ક્રિકેટર દીપક શોધનનું અમદાવાદમાં નિધન

Wednesday 18th May 2016 06:10 EDT
 
 

ભારતના સૌથી વયોવૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર દીપક શોધનનું ૧૬ મેના રોજ ૮૭ વર્ષની વયે તેમના અમદાવાદસ્થિત નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ કેન્સરથી પીડાતા હતા. ગયા વર્ષે દીપક શોધનને ફેફસામાં કેન્સર હોવાની જાણ થઈ હતી. શોધને ભારત તરફથી ૧૯૫૨થી ૧૯૫૩ દરમિયાન ત્રણ ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેમણે ૬૦.૩૩ની સરેરાશે ૧૮૧ રન બનાવ્યા હતા. આ ઇનિંગોમાં તેમની એક સદીનો પણ સમાવેશ થાય છે. દીપક શોધને કોલકતાથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને પ્રથમ ટેસ્ટમાં જ સદી ફટકારનારા પહેલા ભારતીય બેટ્સમેન પણ છે. દીપક શોધનનો જન્મ ૧૮મી ઓક્ટોબર ૧૯૨૮ના રોજ અમદાવાદમા થયો હતો. તેમને ભારતીય ટીમ તરફથી ૨૫ વર્ષની ઉંમરે રમવાની તક મળી હતી.
• રવાન્ડાના કેપ્ટનનો ૫૧ કલાક પ્રેક્ટિસનો વર્લ્ડ રેકોર્ડઃ

રવાન્ડાની ક્રિકેટ ટીમના કેપ્ટન એરિક ડુસિઝિમાનાએ સંયમ અને સ્ટ્રેન્થનો પરિચય આપતાં નેટ્સ પર સતત ૫૧ કલાક બેટિંગ કરીને ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. એરિકે ગત વર્ષે ભારતના વિરાગ માનેએ નોંધાવેલા સતત ૫૦ કલાક બેટિંગ કરવાના રેકોર્ડ્સને તોડ્યો હતો. એરિકે ૧૧ મેના રોજ પ્રેક્ટિસની શરૂઆત કરી હતી, જે ૧૩ મે સુધી ચાલી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનના હનીફ મોહંમદના નામે સતત સૌથી લાંબો સમય બેટિંગ કરવાનો રેકોર્ડ છે. હનીફ મોહંમદે ૧૯૫૮માં વેસ્ટ ઇન્ડિઝ સામે ૨૨૭ રનની મેરેથોન ઇનિંગ દરમિયાન સતત ત્રણ દિવસમાં કુલ ૧૬ કલાક ૧૦ મિનિટ સુધી બેટિંગ કરી હતી. જે રેકોર્ડ આજે પણ અકબંધ છે.
• એફ-વન રેસમાં વર્સટેપ્પને ઇતિહાસ રચ્યોઃ

મેક્સ વર્સટેપ્પન ફોર્મ્યુલા વન ચેમ્પિયન જીતનારો દુનિયાનો પ્રથમ યુવા ડ્રાઈવર બન્યો છે. સહારા ફોર્સ ઇન્ડિયાનો સર્જિયો પેરેઝ પણ સ્પેનિશ ગ્રાં-પ્રિમાં સાતમા સ્થાને રહેવામાં સફળ રહ્યો હતો. પેરેઝની ટીમને સાત પોઇન્ટ મળ્યા હતા. નાની ઉંમરના ડ્રાઇવર વર્સટેપ્પને મર્સિડિસના પ્રથમ લેપમાં દુર્ઘટનાનો ફાયદો ઉઠાવી આગળ નીકળી ગયો હતો અને સૌથી ઓછી ઉંમરમાં ફોર્મ્યુલા વન ચેમ્પિયનશિપ જીતી હતી. રેડ બુલ તરફથી પહેલીવાર ભાગ લઇ રહેલા ૧૮ વર્ષના વર્સટેપ્પને પોતાની કુલ ૨૪ રેસમાંથી પ્રથમ વાર જીત મેળવી છે.
• ઇંગ્લેન્ડની વિમેન્સ ટીમની કેપ્ટન એડવર્ડસની નિવૃત્તિઃ

ઇંગ્લેન્ડની ૩૬ વર્ષની કેપ્ટન શાર્લોટ એડવર્ડસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે ૧૯૯૬માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેના નામે વન-ડેમાં સૌથી વધારે રન નોંધાયેલા છે. તેણે ૧૯૧ વન-ડેમાં ૫૯૯૨ રન ફટકાર્યા છે. જ્યારે ૯૫ ટી૨૦ મેચમાં તેણે ૨૬૦૫ રન કર્યા છે. જે મેન્સ તથા વિમેન્સ ક્રિકેટમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા ફટકારાયેલા સૌથી વધુ રન છે. એડવર્ડસ ૨૦૦૬માં ટીમની કેપ્ટન બનાવાઈ હતી. તેણે ૨૨૦ મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. ૨૦૦૯માં વિમેન્સ વર્લ્ડ કપ તથા વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. આ ઉપરાંત ૨૦૧૩માં ઇંગ્લેન્ડમાં તથા ૨૦૦૮, ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયામાં ટીમને વિમેન્સ એશિઝમાં વિજય અપાવ્યો હતો.


comments powered by Disqus