લંડનઃ પોતાની વાસ્તવિક ઉંમર છુપાવતા લોકો, સેલીબ્રિટીસ અને ખાસ કરીને મહિલાઓ માટે એક ‘માઠા’ સમાચાર છે. સંશોધકોએ એક એવી ટેક્નિક વિકસિત કરી છે જેનાથી કોઈ પણ વ્યક્તિની બાયોલોજિકલ ઉંમર જાણી શકાય છે. માત્ર એક બ્લડ ટેસ્ટની મદદથી કોઈ પણ વ્યક્તિની બાયોલોજિકલ એજ એટલે કે વાસ્તવિક ઉંમર જાણી શકાશે.
સંશોધકો જણાવે છે કે, સોડા, આલ્કોહોલનું સેવન અને સ્મોકિંગ વ્યક્તિની બાયોલોજિકલ એજમાં વધારો કરે છે. આ બાબત સરળતાથી જાણી શકાતી નથી, પણ બ્લડ ટેસ્ટની મદદથી જાણી શકાય છે. વ્યક્તિના બ્લડમાં રહેલા પ્રોટીનના પ્રમાણ દ્વારા આ જાણી શકાય છે.
કેવી રીતે જાણી શકાય છે?
સંશોધકો જણાવે છે કે, લોહીમાં રહેલા પ્રોટીનના પ્રમાણની ગણતરી કરીને વ્યક્તિની બાયોલોજિકલ એજ નક્કી કરવામાં આવે છે. બ્લડ સેમ્પલ ઉપરાંત વ્યક્તિનું વજન, ઊંચાઈ અને પૃષ્ઠ ભાગના માપને અનુલક્ષીને ગણતરી કરાય છે. તેમણે એમ પણ જણાવ્યું કે, કેટલીક બાબતો અંગોના વિકાસને અસર કરે છે અને કેટલાક વિકાસને રુંધી નાખે છે. તે ઉપરાંત કેટલીક બાબતો અંગેની ઉંમર વધારી દે છે. ડ્રિંકિંગ અને સ્મોકિંગ વ્યક્તિના સરેરાશ બાયોલોજિકલ એજમાં છ વર્ષનો ઉમેરો કરી દે છે. ફેટી ફિશ ખાવી, કોફી પીવી અથવા તો દરરોજ કસરત કરવાથી અંગો અને શરીરની બાયોલોજિકલ એજ વધતી અટકે છે. તેમાં મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે.
શરીરના અંગોની પણ ઉંમર વધે છે
સંશોધકોએ જણાવ્યું કે, આ ટેસ્ટ ખૂબ જ ઉપયોગી છે. તેમણે ૧,૦૦૦ લોકોના બ્લડ સેમ્પલ પર આ રીતેના પ્રયોગ કર્યા હતા. તેમાં તેમની ખાવા-પીવાની આદત અને અન્ય બાબતોની પણ નોંધ લેવામાં આવી હતી. તેમના બ્લડ સેમ્પલમાં રહેલા પ્રોટીનના પ્રમાણ દ્વારા તેમની વાસ્તવિક ઉંમર જાણી શકાઈ હતી. સંશોધકોએ એમ પણ જણાવ્યું કે, ખાવા-પીવાની ખોટી આદતો શરીરના અલગ અલગ અંગને અસર કરે છે અને તેની ઉંમર પણ વધે છે.

