બર્લિનઃ હાર્ટ સંબંધિત કોઈ પણ પ્રકારની તકલીફ થઈ હોય કે પછી સ્ટ્રોકનો હુમલો આવવાનું જોખમ વધારે હોય એવા દર્દીઓ સેક્સલાઇફ સારી રીતે માણી શકે કે નહીં એવો સવાલ ઘણાને થતો હશે. હાર્ટની તકલીફ ધરાવતા લોકો એવું માની બેસે છે કે હવે જો તેઓ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં સક્રિય થશે તો હૃદયને વધુ જોર પડશે અને સેક્સ નુકસાનકારક બનશે. જોકે જર્મનીની એક યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં એકદમ મધ્યમ કક્ષાની શારીરિક પ્રવૃત્તિ થતી હોય છે જે દાદરા ચડવા કે બ્રિસ્ક-વોકિંગ કરવા બરાબર હોય છે.
રિસર્ચરોએ ૩૦થી ૭૦ વર્ષના ૫૩૬ હાર્ટના દર્દીઓનો અભ્યાસ કર્યો હતો. જેમાં તેમણે હાર્ટ-અટેક આવ્યા પહેલાંના એક વર્ષની દર્દીઓની સેક્સ્યુઅલ એક્ટિવિટીનો અભ્યચાસ કર્યો હતો. સેક્સ્યુઅલ ફ્રિકવન્સી અને કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓનું પ્રમાણ તપાસીને રિસર્ચરોએ નોંધ્યું હતું કે ૦.૭ ટકા દર્દીઓએ હાર્ટ-અટેક આવ્યાના એક કલાક પહેલાં સેક્સ માણ્યું હતું.
હાર્ટ-અટેક અને સ્ટ્રોકની સારવાર પછી લગભગ ૫૦ ટકા પુરુષો અને ૩૩ ટકા મહિલાઓ પોતાના ડોક્ટરને સેક્સ્યુઅલ એક્ટિવીટી બાબતે પૂછતાં હોય છે. રિસર્ચરોનું કહેવું છે કે સારવાર પછી જો વ્યક્તિ દાદરા ચડવા અને થોડુંક ઝડપી ગતિએ ચાલવા જેવી પ્રવૃત્તિઓ હાંફ્યા વિના કરી શકતા હોય તો તેઓ સેક્સલાઇફમાં ફરીથી આરામથી એક્ટિવ થઈ શકે છે.

