈદરાબાદની આગેકૂચ

ડેવિડ વોર્નરના બાવન રન તથા યુવરાજના અંતિમ ઓવર્સમાં ઝંઝાવાતી ૪૨ રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૫ મેના રોજ મોહાલીમાં રમાયેલી મેચમાં પંજાબને સાત વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ હૈદરાબાદે ૧૬ પોઇન્ટ્સ સાથે પ્લે-ઓફ તરફ પ્રયાણ કર્યું છે. પંજાબે પ્રથમ બેટિંગ કરતા મેન ઓફ ધ મેચ હાશિમ અમલાના ૯૬ રનની મદદથી ચાર વિકેટે ૧૭૯ રન કર્યા હતા. જવાબમાં હૈદરાબાદે બે બોલ બાકી હતા ત્યારે ત્રણ વિકેટે ૧૮૦ રન કરીને મેચ જીતી લીધી હતી. બીજી તરફ ૧૨ મેચમાં આઠ પરાજય સાથે પંજાબ ટૂર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે.


comments powered by Disqus