ન્યૂ યોર્કઃ ગર્ભાવસ્થા દરમિયાન મહિલા દ્વારા કોસ્મેટિક્સ વસ્તુઓના કરવામાં આવતા ઉપયોગ અંગે કરાયેલા એક નવા અભ્યાસમાં એવી ચેતવણી અપાઈ છે કે પ્રેગ્નન્સી દરમિયાન સાબુ અને ક્રીમ્સ જેવાં કોસ્મેટિક્સના ઉપયોગની નવજાત શિશુઓ પર વિપરીત અસર થઇ શકે છે. અભ્યાસમાં સગર્ભા મહિલાઓને કોસ્મેટિક્સના વપરાશથી દૂર રહેવાની સલાહ છે.
અમેરિકામાં સની ડાઉનસ્ટેટ મેડિકલ સેન્ટરનાં લૌરા ગીરે આ અભ્યાસ અંગે જણાવ્યું હતું કે, મહિલા સાથે બ્યૂટાઇલ પેરાબેનના હાયર લેવલનો સંબંધ હોવાનું અભ્યાસમાં શોધાયું છે. કોસ્મેટિક્સમાં બ્યૂટાઇલ પેરાબેનનો પ્રિઝર્વેટિવ તરીકે સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે અને તેની સગર્ભાવસ્થામાં વિપરીત અસર થાય છે. કોસ્મેટિક્સમાં વપરાતાં કેમિકલ્સને કારણે ગર્ભધારણ કરવાથી પ્રસવ સુધીનો સમયગાળો ઘટી જવાની સંભાવના હોય અને તેના પરિણામે જન્મનાર બાળકનું વજન ઓછું હોઇ શકે છે.
તેમણે એવું પણ જણાવ્યું કે સાબુઓમાં મુખ્યત્વે ઉમેરવામાં આવતા એન્ટિમાઇક્રોબાયલ કમ્પાઉન્ડ, ટ્રિક્લોકરબનનો ગર્ભાધાનથી પ્રસવ સુધીના સમયગાળામાં ઘટાડા સાથે સંબંધ છે. જ્યારે લોશન્સ અને ક્રીમ્સમાં સામાન્ય રીતે વપરાતાં કેમિકલ પ્રોપિલ પેરાબેનનો નવજાત શિશુના શરીર પર વિપરીત અસર થાય છે. અભ્યાસના તારણો અનુસાર કોસ્મેટિક્સમાં કેટલાક રહેલા રસાયણો પ્રસૂતિ પછી પણ નુકસાન કરતાં હોવાનું જણાવાયું હતું.

