નવી દિલ્હીઃ માલવિકારાજ જોશી ૧૭ વર્ષીય એક છોકરી. ૭મા ધોરણ પછી એ ક્યારેય સ્કૂલે નથી ગઇ. તેણે ૧૦મા કે ૧૨મા ધોરણની પરીક્ષા પણ નથી આપી. આઇઆઇટીએ તેને રિજેક્ટ કરી નાંખી, પરંતુ દુનિયાની સર્વશ્રેષ્ઠ સંસ્થાઓમાંની એક મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીએ તેને એડમિશન આપ્યું છે. કારણ કે તે ત્રણ વખત પ્રોગ્રામિંગ ઓલિમ્પિયાડમાં મેડલ જીતી ચૂકી છે. માલવિકાની સફળતાની પાછળ તેની મહેનત કરતાં વધારે તેની માતાની જીદ છે. તેની માતા બાળકોની ખુશી માટે સમાજે બનાવેલી વ્યવસ્થાના વિરોધમાં ચાલી છે. સુપ્રિયાએ ૭મા ધોરણ પછી તેને સ્કૂલમાંથી ઉઠાડી લીધી હતી જેથી માલવિકા પોતાની ટેલેન્ટ અને ઇન્ટરેસ્ટ જાણી શકે. પોતાના ૧૦૦ ટકા જેમાં રસ છે તેમાં લગાવે. તે ઇચ્છતી હતી કે બાળકો ખુશ રહે, પરંપરાના બોજા હેઠળ દબાય નહીં. સુપ્રિયાનું કહેવું છે કે, તેના પતિ પણ તેમના નિર્ણયના વિરોધમાં હતા. પછી મેં નોકરી છોડી. ઘરમાં ક્લાસરૂમ જેવું વાતાવરણ ઊભું કર્યું.
દીકરીએ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં પોતાનો ઇન્ટરેસ્ટ દાખવ્યો. માતા કહે છે કે, લોકો મને પૂછે છે કે દીકરી એમઆઇટીમાં કેવી રીતે પહોંચી? માતા કહે છે કે એ તો તેનો રસ છે. મેં ક્યારેય એમઆઇટીનું વિચાર્યું પણ નહોતું. મેં તો ફક્ત દીકરીનો રસ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. દુનિયાના બધા વાલીઓએ ફક્ત પોતાનાં બાળકોનો ઇન્ટરેસ્ટ સમજવાની જરૂર છે.

