એક વિચિત્ર ઘટનામાં ત્રણ વર્ષના બાળક સામે અન્ય બાળકોનાં જાતીય શોષણનો ગંભીર આરોપ લગાવાયો છે. આ બાળક અન્ય બે બાળકો સાથે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં સામેલ થયો હોવાના આરોપો પછી પોલીસે તે અંગે તપાસ શરૂ કરી છે. રસપ્રદ બાબત એ છે કે આ ત્રણ વર્ષના બાળક સામે જે અન્ય બે બાળકોનું જાતીય શોષણ કર્યાનો આરોપ છે તે બંને ક્રમશ: પાંચ અને સાત વર્ષની વયના છે.એક અભ્યાસ અનુસાર યુકેમાં આવા કિસ્સા વધ્યા છે. આ સંદર્ભે પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૫માં ૧૦૪૭ બાળકોની પૂછપરછ કરાઈ હતી.
• સુગરની મગજ પર કોકેન જેવી જ અસર
ખાંડ મગજ પર કોકેન જેવી જ અસર કરતી હોવાથી તેની આદતવાળા લોકોને ડ્રગ લેતા લોકોને જે સારવાર અપાય છે તેવી જ સારવાર આપવાની માગણી કરાઈ છે. ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના સંશોધકો અનુસાર વધુ પડતી ખાંડ લેવાથી મગજમાં ડોપામાઈનનું પ્રમાણ વધે છે. પરંતુ, લાંબા ગાળા પછી આ પ્રમાણ ઘટી જાય છે. ડિપ્રેશનના ભોગ ન બનવું પડે તે માટે લોકોને વધુ પ્રમાણમાં ખાંડ લેવી પડે છે, જેથી વજન પણ વધે છે. સુક્રોઝ વધુ લેવાથી વ્યક્તિની ટેવોમાં ફેરફાર થાય છે અને ઈટીંગ ડિસઓર્ડરનો ભોગ બને છે.
• લો બોલો, સિગારેટના ધૂમાડાથી પણ ટીવી બગડે...
વાંચીને નવાઈ લાગશે. પણ આ હકીકત છે. ડરહામના સિહામમાં રહેતા દંપતી થોમસ ડેફ્ટી અને ડેનિસ હેડે ૨૦૧૨માં પાંચ વર્ષના વોરંટી કવર સાથે ૪૨ ઈંચનું ફ્લેટ સ્ક્રીન ટીવી ૮૦૦ પાઉન્ડમાં ખરીદ્યું હતું. આ દંપતી ઘરે રોજની ૨૦ સિગારેટ પીતું હતું. થોડા સમય પછી ટીવીમાં કાળા શેડ પડવા લાગતા કંપનીમાં ફરિયાદ કરાતાં નિકોટીનને લીધે ટીવીને નુક્સાન થયું હોવાનું તપાસમાં જણાયું હતું. કંપનીએ આ કારણ વોરંટીમાં કવર થતું ન હોવાનું જણાવીને ટીવી બદલી આપવાની દંપતીની વાતને નકારી કાઢી હતી.
• હલ કાઉન્સિલ ગંદાબિન જપ્ત કરશે
હલ સિટી કાઉન્સિલે કચરાના ડબામાં રિસાયકલ થઈ શકે તેવી વસ્તુઓ અથવા જૂના ટીન અને બોટલો ધોયા વિના મૂકતા પરિવારોને તેમના બિન ખાલી નહીં કરી આપવાની અને કચરો એકઠો નહી કરવાની ચેતવણી આપી છે. આ પરિવારોને અવેરનેસ કોર્સ પણ કરાવવામાં આવી શકે. લોકોની આ ટેવને લીધે કાઉન્સિલને રિસાયકલીંગ પાછળ દર મહિને વધારાનો ૫૦,૦૦૦ પાઉન્ડ ખર્ચ કરવો પડે છે. કાઉન્સિલે ગત છ મહિનામાં ચેતવણીના ૧૬,૦૦૦ પત્રો મોકલ્યા હતા અને તે ૨૧૫૦ બ્લુ રિસાયકલિંગ બિન જપ્ત કરવા વિચારે છે.
• રનર પાસેથી રકમ વસૂલતી વિશ્વની પ્રથમ કાઉન્સિલ
બ્રિસ્ટલ નજીકના લીટલ સ્ટોક પાર્કમાં સ્વૈચ્છિક સંસ્થા ‘પાર્કરન યુકે’ દ્વારા વીક એન્ડમાં યોજાતી ફન રન માટે સ્ટોક ગિફોર્ડ પેરિશ કાઉન્સિલે દરેક રનર પાસેથી ૧ પાઉન્ડનો ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. તે પાર્કમાં રસ્તાના મેન્ટેનન્સ માટે આવો ચાર્જ લેનારી વિશ્વની પ્રથમ કાઉન્સિલ બની છે. આ દોડમાં ૩૦૦ જેટલાં લોકો અને બાળકો ભાગ લે છે. ઓછાં સક્રિય લોકોને દોડમાં ભાગ લેવા અને તેમને નિયમિત કસરત માટે પ્રોત્સાહિત કરવા સંસ્થા દ્વારા ૧૨ દેશોમાં તમામ લોકો માટે ખુલ્લી અને વિનામૂલ્યે ૮૫૦ દોડનુ આયોજન કરાય છે.
• મધર ટેરેસા મરણોપરાંત બ્રિટિશ ફાઉન્ડર્સ એવોર્ડથી સન્માનિત
દયા અને મદદ માટે યાદ કરાતાં મધર ટેરેસાને આ વર્ષે બ્રિટિશ ફાઉન્ડર્સ એવોર્ડથી સન્માનિત કરાયાં છે. આ સન્માન વૈશ્વિક એશિયન સમુદાયના લોકોને સિદ્ધિઓ બદલ પુરસ્કૃત કરે છે. અગાઉ, મધર ટેરેસાને ડિસેમ્બર ૨૦૧૫માં સંતની ઉપાધિથી નવાજાયાં હતાં. તેમણે મિશનરીઝ અને ચેરિટીની સ્થાપના કરી ભારતમાં ૪૫ વર્ષ સુધી ગરીબો, બીમારો અને અનાથોની મદદ કરી છે. ફાઉન્ડર્સ એવોર્ડ વેપાર, પરોપકાર, મનોરંજન અને રમત સહિત ૧૪ શ્રેણીમાં અપાય છે.
• રેલવેના પાટા ઉપર કાર ચલાવનાર સૈનિકને સજા
બ્રિટનમાં પૂર્વ સૈનિક જ્હોનાથન માધરને રેલવેના પાટા ઉપર કાર ચલાવી ૪૦ જેટલા લોકોના જીવ જોખમમાં મૂકવાના આરોપસર ૫૬ મહિના કેદની સજા કરાઈ છે. આ ઉપરાંત, અપ્રામાણિકતા દાખવવા બદલ વધારાની ૧૨ મહિનાની સજા પણ થઈ હતી. તેણે ગત ૨૦મી જુલાઈએ કાર સ્ટેફોર્ડશાયરના ક્લેમિલ્સ લેવલ ક્રોસિંગ ઉપર દોડાવી હતી. આ ઘટનામાં ૫૦,૦૦૦ પાઉન્ડનું નુકસાન થયું છે. પૂરપાટ ઝડપે દોડતી કાર સાથે ટ્રેન અથડાવાથી અંદાજે 40 લોકોનાં જીવ જોખમમાં મૂકાયા હતા. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરાયા હતા.
• કૂતરાંઓને માઈક્રોચિપ લગાવવી ફરજિયાત
ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં હવે આઠ સપ્તાહ કે તેથી વધુ વયનાં પાલતુ કૂતરાંને ફરજિયાતપણે માઈક્રોચીપ લગાવવી પડશે. માઈક્રોચિપ નહીં લગાવી હોય તો ૫૦૦ પાઉન્ડ સુધીનો દંડ થઈ શકે છે. ચિપ લગાવવા માટે કૂતરાંના માલિકોને ૨૧ દિવસનો સમય અપાયો છે. રસ્તે રખડતાં કૂતરાંને અંકુશમાં લેવા માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું હતું કે યુકેમાં અંદાજે દસ લાખ કૂતરાંને હજુ સુધી ચિપ લગાવાઈ નથી. આંકડાઓ અનુસાર દર આઠમાંથી એક કૂતરાને હજુ ચિપ લગાવવાની બાકી છે.
