વડીલો સહિત સહુ વાચક મિત્રો, ભારત દેશ અત્યારે શકવર્તી કે સંક્રાંતિકાળમાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી દેશમાં પ્રવર્તમાન સ્થિતિને મૂલવવામાં આવે તો સહુ કોઇ અનુભવી રહ્યું છે કે ભવ્ય વારસો ધરાવતો ભારત દેશ દિશા, ગતિ, ક્ષમતા અને સિદ્ધિ બાબત અનેકવિધ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. ક્યારેય વિરોધ પક્ષ તો ક્યારેક નાદાન (વયમાં નહીં હોં...) પરિબળો જાતજાતના અવરોધ ઉભા કરી રહ્યા છે. લોકશાહીમાં આ અનિવાર્ય પણ છે. શાસકોની કામગીરી પર ચોંપ તો રાખવી જ પડે, નહીં તો દેશના ફનાફાતિયા થઇ જાય. ભારતમાં વસતાં અને વિદેશમાં વસતાં ભારતીયોના સર્વાંગી હિતમાં કેટલાક સાવચેતીના પગલાં આવશ્યક ગણાય, પરંતુ સાથે સાથે જ આમાં વિવેકભાન જળવાય તે પણ એટલું જ જરૂરી છે. ભારતમાં જ વસતાં કેટલાક લોકો એવા ફાલતુ મુદ્દે હોબાળો મચાવે છે કે બીજા દેશમાં વસતાં કહેવાતા ‘નેતાઓને’, ‘માનવાધિકારવાદીઓને’, ‘લઘુમતીઓના હિતેચ્છુઓને’ વગર કારણે (અને વગર વિચાર્યે) ભારત સામે આંગળી ચીંધવાનો મોકો મળી જાય છે.
ટ્રેવર ફિલિપ્સની જ વાત કરું... બ્રિટનમાં ટ્રેવર ફિલિપ્સનું બહુ મોટું નામ છે. ટ્રેવરભાઇનો જન્મ યુકેમાં થયો છે, ઉછેર ગયાનામાં થયો છે ને ઘરસંસાર ભારતવંશી પારસી બાનુ સાથે વસાવ્યો હતો. એક યા બીજા સમયે તેમના નામ આગળ જાણીતા હોદ્દા પણ જોડાયા છે. એક સમયે તેઓ ઇક્વાલિટી એન્ડ હ્યુમન રાઇટ્સ કમિશનના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. તો બે દસકા પૂર્વે રનીમેડ ટ્રસ્ટની ચેર શોભાવ્યાનો દાવો પણ ગળું ખોંખારીને કરતા રહે છે. આ મોટા ગજાના નેતાએ ૧૦ એપ્રિલના રોજ સન્ડે ટાઇમ્સ મેગેઝિનમાં એક વિસ્તૃત લેખ લખ્યો છે.
તેમણે આ લેખમાં આંકડાઓ સાથે એવો દાવો ઠોક્યો (મેં આ શબ્દ કેમ વાપર્યો છે તેનું કારણ તમને આગળ લેખ વાંચતા સમજાય જશે) છે કે ભારતમાં મુસ્લિમો પર જોરજુલમ થાય છે. લેખમાં તેમણે આઇસીએમના સર્વેના આંકડાઓ ટાંકીને બ્રિટિશ મુસ્લિમ સમુદાય ક્યા મુદ્દે શું માને છે તેની બહુ વિદ્વતાપૂર્ણ (!) રજૂઆત કરી છે. કેટલાય મુસ્લિમો માને છે કે તેમની પત્ની આજ્ઞાકારી હોવી જોઇએ (૩૯ ટકા), આમાંના કેટલાક લોકો બહુપત્નીત્વની તરફેણમાં છે (૩૮ ટકા), કેટલાય લોકો યુકેમાં શરિયા કાનૂનને પસંદ કરે છે (૨૩ ટકા), કેટલાક લોકો હોમોસેક્સ્યુઆલિટીના મુદ્દે અસંમત છે (૫૨ ટકા) વગેરે વાતો કરી છે. આ તમામ સંવેદનશીલ મુદ્દે તેમણે ફૂંકી ફૂંકીને લખ્યું છે અને આનું કારણ સમજાય તેવું પણ છે.
યુકેમાં વસતા દર દસ મુસ્લિમમાંથી આઠ કહે છે કે તેઓ અહીં સુખી જીવન વિતાવી રહ્યા છે. પારિવારિક જીવન, સંતાનોના ભવિષ્ય, આર્થિક સુરક્ષાના મુદ્દે બહુમતી સમુદાય જેવા જ સમાન અધિકારો મેળવતા હોવાથી તેઓ પોતાને બ્રિટિશ જ માનતા હોવાની લાગણી અનુભવે છે. તેઓ કોઇ બંધન વગર પોતાના ધર્મનું પાલન કરી શકે છે તે વાત પણ બ્રિટિશ મુસ્લિમોને પસંદ છે.
બ્રિટિશ મુસ્લિમ સમુદાય અંગે લખ્યા પછી કોણ જાણે ટ્રેવર ફિલિપ્સને પેટમાં શું ચૂંક ઉપડી કે તરત જ તેઓ લખે છેઃ ‘ભારતીય ઉપખંડમાં મુસ્લિમો પર હિન્દુઓના જોરજુલમનો ખતરો મંડરાયેલો રહે છે.’ ભલા માણસ, મોટા ગજાની નામના ધરાવો છો તો તેને અનુરૂપ વર્તન તો કરો. જરા ઇતિહાસના પાન ઉથલાવો. અને આમ ન કરવું હોય તો માત્ર સાંપ્રત પ્રવાહો પર નજર ફેરવો. તમને સમજાઇ જશે કે ભારતમાં મુસ્લિમોનું શું સ્થાન છે. હિન્દુ બહુલ દેશમાં મુસ્લિમો દસકાઓથી નહીં, સૈકાઓથી સામાજિક સમરસ જીવન જીવી રહ્યા છે. ભારતમાં મુસ્લિમો કંઇ આજકાલથી વિધવિધ ક્ષેત્રે ચમક્યા છે એવું પણ નથી. સ્વાતંત્ર્યોત્તર ભારતના ઇતિહાસ પર નજર ફેરવશો તો નજરે ચઢશે કે મુસ્લિમ અગ્રણીઓ રાષ્ટ્રીયથી માંડીને પ્રાદેશિક સ્તરે અનેક મહત્ત્વના હોદ્દાઓ પર ફરજ બજાવતા રહ્યા છે. વાચક મિત્રો, તેમના આવા તથ્યહીન લખાણ માટે જ મારે ટ્રેવર ફિલિપ્સને Asian Voiceના ૧૬ એપ્રિલ, ૨૦૧૬ના અંકમાં Trevor Phillips: Stop this Bakwas નામના તંત્રી લેખમાં ખંખેરવા પડ્યા છે. આ સાથે હું ભારતમાં વિવિધ ક્ષેત્રે ચમકતા મુસ્લિમ સિતારાઓનો ઉલ્લેખ કરી રહ્યો છું.
ઝાકીર હુસૈન, ફકરુદ્દીન અલી અહમદ અને ડો. એ. પી. જે. અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. ભારતના બેલેસ્ટિક મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમના વિકાસમાં ડો. કલામનું ઉલ્લેખનીય પ્રદાન હોવાની વાત તો ભારતનું બચ્ચેબચ્ચું પણ જાણે છે. ક્રિકેટની વાત કરીએ તો ટાઇગર પટૌડી તરીકે જાણીતા મન્સૂર અલી ખાન પટૌડી, મોહમ્મદ અઝહરુદ્દીન, સૈયદ કિરમાણી, ઝહીર ખાન, મોહમ્મદ શમી, પઠાણ બંધુઓ - યુસુફ અને ઇરફાન, મોહમ્મદ કૈફ વગેરે છે. તો ટેનિસની રમતમાં સાનિયા મિરઝાના નામના સિક્કા પડે છે.
બોલિવૂડમાં તો મુસ્લિમોની બોલબાલા છે એમ કહી શકો. વીતેલા જમાનાના સુપર સ્ટાર દિલીપ કુમાર (યુસુફ ખાન)થી માંડીને નસરુદ્ધીન શાહ, ઇરફાન ખાન, ફરહાન અખ્તર, આજની સુપર સ્ટાર ત્રિપુટી - શાહરુખ ખાન, આમીર ખાન, સલમાન ખાન લોકોના દિલ પર રાજ કરે છે. જ્યારે અભિનેત્રીઓમાં નરગીસ, વહીદા રહેમાન, મીના કુમારી, મધુબાલાનો દસકાઓ સુધી હિન્દી ફિલ્મઉદ્યોગમાં દબદબો હતો. આર્ટ ફિલ્મોમાં શબાના આઝમીનું નામ મોખરે છે તો કેટરિના કૈફ આજના યુવા દિલોની ધડકન છે.
ગાયકો, ગીતકારો, લેખકોની વાત કરીએ તો મોહમ્મદ રફી, નૌશાદ અલી, શકીલ બદાયુની, હસરત જયપુરી, કૈફી આઝમી, જાવેદ અખતર, સલીમ ખાન યાદી બહુ લાંબી થાય તેમ છે. મ્યુઝિક ડિરેક્ટરોમાં ઓસ્કર વિજેતા એ. આર. રહેમાન, ખય્યામ જેવા નામોએ સૂરીલી સફળતા મેળવી છે. શાસ્ત્રીય સંગીતમાં તબલાવાદનની વાત પિતા-પુત્રની જોડી અલ્લા રખ્ખા અને ઝાકીર હુસૈનના ઉલ્લેખ વગર અધૂરી રહી.
ભારતના ચીફ ઇલેક્શન કમિશનર શાહબુદ્દીન યાકુલ કુરેશી અને એક સમયે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવનાર મોહમ્મદ હિદાયતુલ્લા બાદમાં દેશના છઠ્ઠા ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. અઝીઝ મુશાબેર અહમદી ૨૬મા ચીફ જસ્ટિસ બન્યા હતા તો અલ્તમસ કબીર ભારતના ૩૯ ચીફ જસ્ટિસ બન્યા હતા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. ફાતિમા બીવી આ સ્થાન પર પહોંચનાર માત્ર ભારતના જ નહીં, એશિયાના પ્રથમ મહિલા હતા. નિવૃત્તિ બાદ તેમણે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના સભ્ય અને તામિલનાડુના ગવર્નર તરીકે પણ ફરજ બજાવી હતી.
ભારત સરકારમાં પ્રધાનપદ સંભાળનારા મુસ્લિમ નેતાઓની સંખ્યા ૯૧થી પણ વધુ છે. જેમાં મોહમ્મદ અલી કરીમ ચાગલા, ગુલામ નબી આઝાદ, અબ્દુલ રહેમાન અંતુલે, ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મુફ્તી મોહમ્મદ સઇદ, સલમાન ખુરશીદ વગેરેનો સમાવેશ થાય છે. લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર નજમા હેપતુલ્લાને કેમ ભૂલી શકાય?
ઉદ્યોગપતિઓ અને દાતાઓની યાદીમાં વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી અને કેરળના વતની તથા અબુ ધાબીમાં હેડ ક્વાર્ટર ધરાવતી ઇએમકેઇ લુલુ ગ્રૂપ ઓફ કંપનીસના મેનેજિંગ ડિરેક્ટર યુસુફ અલી એમ એ.ના નામ ઉડીને આંખે વળગે છે. પત્રકારત્વ જગતમાં એમ. જે. અકબર, સઇદ નકવી મોખરાનું સ્થાન ધરાવે છે.
વાચક મિત્રો, યાદી વાંચવામાં ભલે લાંબી જણાતી હોય, પણ ખરેખર તો આ એક ઝલકમાત્ર છે. હિન્દુ બહુમતી ધરાવતા દેશમાં વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપનારા મુસ્લિમ મહાનુભાવોની આ યાદી તો હિમશિલાની ટોચ સમાન છે. આ લોકોએ ભારતમાં રહીને સફળતા મેળવી છે તે વાત જ દર્શાવે છે કે આ દેશમાં દરેક નાગરિક સાથે સમાન વ્યવહાર થાય છે અને દરેક વ્યક્તિને જીવનમાં પ્રગતિ માટે એકસમાન તક મળી રહે છે.
મોદીનું મિશન અને વિપક્ષનો ફોગટ વિરોધ
એક બીજી વાત પણ હું અહીં ટાંક્યા વગર રહી શકતો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લગભગ બે’ક વર્ષથી ભારતનો કારભાર સંભાળી રહ્યા છે. તેઓ પૂરોગામીઓની સરખામણીએ વધુ સક્રિય અને સમર્પિત કામગીરી કરી રહ્યા છે તે વાતનો (કોંગ્રેસીઓ કે કેટલાક કટ્ટર વિરોધીઓ સિવાય) ભાગ્યે જ કોઇ ઇન્કાર કરશે. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારને મતદારોએ સતત બીજી મુદત માટે શાસનધુરા સોંપી હતી, પરંતુ એ સરકારે છેલ્લા ત્રણેક વર્ષ તો લગભગ અનિર્ણાયક દશામાં જ વીતાવ્યા. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની આ મોરચા સરકાર પાસે બહુમતી હોવા છતાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ હતી. કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી જેવો ઘાટ હતો. મોરચા સરકારમાં સામેલ પક્ષો દેશનું કલ્યાણ કરવાના બદલે ‘આત્મ’કલ્યાણ કરવાના કામે લાગ્યા હતા. (કદાચ તેમને સમજાઇ ગયું હતું કે લોકો હવે ત્રીજી મુદત માટે તો ચાન્સ નથી જ આપવાના એટલે જેટલું ઘરભેગું થાય એટલું કરી લો, બાપલ્યા), દર થોડાક દિવસે નવા નવા કૌભાંડોનો પર્દાફાશ થતો હતો.
લોકોને કલ્પના પણ ન કરી હોય તેવા કૌભાંડો વિશે જાણવા-સમજવા મળ્યું! કોલ બ્લોક ફાળવણી કૌભાંડ, કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, કેશ-ફોર-વોટ કૌભાંડ, હેલિકોપ્ટર ખરીદી કૌભાંડ, ટેટ્રા ટ્રક કૌભાંડ, ટુ-જી સ્પેક્ટ્રમ ફાળવણીનું કૌભાંડ, આદર્શ હાઉસિંગ કૌભાંડ... લાંબી યાદી થાય તેમ છે. આ ભ્રષ્ટાચારનો સરવાળો માંડો તો આંકડો લાખો કરોડો રૂપિયામાં પહોંચે છે. ‘રિમોટ સંચાલિત’ મનમોહન સિંહ ચૂપચાપ બધું જોતા રહ્યા. આ તો ભલું થજો કે દેશના ન્યાયતંત્રનું કે તેમણે આરોપીઓને કઠેડામાં ઉભા કરી દીધા.
વાચક મિત્રો, નરેન્દ્ર મોદી દેશને વિકાસના પંથે લઇ જઇ રહ્યા છે કે નહીં તે વાતે કદાચ બે-મત હોય શકે, પણ એટલું તો સહુ કોઇ સ્વીકારશે જ કે લગભગ ૨૩ મહિનાના તેમના શાસનકાળ દરમિયાન સરકારને ભ્રષ્ટાચારની નાની ટીલડી પણ લાગી નથી. વિરોધ પક્ષ છાશવારે દેકારો કરતો રહે છે, પણ તેમની વાતમાં ભાગ્યે જ કોઇ દમ હોય છે એ તો હવે લોકોને પણ સમજાઇ રહ્યું છે.
વિરોધ પક્ષનો એક આક્ષેપ એવો છે કે મોદી સરકાર વિશ્વના અન્ય દેશો સાથેના સંબંધો મજબૂત કરવાના નામે આપણા હિતોની ઉપેક્ષા કરી રહ્યા છે. પરંતુ આ વિપક્ષી નેતાઓ એ વાત કેમ ભૂલી જાય છે કે આર્થિક મુદ્દો હોય કે સંરક્ષણ સંબંધિત બાબતો, અન્ય દેશો સાથેના સંબંધો હંમેશા અન્યોન્યના લાભાલાભ પર જ સ્થપાતા, રચાતા હોય છે. જેવી જેની ગરજ તેવો સોદો થાય. કોઇ વખત આપણો હાથ ઉપર હોય તો ક્યારેક સામે વાળાનો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના કેટલાય દેશોનો પ્રવાસ કર્યો અને સમજૂતી કરારો કર્યા છે. તો કેટલાક કરારો ઘરઆંગણે આવેલા નેતાઓ સાથે પણ કર્યા છે.
આપણે તાજેતરમાં ભારતે અમેરિકા સાથે કરેલા સૌથી છેલ્લા ‘બહુચર્ચિત’ કરારની જ વાત કરીએ. આ કરાર સુરક્ષા સંબંધિત છે. અમેરિકા વિશ્વનો એકમાત્ર સુપર પાવર દેશ હોવાની વાત નિર્વિવાદ છે. આમ છતાં પણ તે ભારત સાથે ગાઢ મિત્રતા માટે તત્પરતા દેખાડી રહ્યો છે એ તો હકીકત છેને? ગયા સપ્તાહે અમેરિકાના સંરક્ષણ પ્રધાન એશ્ટન કાર્ટર ભારત પ્રવાસે ગયા હતા. આ વેળા થયેલી સમજૂતીનું મુખ્ય હાર્દ એ છે કે ભારત-અમેરિકા બન્ને એકબીજાનાં લશ્કરી મથકોનો ઉપયોગ કરી શકશે. બન્ને દેશો એકમેકના મથકો પર વિમાનો અને યુદ્ધ જહાજોને તૈનાત કરી શકશે. આ સ્થળોએ ઉપલબ્ધ સૈન્ય સામગ્રીથી માંડીને ફ્યુલ રિફિલિંગ સહિતની તમામ સુવિધાનો લાભ લઇ શકશે. આ ઉપરાંત બન્ને દેશના નૌકાદળો વચ્ચે સહયોગ સાધવા સહિતની બાબતો સામેલ છે.
છેલ્લા કેટલાક વર્ષોથી અદ્ધરતાલ રહેલો આ દ્વિપક્ષીય કરાર કરવામાં નરેન્દ્ર મોદી સફળ રહ્યા છે ત્યારે ‘સંઘમુક્ત’ ભારતનો નારો આપી રહેલા વિરોધ પક્ષને તેઓ આંખમાં કણાની જેમ ખૂંચવાના જ. ભૂતકાળમાં જેમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે પડોશી પ્રદેશો સાથે સુલેહસમજૂતી સાધીને સ્વ-રાજ્યનો પ્રસાર કર્યો હતો તે જ નિયમને આધુનિક વિશ્વના દેશો અનુસરી રહ્યા છે. ભારત પણ વિશ્વના અન્ય દેશો સાથે સહકાર વધારે તો આમાં ખોટું શું છે? આજે વિશ્વતખતે જે માહોલ આકાર લઇ રહ્યો છે તેમાં આગવું અસ્તિત્વ ટકાવી રાખવા, વિકાસ હાંસલ કરવા માટે સબળા રાષ્ટ્રો સાથે સહયોગ આવશ્યક નહીં, અનિવાર્ય થઇ પડ્યો છે. અને અહીં તો વિશ્વના સુપર પાવર દેશ સાથે હાથ મિલાવવાની વાત છે.
ભારતને સંરક્ષણ ક્ષેત્રે ઉભરી રહેલા પડકારોને નજરઅંદાજ કરવાનું સ્હેજ પણ પાલવે તેમ નથી. ચીન ભારતનું મિત્ર ક્યારે હતું નહીં, અને બનવાનું પણ નથી. તેને કોઇ પણ સંજોગોમાં ભારતનો વિકાસ સ્વીકાર્ય નહીં જ હોય. પાકિસ્તાન છેલ્લા ૬૮ વર્ષથી ભારતને હંફાવવા પ્રયત્નશીલ છે. સરહદી ક્ષેત્રમાં અંધાધૂંધ તોપમારો અને ગોળીબાર, પ્રોક્સી વોર, પોતાની જ ધરતી પર ભારતવિરોધી આતંકવાદને ઉત્તેજન... ભારતને હેરાન કરવાની એકેય તક તે છોડતું નથી. ૧૯૪૮માં કાશ્મીર મુદ્દે યુદ્ધ કર્યું, ’૬૫માં ફરી જંગ છેડ્યો, ’૭૧ના યુદ્ધે બાંગ્લાદેશને જન્મ આપ્યો. આ પછી કારગિલ યુદ્ધ. આ બધામાં એક યા બીજા સમયે સોવિયેત રશિયાએ ભારતને અડીખમ સહયોગ આપ્યો હતો. ચીન ત્યારે પણ પાકિસ્તાનની પડખે હતું, અને આજે પણ છે. તે વેળા અમેરિકા અને બ્રિટન જેવા દેશો એક પ્રકારે ભારત પ્રત્યે સૂગ ધરાવતા હતા. આજે સમય બદલાયો છે. ભારત આર્થિક ક્ષેત્રે મહાસત્તા બનીને બનીને ઉભરી રહ્યું છે ત્યારે અમેરિકા જેવા સુપર પાવર દેશથી માંડીને અંગોલા જેવા ખોબા જેવડા દેશને ભારતની ઉપેક્ષા કરવાનું પાલવે તેમ નથી. નરેન્દ્ર મોદી આ અવસરને પારખી શક્યા છે, અને સમયને અનુરૂપ વર્તીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું સ્થાન મજબૂત બનાવવા દિવસ-રાત એક કરી રહ્યા હોવાનું જોઇ શકાય છે.
મેઇક ઇન ઇંડિયાને નરેન્દ્ર મોદીના આ પ્રયાસોની જ ફળશ્રુતિ માનવી રહી. તેઓ આ ઝૂંબેશ તળે સંરક્ષણ ક્ષેત્રે અસ્ત્ર-શસ્ત્રથી માંડીને લશ્કરી સરંજામના નિર્માણમાં સ્વાવલંબનને વિશેષ મહત્ત્વ આપી રહ્યા છે.
અહીં આપેલા આંકડાઓ પર નજર ફેરવશો તો જણાશે કે ભારત છેલ્લા દસ વર્ષથી સતત વિશેષ પ્રકારના શસ્ત્ર-સરંજામની ખરીદીમાં સૌથી મોખરે છે. આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા દસકામાં શસ્ત્ર-સરંજામની આયાતમાં ભારતે ચીન કરતાં બમણાં નાણાં ખર્ચ્યા છે. ભારતે દસ વર્ષમાં લગભગ ૪૦ બિલિયન ડોલરના શસ્ત્ર-સરંજામની આયાત કરી છે તો ચીને ૨૦ બિલિયન ડોલર કરતાં પણ ઓછા મૂલ્યની લશ્કરી સામગ્રી આયાત કરી છે. જ્યારે સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમિરાત અને સાઉથ કોરિયાએ શસ્ત્રોની આયાત માટે લગભગ ૧૫-૧૫ બિલિયન ડોલર ખર્ચ્યા છે.
આ આંકડાઓ વાંચતા જ મિત્રો આપને સમજાઇ ગયું હશે કે જો આ જ લશ્કરી સરંજામ ભારતમાં બને તો લાખ્ખો લોકોને રોજગારી મળે, સ્કીલ્ડ જોબની તકમાં વધારો થાય, સ્વાવલંબન વધે અને વિદેશી હૂંડિયામણની તિજોરીને ‘ઘસારો’ પણ ઓછો લાગે. આમ, મેઇક ઇન ઇંડિયાની સફળતા ભારતને સાર્વત્રિક સફળતાના પંથે દોરી જવા સક્ષમ છે.
લેકિન, કિન્તુ, પરંતુ... કોંગ્રેસે મેઇક ઇન ઇંડિયા સામે કાગારોળ મચાવી છે. તેમના મતે આ તો નરેન્દ્ર મોદીના દિમાગનો તુક્કો છે... આનાથી દેશને કોઇ ફાયદો થવાનો નથી વગેરે. કોંગ્રેસ કરવા ખાતર વિરોધ તો કરે છે, પણ તેનો આ વિરોધ ફોગટ છે. કોંગ્રેસ સહિતનો વિરોધ પક્ષ ભાજપ, નરેન્દ્ર મોદી અને સરકારના વિરોધ માટે જે પ્રકારના તૂત કરે છે તે જોઇને એક ભારતીય તરીકે હસવું કે રડવું તે જ મને તો સમજાતું નથી.
સોશ્યલ મીડિયાનો (વરવો) ઉપયોગ
એક અસરકારક સંદેશ પળભરમાં વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવા માટે સોશ્યલ મીડિયા એક બળકટ સાધન ગણાય છે. પરંતુ વિરોધ પક્ષ આનો કેવો દુરુપયોગ કરે છે તે સમજવું હોય તો આ લેખ સાથેની તસવીર જૂઓ. મોદી કોઇ સમયે તેમના સિનિયર અને પક્ષના મોભી લાલ કૃષ્ણ અડવાણીને ઝૂકીને પગે લાગ્યા હતા તે તસવીરમાં કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી છેડછાડ કરીને અડવાણીના સ્થાને સાઉદી અરેબિયાના શાસક કિંગની તસવીર મૂકી દેવામાં આવી છે. આ પછી એવી ટિપ્પણી કરવામાં આવી છે કે મોદી સાઉદી અરેબિયા ગયા ત્યારે શાસક સામે નતમસ્તક થઇ ગયા હતા.
વાચક મિત્રો, ખરેખર આવું દુષ્કૃત્ય આચરનાર ભારતીયની માનસિક્તા પર મને દયા આવે છે. આ તસવીર સાથે ચેડાં કરનાર વ્યક્તિ ભલે એવા મદમાં રાચે કે તેણે નરેન્દ્ર મોદીને નીચાજોણું કરાવ્યું છે, પણ ખરેખર તો તેણે ભારતને નીચાજોણું કરાવ્યું છે. આવું કૃત્ય કરીને તેણે ભારત જેવા વિશ્વના સૌથી મોટા લોકતંત્રના વડા પ્રધાન પદની ગરિમાના લીરા ઉડાવ્યા છે. શાસક અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ તો દુનિયાના બધા દેશોમાં ચાલતી હોય છે, પરંતુ આટલી નીચી હદે તો કોઇ નહીં ઉતરતું હોય. ખેર, આ ભારત વર્ષની કમનસીબી જ છે કે રાષ્ટ્રહિતની બાબતમાં આપણે ખૂબ ઊણાં ઉતર્યા છીએ.
ભારતે અન્ય દેશ પર ક્યારેય હુમલો કર્યો નથી. આથી ઉલ્ટું દુશ્મન દેશો તક મળ્યે હુમલો કરવાનો કે ઘુસણખોરી કરવાનો મોકો ચૂક્યા નથી. બાહ્ય આક્રમળ વેળા ભારત નબળું પડ્યું હોય તો તે આક્રમણખોર દેશની તાકાતના લીધે નહીં, ઘરનાં જ ઘાતકી દુશ્મનોના લીધે પાછું પડ્યું છે. અફસોસજનક બાબત તો એ છે કે છેલ્લા થોડાક સમયમાં આ કામ રાષ્ટ્રપ્રેમ માટે જાણીતા સંઘ પરિવાર સાથે સંકળાયેલા કેટલાક ઘટકો જ કરી રહ્યા છે. આ ઘટકો દ્વારા છાશવારે બિનજવાબદાર અને ઉશ્કેરણીજનક નિવેદનો થઇ રહ્યા છે. સરવાળે વિરોધ પક્ષને સંસદ ગૃહમાં ધાંધલધમાલ કરવાનો જાણે પરવાનો મળી જાય છે અને મંજૂરીની રાહ જોઇ રહેલા ખરડાઓ ટલ્લે ચઢી જાય છે. નજીકના ભૂતકાળમાં જ પૂરા થયેલા સંસદના ઉનાળુ સત્રની કામગીરી પર નજર ફેરવી લેજો. તમને સમજાઇ જશે કે કેટલું કામ થયું છે ને કેટલો હંગામો થયો છે.
અસહિષ્ણુતાના નામે ચરી ખાતા લોકોને આદર સહ...
સૈકાઓથી વિવિધતામાં એકતાને સાકાર કરતા રહેલા ભારતમાં છેલ્લા થોડાક સમયથી અસહિષ્ણુતાના નામે ડિંડવાણું ચાલ્યું છે. હિન્દુ સમુદાયની બહુમતી છતાં જે દેશમાં બહુવિધ ધર્મ-ભાષા-સંસ્કૃતિનું પાલન-પોષણ થઇ રહ્યું છે તે ભારત માટે એવો દુષ્પ્રચાર થઇ રહ્યો છે કે આ દેશમાં મત-ભેદનો હરફ પણ ઉચ્ચારી શકાતો નથી. જેની પત્નીનું નામ કિરણ રાવ છે (મતલબ કે હિન્દુ છે) તે બોલિવૂડ સ્ટાર આમિર ખાન કહે છે કે આ દેશમાં અસહિષ્ણુતાનો એવો માહોલ પ્રવર્તે છે કે એક સમયે કોઇ અન્ય દેશમાં જઇ વસવાનો વિચાર આવી ગયો હતો! જ્યારે હિન્દી ફિલ્મોના ‘કિંગ ખાન’ તરીકેની ઓળખ ધરાવતા શાહરુખ ખાનને લાગે છે કે આ દેશના લોકોમાં સહિષ્ણુતા ઘટી રહી છે.
આ બન્ને ખાનને એક જ પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે તમે બન્ને જાહેરમાં આવો બફાટ કરો છો છતાં તમારી ફિલ્મો નિહાળવા ઉમટતા દર્શકોની સંખ્યામાં બહુમતી હિન્દુઓ હોય છે. શું આ તેમની સહિષ્ણુતા નથી?! શું તમે પાકિસ્તાન કે સાઉદી અરેબિયા જેવા મુસ્લિમ દેશમાં વસતાં હોત તો આ પ્રકારે દેશવિરોધી જાહેર નિવેદન કરવાની હિંમત કરી શક્યા હોત ખરા?! અરે, આવો વિચાર કરતાં પણ શરીરમાં ભયનું લખલખું પસાર થઇ ગયું હોત.
આમિર ખાન અને શાહરુખ ખાન બન્ને અભિનેતાઓએ યાદ રાખવાની જરૂર છે કે ભારતીય મુસ્લિમો ભારતમાં રહીને જેટલી આઝાદી, વાણીસ્વાતંત્ર્ય ધરાવે છે તેટલી આઝાદી કે વાણીસ્વાતંત્ર્ય તેઓ મુસ્લિમ રાષ્ટ્રોમાં પણ ધરાવતા નથી. આમિર અને શાહરુખે એ પણ ન ભૂલવું જોઇએ કે આ દેશની આઝાદીમાં જે લોહી હિન્દુઓનું વહ્યું છે એવું જ લોહી મુસ્લિમોએ પણ વહાવ્યું છે. ભારતીયોએ હિન્દુઓના શહિદીને બિરદાવી છે એટલા જ ભાવપૂર્વક મુસ્લિમોના બલિદાનને પણ માથે ચઢાવ્યું છે. દેશના વિવિધ ક્ષેત્રે મુસ્લિમ મહાનુભાવોનું કેટલું પ્રદાન છે તેની એક ઝાંખી આ કોલમમાં અગાઉ આપ વાંચી જ ચૂક્યા છો.
આ કલાકારો જેવી સંકુચિત માનસિક્તા ધરાવતા, સહિષ્ણુતાના નામે દેશની એકતા-અખંડિતતાને કલંકિત કરનારા લોકો માટે આ સાથે જયપુરના કવિ અબ્દુલ ગફાર રચના રજૂ કરી રહ્યો છું. આપ સહુ વાંચજો, અને વિચારજો.
અને હા, મારી આ બધી વાતોમાં રતિભાર પણ શંકા જણાતી હોય તો જમિયત-ઉલેમા-એ-હિન્દના વડા મૌલાના મહમૂદ મદનીના આ શબ્દો જ વાંચી લોઃ ‘હું એક જ વાત કહેવા માગું છુંઃ ભારતીય મુસ્લિમો માટે જીવવા માટે ભારતથી બહેતર બીજું કોઇ સ્થળ નથી. અમે સંજોગોને વશ થઇને નહીં, ઇચ્છાથી ભારતીય બન્યા છીએ. અમારા વડવાઓ સમક્ષ તે વેળા એ દેશમાં જવાની તક હતી જે આજે ઇસ્લામિક (પાકિસ્તાન) છે, પરંતુ તેમણે એવા દેશમાં રહેવાનું પસંદ કર્યું જે ઇસ્લામિક નહોતો. અમે જાણીએ છીએ કે આ દેશ (ભારત) મુસ્લિમ દેશ બનવાનો નથી, આમ છતાં પણ અમે ભારતમાં જ રહેવાનું પસંદ કરીએ છીએ. આ અમારો દેશ છે અને અમે તેના નાગરિક છીએ. અને અમારા માટે ભારત કરતાં વધુ સારું કોઇ સ્થળ છે જ નહીં.’
અંતમાં એટલું જ જરૂર કહી શકું કે વ્યક્તિ સમાજ કે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે, તેની આન-બાન-શાનના જતન માટે સમાન હિતો ધરાવતા દેશ કે સંગઠન સાથે સહયોગ સાધવો અનિવાર્ય છે. ભારતમાં આંતરિક કે વિદેશી નીતિ બાબત આ સરકાર જે પ્રકારે કામ કરી રહી છે તે જોતાં એટલું અવશ્ય કહી શકાય કે,
૧) વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના સર્વાંગી વિકાસ માટે અથાક મહેનત કરી રહ્યા છે.
૨) સરકારની સંડોવણી સાબિત કરતું ભ્રષ્ટાચારનું કોઇ કૌભાંડ બહાર આવ્યું નથી.
૩) દેશમાં છેલ્લા બે વર્ષમાં, અગાઉના વર્ષોની સરખામણીએ, કોમી રમખાણોની ઘટના બહુ જૂજ બની છે.
અને, સૌથી વધુ મહત્ત્વની વાત. દેશના આમ આદમીમાં ઉજળા ભવિષ્યનો પ્રચંડ આશાવાદ પ્રવર્તે છે. દેશની યુવાશક્તિમાં, દેશ-વિદેશના મૂડીરોકાણકારોમાં ભારત વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું હોવાનો વિશ્વાસ ઝળકી રહ્યો છે. ભારતની છેલ્લા કેટલાક વર્ષોની વહીવટી સુસજ્જતાની, શાસનપદ્ધતિની સરખામણી કરશો તો તમને જણાશે કે મોદી સરકાર વધુ સક્રિયતા અને વધુ સુસજ્જતાની સાથોસાથ દૃઢ આત્મવિશ્વાસ અને નક્કર પ્રતિબદ્ધતા સાથે દેશને વિકાસપથ પર દોરી રહી છે.
અચ્છે દિન આને વાલે હૈ... ભાવિના ગર્ભમાં રોપાયેલા આશા-અરમાનના આ બીજને કૂંપણ ફૂટી રહી છે. જો તેનું મહેનત - નિષ્ઠા ને પ્રમાણિક્તાના ખેડ-ખાતર ને પાણી વડે સિંચન થતું રહ્યું તો (અચ્છે દિનના) આ બીજને વટવૃક્ષ બનીને વિસ્તરતા વિશ્વની કોઇ તાકાત રોકી શકશે નહીં. (ક્રમશઃ)
•••
શાહરુખ ખાને વધી રહેલી અસહિષ્ણુતા મુદ્દે કરેલા ભાષણ પર જયપુરના કવિ અબ્દુલ ગફારની નવી રચના
સુન સુન ઓ શાહરુખ ખાન,
અબ કાન ખોલકર સુન લે તુ,
તુમકો શાયદ ઈસ હરકત પે શરમ નહીં હૈ આને કી,
તુમને હિંમત કૈસે કી જોખીમ મેં હમે બતાને કી
શસ્ય શ્યામલા ઈસ ધરતી કે જૈસા જગ મેં ઔર નહીં
ભારત માતા કી ગોદી સે પ્યાર કોઈ ઠોર નહીં
ઘર સે બાહર જરા નિકલ કે અકલ ખુજાકર કે પુછો
હમ કિતને હૈ યહાં સુરક્ષિત, હમ સે આકર કે પૂછો
પૂછો હમ સે ગૈર મુલ્ક મેં મુસ્લિમ કૈસે જીતે હૈ
પાક, સિરીયા, ફિલિસ્ટાઈન મેં ખૂન કે આંસુ પીતે હૈ
લેબનોન, ટર્કી, ઈરાક મેં ભીષણ હાહાકાર હુએ
અલ બગદાદી કે હાથો મસ્જિદ મેં નરસંહાર હુએ
ઈઝરાયલ કી ગલ ગલી મેં મુસ્લિમ મારા જાતા હૈ
અફઘાની સડકો પર જીંદા શીશ ઉતારા જાતા હૈ
યહી સિર્ફ વહ દેશ જહાં સિર ગૌરવ સે તન જાતા હૈ
યહી મુલ્ક હૈ જહાં મુસલમાન રાષ્ટ્રપતિ બન જાતા હૈ
ઈસકી આઝાદી કે ખાતિર હમ ભી સબ કુછ ભૂલે થે
હમ હી અશફાકુલ્લા બન ફાંસી કે ફંદે ઝુલે થે
હમને હી અંગ્રેજો કી લાશોં સે ધરા પટા દી થી
ખાન અજીમુલ્લા બન કે લંડન કો ધૂલ ચટા દી થી
બ્રિગેડિયર ઉસ્માન અલી એક શોલા થે, અંગારે થે
ઉસને સિર્ફ અકેલે ને સૌ પાકિસ્તાની મારે થે
હવલદાર અબ્દુલ હમીદ બેખૌફ રહે આઘાતો સેં
જાન ગઈ પર નહીં છૂટને દિયા તિરંગા હાથોં સે
કરગિલ મેં ભી હમને ભી બનકે હનીફ હુંકારા થા
વહાં મુશર્રફ કે ચૂહોં કો ખેંચ ખેંચ કે મારા થા
મિટે મગર મરતે દમ તક હમ મેં જીંદા ઈમાન રહા
હોઠોં પે કલમા રસૂલ કા દિલ મેં હિંદુસ્તાન રહા
ઈસી લિયે કહતા હૂં તુજસે, યું ભડકાના બંધ કરો
જાકર અપની ફિલ્મ કર લો, હમેં લડાના બંધ કરો
બંધ કરો નફરત કી સ્યાહી સે લિખ્ખી પર્ચેબાજી
બંધ કરો ઈસ હંગામે કો, બંધ કરો યે લફ્ફાજી
યહાં સભી કો રાષ્ટ્રવાદ કે ધારે મેં બહના હોગા
ભારત મેં ભારત માતા કા બનકર હી રહના હોગા
ભારત માતા કી બોલી ભાષા સે જિનકો પ્યાર નહીં
ઉનકો ભારત મેં રહને કા કોઈ ભી અધિકાર નહીં
•••

