દાહોદની અપૂર્વા મિસ ઇન્ડિયા અર્થ ૨૦૧૬ની ફાઇનલમાં

Wednesday 18th May 2016 06:22 EDT
 
 

દાહોદની યુવતી અપૂર્વા કુમારલેએ મિસ અર્થ ઇન્ડિયા ૨૦૧૬ની ફાઇનલમાં પહોંચીને એક નવો જ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. જિલ્લાની આ પ્રથમ યુવતી છે કે જે આ ક્ષેત્રે ઝંપલાવીને ફાઈનલ સુધી પહોંચી છે. જોકે મિસ અર્થ ઇન્ડિયા સ્પર્ધાની ફાઇનલ હજી બાકી છે, પરંતુ અપૂર્વાને વિશ્વાસ છે કે તે જરૂર વિજેતા બનશે.
તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી સ્પર્ધામાં ફાઇનલિસ્ટોની પસંદગી થવાની હતી. તેમાં અપૂર્વાએ ખૂબ જ પ્રભાવી રીતે પોતાના વ્યક્તિત્વની રજૂઆત કરી હતી. તેના કારણે તેની પસંદગી ફાઇનલિસ્ટમાં કરાઇ છે. અપૂર્વાની પસંદગી ફાઇનલ સ્પર્ધા માટે થતાં તેના પિતા અને ઘર પરિવારના સભ્યોમાં અપરંપાર ખુશી છે. મક્કમ મનની અપૂર્વા કહે છે કે, પૂરી ખંત, ઇમાનદારી અને મહેનતથી કોઇ પણ કામ અશક્ય
હોતું નથી.
જોકે હજુ ફાઇલ સ્પર્ધા બાકી છે ત્યારે હવે શું અપૂર્વા તે જીતશે કે કેમ તે જોવું રહ્યું. હવે જુલાઇ માસમાં ફાઇનલ યોજાનાર છે. ત્યારે તેમાં વિજેતા બનવા માટે અપૂર્વાએ કમર કસી છે અને મિસ અર્થ ઇન્ડિયાનો તાજ જીતી લેવા માટે મહેનત કરી રહી છે. ફાઇનલ સ્પર્ધા ૧૬મી જુલાઇના રોજ દિલ્હીમાં યોજાશે.
સ્પર્ધા જીતવાનો નિર્ધાર
મિસ અર્થ ઇન્ડિયા ૨૦૧૬ની સ્પર્ધાની ફાઇનલમાં પહોંચેલી અપૂર્વાના પિતા હેમંતકુમાર કુમારલે દાહોદ શહેરના દર્પણ ટોકિઝ રોડ પર પેથોલોજી લેબ ચલાવે છે. અપૂર્વાએ દાહોદની સેંટ સ્ટીફન્સ શાળામાં અભ્યાસ કર્યા બાદ બીકોમ, એલએલબી અમદાવાદની નિરમા યુનિવર્સટીમાં કર્યું છે અને અત્યારે તે અમદાવાદમાં રહે છે. અપૂર્વાએ બેંગલુરુમાં યોજાયેલી મિસ અર્થ ઇન્ડિયા ૨૦૧૬ની સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ પડકારજનક સ્પર્ધા જીતવાનો નિર્ધાર કરી લીધો હતો. આ સ્પર્ધાના પૂર્ણ પ્રામાણિક્તા અને મહેનતથી એક પછી એક પડાવો અપૂર્વા પાર કરતી ગઇ હતી.
ભણતર મહત્ત્વનો ભાગ
અપૂર્વા કહે છે કે, હું આઠમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી જ આ પ્રકારની કોન્ટેસ્ટમાં જવાનું વિચારતી હતી, પરંતુ પિતાનો આગ્રહ હતો કે પહેલાં એજ્યુકેશન જરૂરી છે. તેથી મેં બીકોમ બાદ એલએલબી કર્યું હતું. એ પછી આ કોન્ટેસ્ટમાં ભાગ લીધો છે. મેં ખૂબ મહેનત કરી અને આ સ્પર્ધાના ફાઇનલ સુધી પહોંચી છું. હું ભણેલી છું તે મારા માટે પ્લસ પોઇન્ટ છે. જો હું જીતીશ તો મારા માટે ઘણી જ ખુશીની વાત હશે. દાહોદ પ્રત્યે મને ખૂબ જ પ્રેમ છે તેથી હું મારા આ શહેરનું પણ આ રીતે ગૌરવ બનીશ. મિસ અર્થ ઇન્ડયાની ફાઇનલ જીત્યા બાદ પ્રાણીઓ માટે સેલ્ટર હોમ ખોલવાની તેમજ વૃદ્ધો માટે ઓલ્ડ એજ હોમ ખોલવાની મારી તીવ્ર ઇચ્છા છે. આજની છોકરીઓને પણ પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરીશ અને એમ કહીશ કે ખૂબ સારું ભણો અને તમે સેવેલા તમારાં સપનાંને સાકાર કરો.
ગુજરાતમાંથી હતી ત્રણ યુવતીઓ
મિસ અર્થ ઇન્ડિયા ૨૦૧૬માં કુલ ૩૭ યુવતીઓમાં ગુજરાતમાંથી ત્રણ યુવતીઓની પસંદગી થઇ હતી. જેમાં અમદાવાદની પ્રિયા સેંગર, સુરતની રિદ્ધિમા સંગાત્ની અને દાહોદની અપૂર્વા કુમારલેનો સમાવેશ થયો હતો. જેમાં ફાઇનલિસ્ટની યાદીમાં દાહોદની અપૂર્વા કુમારલેની પસંદગી થઇ છે.
૨૦૦૮માં તન્વી વ્યાસ બની હતી મિસ અર્થ ઇન્ડિયા
તન્વી વ્યાસ વડોદરાની રહેવાસી છે અને તેના પિતા ડોક્ટર છે. તેણે જીસસ એન્ડ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને એમએસ યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સ અને ગ્રાફિક ડિઝાઇન્સનો કોર્સ કર્યો છે. કોલેજકાળ દરમિયાન તન્વી વેસ્ટસાઇડ સ્ટાઇલ શોડાઉન સ્પર્ધા જીતી હતી. ત્યારબાદ તન્વીએ ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો અને તેમાં તે ફેમિના મિસ ઇન્ડિયા અર્થ ૨૦૦૮ બની હતી અને ફિલિપાઇન્સમાં મિસ અર્થ ૨૦૦૮ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મિસ અર્થ ઇન્ડિયાનું ટાઇટલ જીત્યા બાદ તન્વીએ રિતુ કુમાર, નીતા લુલ્લા, ક્રિષ્ના મહેતા જેવા જાણીતા ડિઝાઇનર્સ માટે શો સ્ટોપરની ભૂમિકા નિભાવી હતી. આ ઉપરાંત તે સાઉથની ફિલ્મોમાં અભિનય પણ કરી છે.


comments powered by Disqus