દરમિયાન ભારત સરકારે ૧૯૭૨માં કેટલીક ફાઈલો નષ્ટ કરી નાખી જે ૨૫ વર્ષ રાખવી જ જોઈએ. અને તે પછી અભિલેખાગારને સોંપવી જોઈએ. એવું કશું ન થયું. ૧૯૯૧માં કેન્દ્રિય મંત્રી ડો. સુબ્રમણ્યમ સ્વામીને કેટલાક સરકારી દસ્તાવેજો જોવા મળ્યા તે પ્રમાણે વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીના નિજી સચિવ પી. એન. હક્સરની સૂચના મુજબ આ ફાઈલો બાળી નાખવામાં આવી હતી. જસ્ટિસ ખોસલાને તેમાં કંઈ નવાઈ ન લાગી. ઓરડામાં ખડકાયેલી ફાઈલોનો બોજો ઓછો કરવા માટે આવું બને તે શક્ય હતું...
એ ફાઈલ હતી નં. ૧૨ / ૨૨૦ / ૫૬ PMO
રહસ્યોને રહસ્યનાં અંધારામાં રાખવાના કેવાં કેવાં કાર્યો થતાં હોય છે?
‘ગુલાગ’?
રશિયાની બહાર તો આ શબ્દ સા-વ અપરિચિત, પણ અહીં - નોસ્કો લેનિનગ્રાહ પીટ્સબર્ગ લિથુવાનિયાથી સાઈબીરિયા સુધી હાહાકાર મચાવી દેતો શબ્દ ભીષણ ઈતિહાસમાં ફેરવાઈ ગયો તે બીજાં વિશ્વયુદ્ધ પછી સમુદ્રની વચ્ચોવચ્ચ આવેલા વિરાન ટાપુઓમાં જોસેફ સ્તાલિનની સરમુખત્યારીનાં સ્મારકો જેવી જેલો ઊભી છે. ઊંચી મજબૂત દિવાલો, લોખંડી સળિયાની વાડ, અંધારી બેરેકો. એકાંતિક સજા માટેની નાની ઓરડીઓ, ખતરનાક કેદીઓની લાં...બી ચાલી જેવી કોટડીઓ. પોલીસ દળ અને તેની વાનથી ધમધમતી ઓફિસ. કેદી પર નજર રાખવા માટે ખાસ ગુપ્તચર તંત્ર. હુકમનું પાલન ન કરનારા બંદીઓને તરેહવારની સજાનો ‘સેલ’ રસોડા માટે અ-સામાજિક વર્ગમાંથી સજા પામીને આવેલી તગડી સંવેદનહીન બાઈઓ. અહીં સૂરજ ઊગતાં જ કેદીઓના માનસિક ધોવાણની ગતિવિધિ શરૂ થઈ જાય છે. ભાગ્યે જ મોસ્કોથી કોઈ મુલાકાતી લાંબો પ્રવાસ ખેડીને અહીં આવી શકે છે. આવે તેને તેના સ્વજન કેદીને મળવા તો દેવાય, પણ તેની હાલત જોઈને મુલાકાતી સ્તબ્ધ બની જાય. આકરો આઘાત લાગે અને કેટલાકને ત્યાં જ હૃદયરોગનો હુમલો થઈ જાય.
આ બધા ‘કેદી’ઓની યે અલગ તરાહ પ્રમાણે ‘સગવડ’ અપાતી. ડબલ રોટી માટે સામસામે ઝૂંટાઝૂંટ કરતા, એકબીજાની સામે થૂંકીને ગાળો બોલનારાઓનો મોટો વર્ગ હોય, એ બિચારા ક્યારે અક્ષર શિક્ષણની પાસે ય પહોંચ્યા નહોતા. ઉકરડામાં જીવવાની ફાવટ આવી ગઈ હતી.
એક બીજો વર્ગ હતો - ક્યાંક સ્તાલિનના રાજ્ય અને કાયદા વિશે અ-જાણપણે આલોચના કરતા પકડાઈ ગયો હશે, તેમને સામ્યવાદના સિદ્ધાંતોનું પ્રશિક્ષણ અપાતું. રશિયન સૈનિકો તે ફરજ બજાવતા! રોજના વર્ગનો છેલ્લો નિષ્કર્ષ એટલો જ કે રશિયામાં સુખપૂર્વક સલામત રહેવું હોય તો કમ્યુનિઝમનો પૂરો આદર કરવો.
એક ત્રીજો વર્ગ આ ‘ગુલામ’ જેલોમાં પ્રખર બૌદ્ધિકોનો હતો. સાહિત્યકાર, કળાકાર, પત્રકાર, શિક્ષક, રાજકીય કાર્યકર્તા, ફિલસૂફ... તેઓ ‘રાજ્યશત્રુ’ હતા. તેમનું ભવિષ્ય આ કોટડીમાં જ સમાપ્ત થવાનું હતું. કેટલાકને તો તેની કવિતા કે નિબંધ કે ચિત્ર માટે ‘માનસિક રોગી’ ગણાવીને ચિકિત્સા આપવામાં આવતી. લાલ અને પીળાં પ્રવાહીની દવા તેમને અ-ભણ ડોક્ટરો આપતા અને તેનાથી તેમની તબિયત ઓર બગડી જતી.
બોરિસ પાસ્તરનાકે તો ‘ડો. ઝિવાગો’માં રશિયન ક્રાંતિએ મનુષ્યને વિખંડિત બનાવ્યો તેની જ સંકેતાત્મક વાત કરી, પણ એલેકઝાંડર સોલ્બેનિત્સને ‘ગુલાગ આર્કિપિલેગો’ નવલકથાના બે ખંડમાં, આ ગુલાગ-કહાણીને દસ્તાવેજી સ્વરૂપ આપ્યું ને વિશ્વ ચોંકી ગયું... સોલ્બેનિત્સન સ્વયં તેનો ભોગ બન્યો હતો અને ‘કેન્સર વોર્ડ’ લખીને તેનો અંદાજ આપ્યો હતો. સાવ સ્વાભાવિક હતું કે સોલ્બેનિત્સનને તેની નવલકથા પર નોબેલ સન્માન ઘોષિત થયું અને તે લેવા માટે લેખક ગયો તો તેને માટે રશિયા પાછા ફરવાના દરવાજા બંધ કરી દેવાયા હતા!
રશિયન મહાનગરોના મુખ્ય પોલીસ સ્ટેશનેથી, રાતના અંધારે પકડાયેલા ‘રાજદ્રોહી’ઓને ‘ગુલાગ’ સુધી પહોંચાડવા ‘બ્લેક મારિયા’ ગાડી કુખ્યાત હતી. અંધારી રાતે ફ્લેટમાં મકાનનું બારણું ખોલતાં બહાર પોલીસ ઊભેલી હોય. શર્ટના બટન બંધ કરતો ગૃહસ્થ કંઈ બોલે તે પહેલાં તેની ધરપકડ કરીને લઈ જવામાં આવે. પોલીસે થાણે તેના વિશેની ફરિયાદ નોંધવામાં આવે અને પછી રેલવે સ્ટેશનથી એક બંધ રેલગાડીમાં તેના જેવા અસંખ્ય કેદીઓની સાથે તેને બેસાડી દેવામાં આવે. ગાડી ક્યાં પહોંચશે? ત્યાં સૌને લઈ જવાશે? કોઈને જ ખબર નથી. દરેક સીટની પાસે સશસ્ત્ર સૈનિક ચોકીદારી કરે છે. બારી-દરવાજાને કાળા પરદાથી ઢાંકી દેવાયા છે, જેથી કેદીની નજર બહાર ન જાય. ક્યાંક કોઈક છલાંગ મારીને કૂદી પડે તો?
મોડી રાત્રે કોઈ સ્ટેશન ગાડી ઊભે છે અને ત્યાંથી બીજા કેટલાક સમદુઃખિયાને લાવવામાં આવ્યા તો ખબર પડી કે આ ફલાણી જગ્યા છે. એટલે ભૂગોળ જાણનારને ખબર પડી કે હવે ‘ગુલાગ’ તરફની નિયતિ નક્કી!
ગુલાગના નામની અટકાયત કરીને પેલો યુવા કેદી - જેની પત્ની અને પ્રિય બચ્ચાંઓને કશી જ ખબર નહોતી - તેમને જાણ કરવા તડપે છે. છેવટે રસ્તો યે મળ્યો. એક કાગળનો ટુકડો, તેમાં નામ-સરનામું અને પ્રિય પત્નીને ખબર... ‘ગુલાગ’માં લઈ જવાના છે. પછી સવારે સંડાસમાં, પળવારમાં એ ચિઠ્ઠી ફેંકી દીધી, એ આશાએ કે ટ્રેન પ્રસાર થઈ જશે. હવામાં ઊડતી આ ચિઠ્ઠી કદાચ કોઈ ગામની બહાર પહોંચશે. કદાચ, કોઈ રશિયન સદગૃહસ્થ ‘મોર્નિંગ વોક’ માટે નીકળ્યો હશે. કદાચ, તેની નજર જમીન પરના કાગળ પર પડશે. તે વાંચશે અને કદાચ, તે સહાનુભૂતિપૂર્વક તેમાં લખેલાં સરનામાં પર પોસ્ટ કરી દેશે.
‘કદાચ’ આનાથી મોટી વિડંબણા ક્યાંય હશે?
આવું એક સ્થાન સાઈબીરિયાના ઠંડાગાર પ્રદેશમાં લેઝેનબસ્કી જિલ્લામાં આવ્યું છે. સુઝદાલ અહીંનો સૌથી મોટો ‘ગુલાગ’ છે, તેનાથી ૫૦ કિલોમીટર દૂરની જેલ-છાવણી.
કેદી ચંદ્ર બોઝ અને જનરલ શિદેઈ.
કેમ્પ નંબર ૪૮માં સુભાષ-નિવાસની યે એક દીર્ઘ-કથા રચાઈ હતી, દુનિયાના કેટલાક જ દેશોને તેની જાણ હતી તેમાં રશિયા અને જાપાન મુખ્ય હતાં.
કથિત વિમાની દુર્ઘટનાના દિવસથી જ આ આશ્ચર્યસ્તબ્ધ કહાણીનો આરંભ થઈ ગયો હતો.
તેમાં જાપાનની તીવ્ર ઈચ્છા હતી કે પોતાની ધરતી પર આઝાદ હિન્દ સરકાર અને ફોજની સ્થાપના કરનારા ભારતીય નક્ષત્ર સરખા નેતાજી સુભાષચંદ્ર બોઝને બચાવી લેવામાં આવે.
કોઈ પણ ભોગે.
વિશ્વયુદ્ધના વળતા પાણીએ જાપાનને શરણાગતિ તરફ ધકેલ્યું હતું. સ્વમાનભંગથી ઘવાયેલા જાપાનીઝ નેતાઓ, સેનાપતિઓ, સૈનિક અને નાગરિકો ‘હારાકિરી’ કરીને પોતાની જિંદગી સમાપ્ત કરી રહ્યા હતા.
એવું ન કરનારાઓ માટે મિત્ર રાષ્ટ્રો સમક્ષની શરણાગતિનો એક જ માર્ગ હતો. અને તેનો અર્થ હતો કે તેઓ યુદ્ધ અપરાધીઓના ખટલા ચલાવશે અને પછી મોતને ઘાટ ઉતારશે.
આવા અપરાધીઓમાં એક ભારતીયનું નામ મોખરે હતું તે નેતાજી સુભાષચંદ્ર બોઝનું. ગાંધી, જવાહર, સરદાર કરતાં યે આ નામથી તેઓ ભડકતા હતા. વિન્સ્ટન ચર્ચિલે આદેશ આપી દીધો હતો કે મરેલા કે જીવતાં, આ ‘નેતાજી’ તરીકે સ્થાપિત સુભાષચંદ્રને પકડી પાડો. બર્મા મોરચે લોર્ડ માઉન્ટબેટન અને લોર્ડ આઈકેનકેક બહાવરા થઈ ગયા કે બર્મીઝ જમીન પર આકરી મહેનત પછી યુદ્ધ તો જીતાયું, પણ આઝાદ ફોજના સરસેનાપતિ ક્યાંક અદૃશ્ય થઈ ગયા તે હાથ આવતા નથી.
તેને બદલે માત્ર કહાણી જ ફેલાવવામાં આવી હતી, ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના વિમાની અકસ્માતની.
પણ તે તો માત્ર ‘કહાણી’ હતી.
જાપાનના સત્તાધીશો સાથેની વાતચીતમાં નેતાજીને જણાવી દીધું હતું કે મારે મારા દેશની સ્વતંત્રતા સાથે કેટલો લગાવ છે એ તમારાથી વિશેષ કોણ સમજી શકે તેમ છે? સમ્રાટ હિરોહિતો, જનરલ તોજો... મારી પાસે એક રસ્તો છે, આ ભીષણ લડાઈની વચ્ચેથી સલામત નીકળી જવાનો.
‘કયો રસ્તો?’
‘મંચુરિયા થઈને રશિયા પહોંચવાનો...’
‘પણ રશિયા તો મિત્ર દેશોની સાથે છે, હિટલરની ફોજ સામે તેણે મરણિયો જંગ માંડ્યો છે. જોસેફ સ્ટાલિન માનશે?’
‘જુઓ મારો તર્ક સમજવાની કોશિશ કરો. મારો ઘોર દુશ્મન છે બ્રિટિશ સામ્રાજ્યવાદ. અમેરિકા અને ફ્રાંસ તેની સાથે છે. તમે નહીં. હેર હિટલરે રશિયા પર આક્રમણની ભૂલ ના કરી હોત તો આજનો દિવસ આવ્યો ન હોત.’
‘પણ જોસેફ સ્તાલિન માનશે? કઈ રીતે માનશે? એ તો મહાધૂર્ત છે.’
‘તે માનશે કે નહીં, તેની મને ખબર નથી. હું તો અંધકારનો યાત્રિક છું. મને મંચુરિયા સુધી પહોંચાડી દો. પછી મારાં ભાગ્યનો રસ્તો જાતે બનાવીશ. રશિયાના માંધાતાઓને કહીશ કે બ્રિટિશયુક્ત ભારતનું અસ્તિત્વ તેમને ય લાભકર્તા છે. બ્રિટિશરો તમને મિત્ર માનતા નથી, માનશે ય નહીં. એ રીતે ભારત અને રશિયા એકસરખા છે.’
કાઉન્ટ તેરાઉચીને આ મુદ્દો વિચારણીય લાગ્યો. વિશફૂલ થિકિંગ બટ વિથ ડીપ વિશ... એનાથી બોલાઈ ગયું. પણ તેને મિત્રદેશોએ વેરના વળામણાનો પ્રારંભ કરી દીધો હતો તેનાથી વધુ પીડા હતી. છઠ્ઠી ઓગસ્ટ ૧૯૪૫ની સવારે લોકો પોતાના ચા-પાણી માટે તૈયાર થતા હતા અને બાળકો યુનિફોર્મ પહેરીને શાળાએ જવા નીકળી ગયા હતાં. ત્યારે હિરોશીમા પર અણુબોંબ ઝીંકાયો. એટલાથી મોતની તરસ છીપાઈ નહીં તો નવમીએ નાગાસાકી પર...
‘ચંદ્ર બોઝ, શું તમે માનો છો કે આ પરિસ્થિતિનો જલદીથી અંત આવશે?’
‘હા. યુદ્ધની રાખમાંથી જાપાન અને જર્મની બેઠાં થશે. રશિયા એક મહાસત્તા બનશે અને તે જ રસ્તે ચીન પણ જશે. દક્ષિણ આફ્રિકા સહિત સર્વત્ર બ્રિટિશ સામ્રાજયવાદ સમાપ્ત થશે...’
તેરાઇચીને લાગ્યું કે આ તો કોઈ ઇશ્વરીય દૂત ભવિષ્યવાણી કરી રહ્યો છે. તે હસ્યો પણ તેમાં ઉત્સાહનો અભાવ હતો.
સુભાષ તો સપનાંની પેલી પાર પહોંચી ગયા હતા. દૂ...ર, સુદૂર, પહાડો અને નદીઓની પેલી પાર, મારી ભારતમાતા સશ્ય શ્યામલા, સુજલા સુફલા... બહુબલધારિણી, રિપુદલહારિણી... મુક્તિની ઝંખનાનો તરફડાટ હજુ એવો ને એવો છે... મારી મા! ક્યારે તારી ઝંઝીર તૂટશે, ક્યારે?
પછી કહેઃ તેરાઉચી, મારે દેશ પણ સ્વાધીન થશે, બહુ જલદીથી.
‘પણ, તેને માટે નિયતિએ મને એક વધુ સંગ્રામનો નિર્દેશ આપ્યો છે... પરાજયમાં હું માનતો જ નથી, મારા વિવેકાનંદે મને શીખવ્યું છે - યશોજ્જવલ ભારત માટે કઠોરમાં કઠોર યાતના વેઠીને આગેકદમ!’
કાઉન્ટ તેરાઉચી, એસ. ઇશોદ! જનરલ કિમરુ... સુભાષે એક ઘટના સંભાળવીઃ ‘કોલકાતા નજરકેદમાંથી ભાગી છૂટ્યો અને અફઘાનિસ્તાન પહોંચ્યો ત્યારે કાબુલ એક અશાંત નગર હતું. કોઈનો કોઈને ભરોસો નહીં. લાલા ઉત્તમચંદ મલ્હોત્રા પરેશાન હતા કે અહીંથી સુભાષને સહીસલામત કોઈ બ્રિટિશવિરોધી દેશમાં પહોંચાડવા કઈ રીતે? સમરકંદમાં ઇટાલિયન નામ રાખ્યું હતું - લાંદો મંજોટા. પહેરવેશ પણ, મૌલવી ઝિયાઉદીનમાંથી બદલાવીને ઇટાલિયન! ૧૮ માર્ચ, ૧૯૪૧નો દિવસ મને બરાબર યાદ છે. મહામુશ્કેલીથી, જાસૂસો અને પોલીસની નજર ચૂકાવીને અમે સોવિયત રશિયાની સરહદ તરફ આગળ વધી રહ્યા હતાં, પણ રશિયાએ ના પાડી દીધી એટલે જર્મની તરફ પ્રયાણ કર્યું બર્લિનથી ટોકિયો, ટોકિયોથી સિંગાપુર. સિંગાપુરથી રંગુન. રંગુનથી વળી પાછા... હવે?’
સુભાષચંદ્ર હસ્યા. જીવનની શતરંજ પર હાર-જીતના હિસાબ પર આવો દેવપુરુષ જ હસી શકે ને?
ફરી તેમણે કહ્યુંઃ ‘એ દિવસોમાં મને ડો. બેલ્ગારે સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે આ રશિયા પર ભરોસો કરવા જેવો નથી. એ જે કિચનમાં રોટી પાકે ત્યાં જ જાય છે; સમરકંદથી મોસ્કો સુધી ટ્રેનમાં હું ગયો હતો; ગુપ્તવેશે... આજે એ જ ભાષા મને પાછી ફરી વાર સાંભળવા મળી - રશિયા મદદ નહીં કરે!’
એક ક્ષણ મૌન રહીને કહેઃ ...તો પછી મારે શું કરવું? બ્રિટિશરોની શરણાગતિ સ્વીકારવી? લડાઈ કરીને ખતમ થઈ જવું? યુદ્ધકેદી બનવું? નિરર્થક ગુપ્તવાસમાં રહેવું? બોલો, દોસ્તો શું કરવું મારે?
જાપાની અફસરના હોઠ પર આવ્યુંઃ લેસર ઇવિલ...
(ક્રમશઃ)

