ભારતના યજમાનપદે ગોવામાં યોજાયેલા આઠમા ‘બ્રિક્સ’ સંમેલનનું આતંકવાદ સામે બહુપાંખિયો જંગ છેડવાના આવાહન સાથે સમાપન થયું. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાના બનેલા આ સંગઠને આતંકવાદ, તેને પોષતા દેશો અને નાણાભંડોળ પૂરું પાડનારાઓને સમસ્ત વિશ્વ માટે ખતરારૂપ ગણાવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંમેલનની સમાંતરે સાથી રાષ્ટ્રોના વડાઓ રશિયા, ચીન, બ્રાઝિલ, સાઉથ આફ્રિકાના વડાઓ સાથે અનેકવિધ મુદ્દે ચર્ચા કરી. સાથે સાથે જ સંમેલનને સંબોધતાં પાકિસ્તાનનું નામ લીધા વગર ઇશારો પણ કરી દીધો કે ભારતનું એક પડોશી રાષ્ટ્ર આતંકવાદનું સૌથી મોટું આશ્રયદાતા છે. તેને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાની સાથોસાથ આર્થિક તથા રાજદ્વારી મોરચે વિખૂટું પાડવાની જરૂર છે. ‘બ્રિક્સ’ દેશોએ એક ઘોષણાપત્રમાં જણાવ્યું છે કે જે કોઇ પણ આતંકવાદને આશરો આપશે, આતંક અને હિંસાને પ્રોત્સાહન આપશે તેને પણ આતંકવાદની જેમ જ ખતરો માનવામાં આવશે. સંમેલનમાં સભ્ય દેશો વચ્ચે ક્રેડિટ રેટિંગ, કૃષિ સંશોધન, રેલવે, રમતગમત, વ્યાપાર, મૂડીરોકાણ, આર્થિક ક્ષેત્રે સહયોગ અને આદાનપ્રદાન વધારવાના લક્ષ્યો પણ નિર્ધારિત કરાયા હતા.
જોકે ભારતે સૌથી સફળતા તો રશિયા સાથેની દોસ્તી વધુ ગાઢ બનાવીને અને સંરક્ષણ ક્ષેત્રે મહત્ત્વના સમજૂતી કરારો સ્વરૂપે હાંસલ કરી છે. અત્યાધુનિક રશિયન હેલિકોપ્ટર અને મિસાઇલ સિસ્ટમ મળવાથી ભારતની સંરક્ષણ શક્તિમાં વધારો થશે. આનાથી હિંદ મહાસાગરમાં સૈન્ય સંતુલનની સાથોસાથ પાકિસ્તાન જેવા આતંકવાદને પોષનારા દેશથી ઉભા થનારા કોઇ પણ પ્રકારના ખતરાને નાથી શકાશે. સુરક્ષા મોરચે ભારત સામે જે પ્રકારે પડકારો સર્જાઇ રહ્યા છે તે જોતાં લાગે છે કે ભારત સરકાર અત્યાધુનિક લશ્કરી સાધનસરંજામ ખરીદવા માટે બહુ જ તત્પર છે. તે જાણે છે કે આ મુદ્દે બહુ વિલંબ દેશહિતમાં નથી. ભારત રશિયા પાસેથી જે લશ્કરી સાધનસરંજામ મેળવવાનું છે તેમાં એસ-૪૦૦ ટ્રાયમ્ફ એવી અત્યાધુનિક મિસાઇલ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. આ સિસ્ટમ ૧૨૦થી ૪૦૦ કિલોમીટરના અંતરે ઊડતી મિસાઇલને પણ ટ્રેક કરી શકે છે. આ ઉપરાંત રશિયન બનાવટના કોમોવ હેલિકોપ્ટર માટે પણ સોદો થયો છે, જેમાંથી થોડાક ભારતને તૈયાર મળશે, તો મોટા ભાગના હેલિકોપ્ટરનું બન્ને દેશો સાથે મળીને ભારતમાં જ ઉત્પાદન કરશે. આ સોદો અનેક દૃષ્ટિકોણથી ભારત માટે ખૂબ જ લાભકારક છે. લશ્કરી દૃષ્ટિકોણથી મૂલવવામાં આવે તો આ કરાર માત્ર ઇંડિયન આર્મીને જ નહીં, પણ નૌસેના અને વાયુસેનાને પણ વધુ મજબૂત બનાવશે.
રશિયા કહો કે ભૂતપૂર્વ સોવિયેત સંઘ, ભારત સાથે તેના સંબંધો હંમેશા ગાઢ રહ્યા છે. ભારતને તેના તરફથી ભરપૂર સહયોગ મળતો રહ્યો છે - સવિશેષ લશ્કરી ક્ષેત્રે. દ્વિપક્ષીય સંબંધોમાં ક્યારેક સ્થગિતતા અવશ્ય જોવા મળી હશે, પરંતુ ૫૫-૬૦ વર્ષોમાં બન્ને દેશોનો એકમેકમાં ભરોસો અતૂટ જળવાયો છે. આ જ કારણ છે કે રશિયા ભારત સાથેના સમજૂતી કરારોમાં ખાસ કોઇ શરતો પણ લાદતો નથી. તે ભારતને લશ્કરી સાધનસરંજામ પૂરો પાડે છે તો સાથોસાથ તેની ટેક્નોલોજી પણ આપે છે. એટલું જ નહીં, રશિયા - અન્ય દેશોની સરખામણીએ - ભારતને ઉચ્ચ ટેક્નોલોજી ધરાવતી સામગ્રી આપતું રહ્યું છે. આ વાત ભારત તેના નવાસવા સહયોગી અમેરિકા માટે કહી શકે તેમ નથી. રશિયાએ તેના અન્ય સહયોગી દેશોની સરખામણીએ ભારતને વધુ સારી ટેક્નોલોજી ધરાવતા સંસાધન પૂરાં પાડ્યા છે. જેમ કે, ચીન રશિયન બનાવટની એસ-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઇલનો સૌથી મોટો ખરીદાર દેશ છે, પરંતુ રશિયાએ ચીનની સરખામણીએ હંમેશા ભારતને મહત્ત્વ આપ્યું છે. રશિયાએ જ્યારે ભારતને સુખોઇ ફાઇટર જેટ વેચ્યા હતા ત્યારે ચીનને પણ તે વેચ્યા હતા. નિષ્ણાતોના મતે, ચીનને અપાયેલા સુખોઇની સરખામણીએ ભારતને અપાયેલા સુખોઇ ટેક્નોલોજીના દૃષ્ટિકોણથી ચઢિયાતા હતા. વળી, અમેરિકાએ ભારત સાથેના સંબંધો ઘનિષ્ઠ બનાવતી વેળા હંમેશા પોતાના સહયોગીઓને નજરમાં રાખ્યા છે. જ્યારે રશિયાએ આવું ક્યારેય કર્યું નથી.
ભારતે ‘બ્રિક્સ’ના મહત્ત્વના સાથીદાર રશિયા સાથેનો નાતો તો વધુ ઘનિષ્ઠ બનાવ્યો છે, પણ ચીન સાથેનું અંતર તો યથાવત્ જ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથેની બેઠકમાં આતંકવાદ અને પાકિસ્તાનમાં અડીંગો જમાવીને બેઠેલા આતંકી મસૂદ અઝહર મુદ્દે ચીને અપનાવેલા અભિગમ અંગે જોશભેર મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેઓ કોઇ ખાતરી મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. ચીનનું મન કળવું મુશ્કેલ છે. ભારત સાથે વ્યાપાર તેની મજબૂરી છે તો સાથોસાથ તેને પાકિસ્તાન સાથે પણ ગાઢ સંબંધ રાખવા છે. ચીન નથી ઇચ્છતું કે ભારત દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બની જાય. આથી જ તે પાકિસ્તાનને મદદ કરવાની સાથે સાથે તેને ઉશ્કેરતું પણ રહે છે.
ભારત સરકારે તો ચીન અને પાકિસ્તાન બન્ને દેશો સાથેના સંબંધો ગાઢ બનાવવા પ્રયાસો કર્યા છે, પણ આ દેશો હંમેશા અવળચંડાઇ કરીને તેના પર પાણી ફેરવતા રહ્યા છે. વડા પ્રધાન મોદીએ રશિયા સાથેની દસકાઓજૂની મિત્રતા સંદર્ભે યોગ્ય જ કહ્યું છે કે બે નવા દોસ્તો કરતાં એક જૂનો દોસ્ત વધુ સારો. ભારત-રશિયાના આ નવા સમજૂતી કરારો સ્પષ્ટ કરે છે કે બન્ને દેશોને આ વાત સારી પેઠે સમજાઇ ગઇ છે.
