કુઆલાલમ્પુરઃ અમેરિકામાં ૫૦ મિલિયન ડોલરની પ્રોપર્ટી ખરીદવા માટે મલેશિયાના વડાપ્રધાન નજીબ રઝાકના સાવકા પુત્ર રિઝા અઝિઝે સરકારી કંપની 1મલેશિયા ડેવલપમેન્ટ બેરહદ (1MDB)ના નાણા વાપર્યા હોવાનું બહાર આવતા રઝાકનો નાણાકીય બાબતો અંગેનો વિવાદ વધુ વકર્યો છે.
રિઝા અઝિઝે ન્યૂયોર્કમાં સેન્ટ્રલ પાર્ક તરફના એપાર્ટમેન્ટ માટે ૩૩.૫ મિલિયન યુએસ ડોલર અને બેવરલી હિલ્સમાં ૧૨૦ ફૂટના સ્વિમિંગ પૂલ સાથેની વિલા ખરીદવા માટે ૧૭.૫ મિલિયન યુએસ ડોલર ચૂકવ્યા હતા. બેંકના દસ્તાવેજો અને એફબીઆઈની તપાસમાં સંડોવાયેલા લોકોના પર્સનલ ખાતાની વિગતો મુજબ આ રકમ નજીબ દ્વારા ઉભા કરાયેલા સ્વતંત્ર મૂડી ભંડોળ1MDBમાંથી આવ્યા હતા. સરકાર વિરુદ્ધ દેખાવો માટે જવાબદાર જટિલ પ્રકરણમાં આ નવો વળાંક આવ્યો છે.
ગયા વર્ષે એક અખબારે જણાવ્યું હતું કે 1MDB સાથે સંકળાયેલા ખાતામાંથી નજીબને લાખો ડોલર અપાયા હતા. જોકે, નજીબે કશું ખોટું કર્યાનો ઈનકાર કર્યો છે. સવાલો ઉઠાવનારા કેબિનેટ મિનિસ્ટરો તથા એક પોલીસવડાને બરતરફ કરાયા છે. એટર્ની જનરલે તબિયત નાદુરસ્ત હોવાનું જણાવીને રાજીનામુ આપી દીધું છે.

