તાજમહેલનું તેજ ઝંખવાય રહ્યું છે

Tuesday 18th October 2016 14:00 EDT
 

આગ્રાના જગવિખ્યાત તાજમહેલને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલા વધુ એક રિપોર્ટમાં ચિંતાજનક અંગૂલિનિર્દેશ થયો છે કે વૈશ્વિક સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન ધરાવતું આ પ્રેમનું પ્રતીક દિન-પ્રતિદિન તેની ચમક ગુમાવી રહ્યું છે. તાજમહેલને થઇ રહેલા નુકસાન માટે અત્યાર સુધી પર્યાવરણીય પરિવર્તનને જવાબદાર ગણાવાતું રહ્યું છે જોકે આ વખતે નવું જ કારણ બહાર આવ્યું છે. અને આ કારણ છે સ્થાનિક વહીવટી તંત્ર. અભ્યાસમાં જાણવા મળ્યું છે તેમ તાજમહેલની આસપાસના વિસ્તારમાં ઘન કચરો સળગાવીને તેનો નિકાલ કરવાની કામગીરીથી તાજમહેલ તેની આભા ગુમાવી રહ્યો છે. ૩૫૦ વર્ષથી ભારતનું નામ રોશન કરી રહેલો તાજમહેલ પ્રેમનું એવું પ્રતીક છે, જેની એક ઝલક મેળવવા સહુ કોઇ તત્પર રહે છે. એક અંદાજ પ્રમાણે પ્રતિ દિન દેશવિદેશના ૨૫ હજારથી વધુ પર્યટકો તાજમહેલને નિહાળવા આવે છે. પર્યટનથી આગ્રાના પ્રજાજનો અને વહીવટી તંત્રને અબજો રૂપિયાની આવક થાય છે. તાજમહેલના માધ્યમથી હજારો પરિવારો રોજીરોટી રળે છે. આમ છતાં આગ્રાનિવાસીઓ જ જો તેને બરબાદ કરવાના કામે લાગી જશે તો દોષ કોને આપવો? વાત એકલા તાજમહેલની જ નથી. ભારતના લગભગ તમામ શહેરોમાં કેટલોય વારસો એવો છે, જે આ પ્રકારે લાપરવાહીના કારણે નષ્ટપ્રાય થઇ રહ્યો છે. જે લોકો આ વારસાના માધ્યમથી જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે તેઓ પણ વારસાના જતન માટે ગંભીર જણાતા નથી. તાજમહેલ મુદ્દે પહેલી વખત ચિંતાજનક રિપોર્ટ જાહેર થયો છે એવું પણ નથી. કંઇકેટલાય રિપોર્ટ તાજમહેલ પીળો પડી રહ્યાની વાત અગાઉ કહી જ ચૂક્યા છે. છતાં કોઇને પગલાં લેવામાં કેમ રસ નથી? સંબંધિત સરકારી વિભાગોની સાથે સાથે સ્થાનિક પ્રજાએ પણ આ વારસાના જતન-સંવર્ધન માટે પ્રયાસ કરવા જ રહ્યા. આગ્રામાં તાજમહેલ કે દિલ્હીમાં લાલ કિલ્લો કે જયપુરમાં હવામહેલ કે હૈદરાબાદમાં ચાર મિનાર રહેશે જ નહીં તો ત્યાં ક્યો પ્રવાસી આવશે? આપણે દુનિયાની ખૂબસૂરતીમાં ઉમેરો ન કરી શકીએ તો કંઇ નહીં, પણ જે ખૂબસુરત વારસો છે તેને બગાડવાનો હક પણ કોઇને નથી.


comments powered by Disqus