તમારી વાતના પત્રો

Tuesday 18th October 2016 14:07 EDT
 

બ્રેક્ઝિટનો વિજય જૂઠ્ઠાણા પર આધારિત

બ્રેક્ઝિટનો વિજય જૂઠ્ઠાણા, ખોટી માહિતી, દહેશત ફેલાવતી વાતોને લીધે થયો હતો તેથી બ્રિટિશ સરકાર ઈયુ વિશે કોઈ વ્યુહનીતિ ઘડી શકતી નથી. બ્રેક્ઝિટ પછી સરકાર દ્વારા લેવાના પગલાંનું આયોજન કર્યા વિના જ તેમણે બ્રેક્ઝિટનો પ્રચાર કર્યો હતો. હકીકતે તો આ બધું પ્રચાર વખતે જ નક્કી થવું જોઈએ. સલાહ મસલત ચાલી રહી હોવાનું તથા તેના પર કામ કરી રહ્યા હોવાના બહાના હેઠળ હજુ સુધી કશું જ થયું નથી.
NHSને ફંડિંગ માટે દર સપ્તાહે અલગ ફાળવવાના £ ૩૫૦ મિલિયનનું શું થયું ? તેના વિશે તેઓ ગંભીર ન હતા. તેમણે કહ્યું હતું કે યુકે તેની બોર્ડરોનું નિયંત્રણ લઈ લેશે. અત્યાર સુધી તેના આયોજન વિશે કોઈ જાહેરાત થઈ નથી.
મૂળ તો યુકેના નોર્થ ઈસ્ટ એન્ડ વેલ્સ જેવા કેટલાક ચોક્કસ વિસ્તારોમાં બ્રેક્ઝિટની તરફેણમાં ભારે મતદાન થયું હતું. આ વિસ્તારો આર્થિક વિકાસમાં પછાત, બેદરકારીનું વધુ પ્રમાણ, હાઉસિંગની અછત અને તેમના વિસ્તારમાં આવીને તેમની જોબ છીનવી લેતા ઈમિગ્રન્ટ્સની સમસ્યાનો સામનો કરતા હતા. તેમણે સુધારા, નીતિઓ કે ઈયુના ટૂંકા કે લાંબા ગાળાના લાભ માટે નહીં પરંતુ, આજીવિકાના મુદ્દે બ્રેકઝિટની તરફેણમાં મત આપ્યા હતા. અન્ય સમૃદ્ધ વિસ્તારોમાં બ્રેક્ઝિટની તરફેણમાં તેટલું મતદાન થયું નહોતું.
આમ યુકેના કેટલાક ચોક્કસ ભાગોમાં દહેશત ફેલાવતા જૂઠ્ઠાણા, ધ્યાને નહીં લેવાયેલા સ્થાનિક પ્રશ્રોને લીધે બ્રેક્ઝિટનો નિરર્થક વિજય થયો હતો.
બ્રેક્ઝિટ પછીનું કોઈ જ આયોજન દેખાતું નથી અને રાજકીય પક્ષોમાં પણ ભાગલા પડી ગયા છે ત્યારે સાંસદોએ ફરીથી તેમની સત્તાનો ઉપયોગ કરવો જોઈએ. સાંસદોને કોઈ કહે તે મુજબ કામ કરવા માટે નહીં પણ વિચારવા અને પગલા લેવા માટે ચૂંટવામાં આવ્યા હતા.

- બલદેવ શર્મા, હેરો

•••

વિશ્વનો સૌથી મોટો દુશ્મન આતંકવાદ

આપણા ‘ગુજરાત સમાચાર’ના તા 15 ઓક્ટોબરના અંકના પ્રથમ પાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજયાદશમીના પર્વ નિમિતે ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં અતિ પ્રાચીન રામલીલામાં હાજર રહીને એક પ્રેરણાદાયક ભાષણ કર્યું હતું. હાલ દુનિયાને સૌથી વધુ ભય હોય તો તે આતંકવાદનો છે અને આતંકવાદ તથા તેના કહેવાતા હિતકારોને ખતમ કરવા માટે વિશ્વના તમામ દેશોએ એક બનવું રહ્યું.
તાજેતરમાં ઉરીમાં 20 ભારતીય જવાનોએ શહીદી વહોરી. આ ઘટનાથી ભારત અને વિશ્વમાં હાહાકાર થયો અને મોદીએ તેનો જવાબ કોઈની પણ કલ્પનાની બહાર સર્જીકલ સ્ટ્રાઈક વડે આપ્યો હતો. આ ઘટનાના અહેવાલ વિશ્વના તમામ મીડિયાએ પ્રસારિત કર્યા હતા. ત્યારે ખુદ પાકિસ્તાન પણ દંગ રહી ગયું હતું અને આ બનાવને માનવા માટે દિવસો લીધા હતા. પાકિસ્તાન1947થી ભારતથી અલગ થયું ત્યારથી કાશ્મીરના પ્રશ્ને અત્યાર સુધીમાં અનેક ત્રાસવાદી કૃત્યો કરીને ભારતના સૈનિકો અને લોકોના હજારોની સંખ્યામાં ભોગ લઈ ચૂક્યું છે. પાકિસ્તાન કાશ્મીરમાં જે રીતે આગ લગાડી રહ્યું છે તે ખુબ જ નિંદા ને પાત્ર છે.
કમનસીબી તો એ છે કે પાકિસ્તાન લોકશાહી દેશ હોવા છતાં તે લોકશાહીની મજાક ઉડાવીને છાશવારે સરમુખત્યાર રીતે વર્તે છે. પોતાના દેશના આમ આદમીની હાલત ખુબ જ ખરાબ છે.
યુવાનોને પૂરતું શિક્ષણ નથી મળતું અને ખૂબ બેકારી હોવાથી ત્રાસવાદના આકા તેનો લાભ લઈને યુવાનોને લાલચ આપીને ત્રાસવાદી કૃત્યમાં સંડોવી દે છે. હવે તો દુનિયા પણ ત્રાસવાદનું કેન્દ્ર ક્યાં છે તે સમજી ગઈ છે. છેલ્લાં બે વર્ષમાં ભારતે પાકિસ્તાન સાથે દોસ્તી માટે અનેક સારા પ્રયત્નો કર્યા છે. છતાં પાકિસ્તાને ભલમનસાઇની ઠેકડી ઉડાવી છે જે પાકિસ્તાનની નીતિ બતાવે છે.

- ભરત સચાણીયા, લંડન

•••

નારીશક્તિનું સન્માન કરીએ

થોડા દિવસ પહેલા જ નવરાત્રિનો પવિત્ર તહેવાર પૂરો થયો. ભાવિકોએ ખૂબ આનંદ અને શ્રદ્ધાથી દેવીઓની પૂજા-અર્ચના આરાધના કરી એટલે કે નારી શક્તિને બિરદાવી. પરંતુ, આ સમય દરમિયાન પ્રસિદ્ધ થયેલા સમાચારો મુજબ આપણે વાસ્તવમાં સ્ત્રી જાતિનો કેટલો અનાદર કરીએ છીએ તેના ચોંકાવનારા અહેવાલ જાણ્યા.
‘ઈન્ટરનેશનલ ડે ફોર ધ ગર્લ’ના દિવસે ‘સેવ ધ ચીલ્ડ્રન’ ચેરિટી તરફથી જાહેર થયેલા આંકડા મુજબ વિશ્વમાં દર વર્ષે ૧૮થી નાની ઉંમરની ૧૫ મિલિયન બાળાઓને પરણાવી દેવામાં આવે છે. દર સાત સેકંડે ૧૫ વર્ષની એક કિશોરીના લગ્ન કરાવવામાં આવે છે. ભારતના આંકડા જોઈએ તો જે યુગલો લગ્નગ્રંથિથી જોડાય છે તેમાંની ૪૭ ટકા કન્યાઓની ઉંમર ૧૮ વર્ષ કરતાં ઓછી હોય છે.
આ જ સમયગાળામાં એક પત્નીએ તેના સાસુ-સસરા સાથે રહેવાની ના પાડી એટલે પતિએ છૂટાછેડા આપતા ભારતની સુપ્રિમ કોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ‘હ્યુમન રાઈટ્સ’ના પ્રવક્તાએ ટીકા કરતા જણાવ્યું હતું કે આ ચુકાદાથી સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવમાં વધારો થઈ જશે અને ઘણી સ્ત્રીઓનો લગ્નસંબંધ લાગણી અને સ્નેહ વિનાનો ગુલામીની અનુભૂતિ કરાવતો વીતશે.
આથી માત્ર દેવીઓની આરાધના કરીને પુણ્ય કમાવાની ભાવના છોડીને વાસ્તવમાં નારીજાતિને સન્માન આપીને સમજવાનો પ્રયાસ કરીશું તો કદાચ વધુ પુણ્ય મેળવી શકાશે.

- મુકુન્દ આર સામાણી, લેસ્ટર

•••

‘જીવંત પંથ’માં આરોગ્યની વાત ખૂબ ગમી

આપણા ગુજરાત સમાચારના તા.૧૫-૧૦-૧૬ના અંકના પહેલા પાને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજયાદશમીના પર્વ પર લખનૌમાં આપેલા ભાષણમાં આતંકવાદને મોટો શત્રુ ગણાવ્યો તે સમાચાર વાંચ્યા. પાકિસ્તાનનું નામ લીધા વિના જ તેમણે જે કહેવાનું હતું તે પણ કહી દીધું.
પાન નં.૩ પર નવેમ્બરમાં વડાપ્રધાન થેરેસા મેની ભારતની સંભવિત મુલાકાત વિશે જાણીને ખૂબ આનંદ થયો. વડાપ્રધાન તરીકે તેમની આ પહેલી ભારત મુલાકાતના એજન્ડામાં વેપાર અને વાણિજ્ય બાબતોને અગ્રીમતા અપાશે. બન્ને દેશો વચ્ચેનો વેપાર વધશે તો બન્નેને તેનો લાભ થશે.
આ વખતના ‘જીવંત પંથ’માં સી બી પટેલે તંદુરસ્ત આરોગ્ય જાળવી રાખવા માટે અગમચેતીની વાત કરી. તેમણે સાયકોલોજીસ્ટ ડો. ટીમ લોમાસના પુસ્તકની વાતોનો નીચોડ પોતાની આગવી શૈલીમાં મુદ્દાસર રજૂ કર્યો છે. તેમણે આપેલી વિસ્તૃત માહિતી વાંચવાની ખૂબ મઝા આવી અને ઘણું નવું જાણવા મળ્યું.

- પ્રકાશ પટેલ, લંડન

•••

પ્રવૃત્તિથી વૃદ્ધાવસ્થા સુધરે

માણસ સાઈઠની વય વટાવે તે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલીંગ શરૂ થઈ જાય છે. બ્લડસુગર, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, વા, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણાં લોકો ઘડપણમાં દુઃખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુઃખની થાપણ મૂકી રાખે છે. તે દુઃખ તેમને પાછલી ઉંમરે વ્યાજ મુદ્દલ સાથે પાછું મળે છે.
ઘણાં લોકોને વ્યસન વિનાની યુવાની ગમતી નથી, લોકોને તાણ નામની ‘વેમ્પ’ અકાળે ઘરડા બનાવે છે. જેમને વાંચવાની ટેવ હોય એવા સ્ફૂર્તિમંદ વૃદ્ધ કદી કંટાળતા નથી. સંગીતમાં રસ લેનારા વૃદ્ધ નવરાશને શણગારતા જોવા મળે છે. મૈત્રી વૈભવ ધરાવનારા દાદા ખાસ્સા રળિયામણા જણાય છે.
અન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર રહેતા દાદીમા આદરણીય જણાય છે. પારકી પંચાતથી દૂર નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરના સંતાનો એમનાથી કંટાળતા નથી. પુત્રવધુને એમની હાજરી ખટકતી નથી. આવું ઘડપણ આશીર્વાદ ગણાય. આવા વૃદ્ધનો કરચલીવાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છે.

- સુરેન્દ્ર રાઠોડ


comments powered by Disqus