ભારતમાં ઓણ સાલ ચોમાસું સારું રહેવાનો વરતારો હવામાન ખાતાનો છે. કૃષિ ક્ષેત્ર આધારિત અર્થતંત્ર ધરાવતા દેશ માટે આ અવશ્ય આનંદના સમાચાર છે, પણ ભારત સરકારને આ આગાહીના આનંદ કરતાં એ ચિંતા વધુ છે કે ચોમાસુ શરૂ થાય ત્યાં સુધીના દિવસો પસાર કરવા કેવી રીતે? એક તરફ, દેશમાં કાળઝાલ ગરમીનું મોજું ફરી વળ્યું છે તો બીજી તરફ, દુકાળના ડાકલા વાગી રહ્યા છે. ચોમાસુ બે મહિના દૂર છે. આ કપરા સમયનો સામનો કરવામાં સરકારનું પાણી મપાઇ જવાનું છે. દેશના મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગણમાં દુકાળની અસર જોવા મળી રહી છે.
જોકે સૌથી વધુ ચર્ચા છે મહારાષ્ટ્રની, સવિશેષ તો તેના લાતુર વિસ્તારની. લાતુરમાં જળસંકટ એટલું ગંભીર છે કે પાણી માટે તોફાનો થતાં અટકાવવા સરકારને ૧૪૪મી કલમ લાગુ કરવી પડી છે. આ કલમ અંતર્ગત એક જ સ્થળે ચારથી વધુ વ્યક્તિ એકત્ર થઇ શકતી નથી. કૂવા સહિતના જળસ્રોતો પર પોલીસ પહેરો છે. પાણીપ્રશ્ને દેકારો થતાં મહારાષ્ટ્ર સરકાર મરાઠવાડાના આ અછતગ્રસ્ત પ્રદેશમાં પાણી પહોંચાડવા ખાસ ટ્રેન દોડાવે છે. દેશમાં પહેલી વખત ૧૯૮૬-૮૭ના ભીષણ દુકાળ વખતે, ગુજરાતમાં - ગાંધીનગરથી રાજકોટ - વોટર ટ્રેન દોડાવાઇ હતી. જે લાતુરમાં સર્જનો પાણીના અભાવે સર્જરી ટાળે છે તે મરાઠવાડામાં પાણી પહોંચાડવા સરકાર ટ્રેન દોડાવે રહી છે તો વાસ્તવિક્તા એ પણ છે કે આ જ વિસ્તારમાં બે-ચાર નહીં બાવન ખાંડસરીઓ દિવસરાત ધમધમે છે, જેમાં સૌથી વધુ પાણીનો વપરાય છે. નિષ્ણાતોના મતે, એક કિલો ખાંડના ઉત્પાદનમાં ૨૦૬૮ લિટર પાણી વપરાય છે. મહારાષ્ટ્રનું વાર્ષિક સાકર ઉત્પાદન એક કરોડ ટન છે તે જોતાં ૨૦ લાખ કરોડ લિટર પાણી ખાંડસરીમાં જ વપરાય છે. આઇપીએલ મેચના આયોજન માટે લાખો લિટર પાણી ફાળવવાના નિર્ણયની મુંબઇ હાઇ કોર્ટે ટીકા કર્યા બાદ સરકારે ૩૦ એપ્રિલ પછીની તમામ મેચ રાજ્ય બહાર ખસેડવાનું નક્કી કર્યું છે. ક્રિકેટ મેચોમાં તો ૬૬ લાખ લિટર પાણી વપરાવાનું છે, પરંતુ ખાંડસરીમાં વપરાતા કરોડો લિટર પાણીનું શું?
માત્ર મહારાષ્ટ્ર સરકાર જ નહીં, ભારત સરકાર પણ દુકાળનો સામનો કરવામાં કાચી પડતી જણાય છે. સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજીની સુનાવણીમાં સરકારની ઝાટકતા કહ્યું છે કે, રાજ્યોમાં દુકાળ જાહેર કરવામાં આટલો વિલંબ કેમ થઇ રહ્યો છે? સરકાર એવો બચાવ કર્યો કે દેશમાં સમવાય તંત્ર છે અને રાજ્ય સરકારનાં અહેવાલ બાદ કેન્દ્ર સરકાર નિર્ણય કરતી હોય છે. આ દલીલ સાચી, પણ તેમાં સગવડિયો અભિગમ છે. એક નહીં અનેક પ્રસંગે કેન્દ્ર સરકાર રાજ્ય સંબંધિત નિર્ણયો લેતી જ હોય છે.
ખેર, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, ભારતમાં વોટર મેનેજમેન્ટ અમલી બન્યું જ નથી. ‘જલપુરુષ’ તરીકે જાણીતા રાજસ્થાનના રાજેન્દ્ર સિંહ કહે છે કે આપણી પાસે રિઝર્વ્ડ પોલીસ છે, રિઝર્વ્ડ આર્મી છે પણ રિઝર્વ્ડ પાણી નથી. મહારાષ્ટ્રમાં ગયા વર્ષે ૩૨૨૮ ખેડૂતોએ આપઘાત કર્યો. મતલબ કે રોજ ત્રણ ખેડૂતે જીવન ટૂંકાવ્યા. પાણીની તંગી, પાક નિષ્ફળ જવો, ખેતપેદાશના અપૂરતા ભાવ જેવા કારણોએ તેમને જિંદગીનો અંત આણવા પ્રેર્યા છે. આઝાદીના આટલા વર્ષો બાદ શાસકો પીવાના કે સિંચાઈના પાણીની વ્યવસ્થા કરી શક્યા નથી તેને કમનસીબી જ ગણવી રહી. દેશમાં દસ ટકા વધુ વરસાદ પડે છે તો પૂર આવે છે અને દસ ટકા ઓછો વરસાદ પડે છે તો દુકાળના ઓળા ઉતરી પડે છે. એ વિષમતા અટકવી જ જોઈએ.
રાજસ્થાનમાં તો રાજેન્દ્ર સિંહે જળસંચય દ્વારા નિર્જીવ નદીઓને ફરી ખળખળ વહેતી કરી છે. અન્ય રાજ્યોમાં પણ આવા પ્રયોગો થયા છે, પણ છૂટકમૂટક. પાણીપ્રશ્ને પ્રજા વચ્ચે તો ટંટા-ફિસાદ થાય જ છે, બે રાજ્યો વચ્ચે પણ ખેંચતાણ છે. ઉત્તર ભારતમાં પંજાબ-હરિયાણા વચ્ચે જ્યારે દક્ષિણમાં તામિલનાડુ-કર્ણાટક વચ્ચે જળવહેંચણીના મુદ્દે વર્ષોથી વિખવાદ ચાલે છે.
દેશના ભાગ્યે જ કોઈ ડેમમાં પૂરતું પાણી છે. જો આમને આમ ચાલતું રહ્યું તો એક સમય એવો આવશે કે દુકાળ વેળા પાણી માટે રમખાણો ફાટી નીકળશે. જેમ તાલી એક હાથે ન વાગે તેમ જળસંચયનું કામ પણ એકલા હાથે સરકાર માટે શક્ય નથી. લોકોએ પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરતા શીખવું પડશે તો સરકારે પણ તેની ફરજ કાર્યદક્ષતાથી બજાવવી પડશે.
ગુજરાતની જ વાત કરીએ. નર્મદા યોજનાની પેટા-કેનાલના કામ વર્ષોથી અધૂરા છે. સૌરાષ્ટ્ર અને કચ્છને નર્મદાના પાણી સિવાય કોઈ આરોવારો નથી તે સંજોગોમાં જો આ નહેરનું નેટવર્ક તૈયાર થઇ જાય તો પાણીની સમસ્યા ઘણા અંશે હલ થઇ જાય તેમ છે. આજે સૌરાષ્ટ્રમાં રાજકોટને બાદ કરતાં ભાગ્યે જ કોઇ શહેર કે નગરમાં લોકોને દરરોજ પાણી મળે છે. ક્યાંક એકાંતરે તો ક્યાંક અઠવાડિયે પાણી મળે છે. સૌરાષ્ટ્રમાં ૫૮૭ ગામોને અર્ધઅછતગ્રસ્ત અને કચ્છમાં ૩૦૧ ગામોને અર્ધઅછતગ્રસ્ત જાહેર કરાયા છે. આ સ્થિતિનો કાયમી ઉકેલ લાવવાનો એકમાત્ર ઉકેલ નર્મદાની પેટા-કેનાલ છે. સરકારે આવશ્યક પગલાં લેવા રહ્યાં. જળ એ જ જીવન છે એવું બોલવાથી પાણીની સમસ્યા નહીં ઉકેલાય જાય, આ માટે તો સહુએ સાથે મળીને પ્રયાસ કરવા પડશે.
