‘હવે શું કરીશું નેહુલ?’ મોડી રાત્રે ચિંતિત સ્વરે બીનાએ પતિને પૂછ્યું. ‘ખબર નથી, પરંતુ ચિંતાયે છે ને વિશ્વાસ પણ છે કે જે થશે તે સારું જ થશે. એકાદ-બે કલાક ઊંઘ લઈ લે.’ નેહુલે કહ્યું અને બંને સુઈ ગયા.
અમદાવાદમાં ગર્ભશ્રીમંત પરિવારમાં બીનાનો ઉછેર સાંસ્કૃતિક વાતાવરણમાં થયો હતો. ગાવું ખૂબ ગમે, પરંતુ કારકિર્દી બનાવી એક સફળ નૃત્યકાર તરીકે. શાસ્ત્રીય નૃત્યમાં વિવિધ થીમ આધારિત અનેક કાર્યક્રમો પણ યુવાન ઉંમરથી જ કર્યા. સ્વભાવ સરળ, ઉદાર ને પરપીડા વહોરી લેનારો, પરંતુ પટેલ પરિવારની દીકરી એવી બીના સમય આવ્યે સીધું ને સટ્ટ પણ જે સાચું હોય એ કહી જ દેનારી હતી.
મનના માણીગર રૂપે યોગ્ય સમયે એને મળ્યો નેહુલ મહેતા. વ્યવસાયે સફળ આર્કિટેક્ટ એવા નેહુલને તસવીરકળાનો પણ એટલો જ શોખ. વ્યવસાયના કામ અર્થે હેરિટેજ સાઈટ્સ અને પ્રવાસન સ્થળો ફરતો રહે અને કેમેરાની આંખે એ આસપાસની પ્રકૃતિને નિહાળતો રહે. બોલે ઓછું, પણ સ્નેહ વધારે કરે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં નેહુલે વ્યવસાયિક સપનાંઓને સાકાર કરવા માર્બલની ફેક્ટરી શરૂ કરી. વિવિધ આકાર અને પ્રકારના આરસપહાણના પથ્થરો આવે, જરૂરિયાત મુજબ એને ઘાટ અપાય. ઘરમાં, મંદિરમાં કે અન્ય સ્થળે આ માર્બલ શોભા અને મોભાનું પ્રતિક બની રહે. ફેક્ટરીના કામદારો વચ્ચે પહોંચે ત્યારે પ્રેમ વહેંચવો અને પારિવારિક ભાવના ઊભી કરવી એ નેહુલનો સ્વભાવ હતો. બની શકે એટલી મદદ એ સૌને કરતો ને બીના હંમેશા એના એ કાર્યમાં હસતાં હસતાં સાથ આપતી.
છેલ્લા થોડા દિવસોથી પગારવધારા બાબતે કામદારો રજૂઆત કરતા હતા. નેહુલે કહેલું, ‘તમારી વાજબી માંગણી સ્વીકારીશ જ. હમણાં મંદી ચાલે છે, થોડો સમય સાચવી લો.’
કોઈ શુભ અવસર નિમિત્તે નેહુલે ફેક્ટરીમાં યજ્ઞ અને પૂજાનું આયોજન કર્યું હતું. નિમંત્રણ અપાઈ ગયા હતા. તમામ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. ‘કાલે ફેક્ટરીમાં એક વિશેષ આયોજન છે’ એ ભાવ સાથે પૂરી તૈયારી કરી હતી અને પૂર્વસંધ્યાએ સંદેશ આવ્યો કે કેટલાક કર્મચારીઓ ફેક્ટરી છોડીને જઈ રહ્યા છે. ચિંતા થઈ - મોડી રાત્રિ સુધી સમજાવટ કરીને બીના-નેહુલ ઘરે આવ્યા હતા.
બીજા દિવસે પૂજા પૂરી થઈ. ત્યાં પેલા કર્મચારીઓ આવ્યા - માગણી મૂકી. નેહુલ કહ્યું, ‘એક કામ કરો... તમને મારા શબ્દો પર ભરોસો હોય તો ફેક્ટરીમાં મારી સાથે રહો, તમારું જવું હોય તો હું રોકીશ નહીં, પરંતુ જતાં જતાં મારી ઓફિસની દિવાલ પર પૂજામાં રહેલા કંકુના થાપા તમારા હાથે મારતા જાવ જેથી જિંદગીભર મને સ્મરણ રહે કે મારી સફળતામાં આ કર્મચારીઓ અને તેમનો પરસેવો પડ્યો છે.’
નેહુલની વાત કર્મચારીઓને અસર કરી ગઈ. જીદ પડતી મૂકી. નેહુલે પહેલી મીઠાઈ એમને ખવડાવી. પરસ્પરનો પ્રેમ અને ભરોસો જીત્યા. બીના અને નેહુલની આંખોમાં હર્ષના આંસુ હતા.
•••
ભારતીય લગ્નપ્રથામાં પણ દીકરી કંકુમાં હાથ બોળીને ઘરની દિવાલ પર થાપા મારીને એ ભાવના વ્યક્ત કરે છે કે મારો પરિવાર સુખી અને સમૃદ્ધ રહે.
અહીં પ્રસ્તુત ઘટનામાં બીના અને નેહુલના હૈયામાં એમના તમામ કર્મચારીઓ માટેનો પ્રેમ આખરે જીત્યો. સચ્ચાઈના કારણે જ, પ્રેમના ભરોસાના લીધે જ કામદારોનું હૃદય પરિવર્તન થયું.
આપણા હૃદયમાં સામેની વ્યક્તિ માટે શુભ ભાવના હોય, સહજ સંવેદના હોય, પ્રેમ અને કરુણાનો ભાવ હોય તો એ સામેના પાત્ર સુધી પહોંચે જ છે. સત્તાથી કોઈને કાબુમાં જરૂર રાખી શકાય, પણ પરંતુ એના દિલ સુધી તો પ્રેમથી જ પહોંચી શકાય.
લાઈટ હાઉસ
પાવર (Power) માણસને સફળ બનાવે છે અને
પ્રેમ (Love) માણસને સાર્થક બનાવે છે.
