કમ્પાલાઃ છેલ્લા ત્રણ દાયકાથી દેશની સત્તા સંભાળી રહેલા ૭૧ વર્ષીય યોવેરી મુસેવેનીએ કમ્પાલામાં યોજાયેલા સમારોહમાં સતત પાંચમી વખત યુગાન્ડાના પ્રમુખપદે શપથ લીધા હતા. જોકે, તે અગાઉ તેમણે પોતાના કટ્ટર હરિફ કિઝા બેસિગ્યેને જેલમાં ધકેલી દીધા હતા અને ઈન્ટરનેટ સેવા બંધ કરાવી દીધી હતી.
અગાઉ મુસેવેનીના ડોક્ટર રહી ચૂકેલા બેસિગ્યેને સમારોહ સ્થળથી ૨૦૦ કિ.મી. દૂર આવેલા મોરોટો ખાતે લશ્કરી હેલિકોપ્ટરમાં જઈ જવાયા હતા. ત્રણ દાયકાથી શાસન કરનારા મુસેવેની છેલ્લી ચૂંટણીમાં મતોના ભારે તફાવતથી વિજયી બન્યા હતા.
ઝિમ્બાબ્વેના પ્રમુખ મુગાબે અને કેન્યાના પ્રમુખ કેન્યાટ્ટા સહિત બારથી વધુ આફ્રિકી દેશોના વડા શપથ સમારોહમાં હાજર રહ્યા હતા. મુગાબે અને કેન્યાટ્ટા બન્ને બશીરની ધરપકડ કરવા માગતી ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની ટીકા કરતા આવ્યા છે.એક સમયે કોર્ટના સમર્થક રહેલા મુસેવેની હવે તેના બહિષ્કાર માટે અનુરોધ કરી રહ્યા છે.

