બોલ્ટનઃ દિગ્ગજ ભારતીય બોકસર વિજેન્દર સિંહે જીતનો સિલસિલો જાળવી રાખતાં પોલેન્ડના બોક્સર આંદ્રેજ સોલ્ડ્રાને ધૂળ ચટાળી જીતનો છગ્ગો લગાવ્યો હતો. સોલ્ડ્રા પોતાની જાતને હોરર ગણાવતો હતો, પરંતુ આઠ રાઉન્ડના મુકાબલામાં વિજેન્દરના મુક્કા સામે સોલ્ડ્રા ત્રીજા રાઉન્ડમાં જ હારી ગયો હતો.
વિજેન્દર સિંહે જીત બાદ કહ્યું કે, જ્યારે હું રિંગમાં ઉતર્યો ત્યારે કોચે મને શાંત રહેવા અને ઉતાવળ ન કરવા જણાવ્યું હતું અને સોલ્ડ્રા મારી સામે આવ્યો ત્યારે મેં મારી ગેમ રમી હતી. મારા માટે દરેક ફાઇટ જરૂરી છે. આઠ રાઉન્ડની પ્રથમ ફાઇટ જીત્યો છું. જેને કારણે મારો આત્મવિશ્વાસ વધ્યો છે.
પ્રથમ રાઉન્ડમાં વિજેન્દરે પોતાના રાઇટ પંચ દ્વારા સોલ્ડ્રા પર શરૂઆતમાં જ પ્રહાર કર્યો હતો. જોકે બીજા રાઉન્ડમાં સોલ્ડ્રાએ વિજેન્દરને પડકાર આપ્યો હતો. આથી વિજેન્દર ખુલીને પાંચ લગાવી શક્યો નહોતો. ત્રીજા રાઉન્ડમાં એકબીજા પર મુક્કા વરસાવી રહ્યા હતા, પરંતુ વિજેન્દ્રનો એક ખતરનાક પંચ પોલિશ સોલ્ડ્રાની આંખ પર વાગ્યો હતો તે પછી રેફરીએ તુરંત જ મુકાબલો રોકી દઈ વિજેન્દરને વિજેતા જાહેર કર્યો હતો.

