ડી. જી. વણઝારા અને સાધ્વી પ્રજ્ઞા - આજકાલ ગુજરાતમાં ચર્ચાતાં આ બે નામોનો સંબંધ પણ ગુજરાતની સાથે છે. વણઝારા ઇશરત જ્હાં - સોહરાબુદ્દીન - પ્રજાપતિ વગેરે ‘એન્કાઉન્ટર’માં સામેલ હોવાના આરોપથી હજુ ‘આરોપી’ જ છે, મુંબઈથી બહાર જવાનો પ્રતિબંધ છૂટો થયો એટલે ગુજરાત આવ્યા તો તેમનું ભવ્ય સ્વાગત થયું. હમણાં એબીપી અસ્મિતા (ગુજરાતી) અને એબીપી હિન્દી ચેનલે તેમના વિશેષ કાર્યક્રમ ‘પ્રેસ કોન્ફરન્સ’માં તેમને બોલાવ્યા હતા. દિબાંગ ઉપરાંત અમે પાંચ-સાત પત્રકારો પણ પ્રશ્નો પૂછવા અને સાંભળવામાં સામેલ હતા.
વણઝારાએ બેબાક શબ્દોમાં જે કહ્યું તેનો સારાંશ આ વાક્યોમાં છેઃ
‘હું નિર્દોષ છું... મને ફસાવવામાં આવ્યો છે. જે એન્કાઉન્ટર થયાં તે વાજબી હતાં. તે દેશદ્રોહી કામ કરતા હતા અને પાકિસ્તાનની સાથે જોડાયેલા હતા. આર.એસ.એસ. દેશભક્ત સંસ્થા છે, હું રાષ્ટ્રવાદમાં માનું છું... રાજકારણમાં પ્રવેશ માટેના મારા વિકલ્પો ખૂલ્લા છે...’
વણઝારાનું હિંમતનગર અને અન્યત્ર ભારે સ્વાગત થયું. આર.એસ.એસ.ના કાર્યક્રમમાં અમદાવાદમાં સામેલ થયા. ગુજરાતમાં પોલીસ રાજકારણ માટે ખૂબ નારાજ છે અને હવે રાજકીય-રાષ્ટ્રીય પ્રશ્નો પર ટ્વિટ પણ કરે છે. સાધ્વી પ્રજ્ઞાના છૂટકારા પછી તેમણે લખ્યું કે બાકી બધા કેસોમાં યે ગુજરાત પોલીસને ન્યાય મળવો જોઈએ.
ગુજરાત પોલીસમાં રાજકારણનું ગ્રહણ કંઈ આજકાલનું નથી. સૌરાષ્ટ્રમાં ડાકુ ભૂપતને પકડવા માટે અશ્વિનીકુમારને બોલાવાયા અને તે સરિયામ નિષ્ફળ ગયા (હમણાં જિતુભાઈ ધાધલે (‘એક હતો ભૂપત’ નામે સરસ દસ્તાવેજી જીવનકથા લખી છે. ડાકુ ભૂપત પર તેના સાથીદારે પાકિસ્તાનના ‘ડોન’ ગુજરાતી અખબારમાં સળંગ જીવનકહાણી લખેલી તેનો યે આમાં આધાર લેવાયો છે.) ત્યારથી પોલીસ બખડજંતરનું રાજકારણ ચાલે છે. ૧૯૬૦માં નગરવાલા પોલીસ વડા હતા ત્યારથી તેની માત્રા વધી.
ગુજરાતમાં ૧૯૮૫માં મુંબઈની ગેંગ જાહેરમાં સામસામા ખૂનખરાબો કરતી તે દિવસો ગુજરાતે જોયા છે. ૧૯૮૫માં પોલીસ હડતાળ પર ગઈ અને આખું અમદાવાદ જાહેરમાં હત્યા, આગ, દારૂના અડ્ડા, જુગારમાં બદલાઈ ગયું હતું તેનો આ લેખક સાક્ષી છે. ૧૯૭૪માં છાત્ર આંદોલન દરમિયાન એસ.આર.પી. સામે ભારે તિરસ્કાર હતો. હમણાં પહેલી મેના કાર્યક્રમમાં એક પોલીસ વડા કહેતા હતા કે ગુજરાતની પોલીસ મૂળભૂત રીતે ખરાબ નથી, સંજોગો અને રાજકારણ તેને ખરાબ બનાવે છે તેની દસ્તાવેજી ફિલ્મ તેમજ નાટ્યાંતર થવાં જોઈએ.
તેમની વાત સાચી છે. સામાન્ય પોલીસ પર તેના વડા અફસરોની દાદાગીરીના અનેક કિસ્સા બહાર આવતા રહ્યા છે. સાબરમતીમાં પોલીસ ક્વાર્ટર્સ જોતાં હાહાકાર વ્યાપી જાય એવી ખરાબ હાલત ૧૦-૧૨ વર્ષ પર મેં જોયેલી છે. પોલીસ અને ગૂનાખોરો, પોલીસ અને રાજકીય નેતાઓના પાછલા બારણે થતાં વ્યવહારોની અનેક કથાઓ કાયમ સંભળાતી રહે છે આવા સંજોગોમાં પણ અમદાવાદના બૂટલેગરનું એન્કાઉન્ટર થઈ શક્યું હતું તે પણ નોંધપાત્ર ઘટના છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી જેહાદી આતંકવાદનો વિસ્તાર થયો છે. અમદાવાદ, સુરત, વડોદરા તેનો ભોગ બન્યા. અક્ષરધામ પર આક્રમણ થયું. હમણાં ભરૂચમાં થયેલી હત્યાઓમાં આતંકી હાથ જોવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના સમુદ્રકિનારે આરડીએક્સના જથ્થા ઉતરતા તે ઘટનાએ ઊહાપોહ મચાવ્યો હતો. મુંબઈ વિસ્ફોટ માટે સમુદ્ર પાર કરીને પાકિસ્તાનથી આતંકીઓ આવ્યા હતા. કચ્છ - બનાસકાંઠા - જામનગરની રણ અને સમુદ્ર અને જમીનની સરહદો એક વિસ્ફોટક ભૂગોળ દર્શાવે છે. બે વારનાં ભારત-પાકિસ્તાન યુદ્ધો, સીર ક્રિકનો સવાલ અને રણમાંથી થતી ઘૂસણખોરી. આ દેશની સુરક્ષા સાથે સંકળાયેલા મહત્ત્વના પ્રશ્નો છે. આવા સંજોગોમાં ગુજરાતી પોલીસ વધુ શિક્ષિત અને પ્રજાતરફી બને અને સુરક્ષામાં મજબૂત ભાગ ભજવે તેવું કોણ નહીં ઇચ્છે?
સાધ્વી પ્રજ્ઞાનો આઠ વર્ષ - વિના મુકદમે જેલવાસ અને અત્યાચાર - પછી છૂટકારો થયો. આ મહિલા સાધ્વીનો ગુનો એટલો જ હતો કે તે હિન્દુ રાષ્ટ્રવાદની તરફેણમાં હતી. આતંકમાં તેની મોટરસાઇકલ ઉપયોગમાં લેવાઈ હતી એટલી જ માહિતીના આધારે તેને પકડવામાં આવી. જેલમાં એટલા અત્યાચારો થયા (કેફીદ્રવ્યોમાં સંડોવાયેલા ગુનેગારોની સાથે તેને રાખવામાં આવેલી) કે કેન્સરમાં ઝડપાઈ ગઈ. તેની ફરિયાદના કોઈ પત્રોનો જવાબ આપવાને બદલે દેશના તત્કાલીન ગૃહ પ્રધાને ‘ભગવા આતંકવાદી’ની જાહેરાત કરી દીધી!
‘ઇસ્લામી આતંકવાદ’ની સામે સંતુલન ઊભું કરવાનો આ લાક્ષણિક - પણ બેજવાબદાર - પ્રયોગ કોંગ્રેસ વત્તા ભારતના સેક્યુલરિસ્ટો કરતા રહ્યા અને તે પણ કોઈ જ પુરાવા વિના! જે સૈનિક અફસર પુરોહિતને માલેગાંવના આ મુકદમામાં સંડોવવામાં આવ્યા છે તેમણે કાશ્મીરથી આરડીએક્સ લાવવાનો આરોપ હતો. ખરેખર તો તેનાં પૂનામાં આવેલા મકાનમાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે પોતે જ આર.ડી.એક્સ. મૂકીને આરોપ મઢવામાં આવ્યો હતો! હવે માલેગાંવની પૂર્વ તપાસના અધિકારી કરકરેને ઢાલ બનાવવામાં આવ્યા છે. કરકરે આપણી વચ્ચે નથી. મુંબઈ વિસ્ફોટમાં તેઓ માર્યા ગયા. માલેગાંવ તપાસ તેમણે કરી હતી, તેમાં પોલીસ-રાજકારણનો યે એક ભાગ હતો. જીવ્યા હોત તો તેમણે જાતે પ્રકાશ ફેંક્યો હોત. અત્યારે તો કબાટમાંથી હાડપીંજરો નીકળતા જાય છે.
બડબોલા દિગ્વિજય સિંહે ગુજરાતમાં આવીને કહ્યું કે મોદી આરોપીઓને બચાવી રહ્યા છે. વાત એટલી સાદી સીધી હોત તો ૨૦૧૪થી ૨૦૧૬ બે વર્ષ આ કેસ બીજાં છ વર્ષની જેમ આગળ ચાલ્યો ના હોત. ખરી વાત એ છે કે આતંકવાદના પડછાયે રાજકારણ ખેલાઈ રહ્યું છે તેમાં પ્રજ્ઞા સાધ્વી જેવા ન-વાણિયા કૂટાઈ જાય છે!

