બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે જનતા દળ (યુનાઇટેડ)નું નેતૃત્વ સંભાળવાની સાથે જ રાષ્ટ્રીય રાજનીતિમાં પગરણ માંડ્યા છે. બિહારની ચૂંટણીમાં શાનદાર વિજય સાથે ભાજપવિરોધી મોરચાના કેન્દ્રસ્થાને આવી ગયેલા નીતિશ કુમારની નજર હવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ પર છે. બિહારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે રચાયેલા મહાગઠબંધનનો ચહેરો નીતિશ હતા. એક સમયના કટ્ટરવિરોધી લાલુ પણ તેમની સાથે હતા. પરિણામ સમયે નીતિશ બળૂકા નેતા તરીકે ઉભરી આવ્યા. સ્પષ્ટ છે કે જનતા દળ (યુ) હવે આ વિજયને રાષ્ટ્રફલક પર વિસ્તારવા માગે છે. અને આ માટે નીતિશથી વધુ યોગ્ય કોણ હોય શકે? શરદ યાદવે સ્વેચ્છાએ પ્રમુખપદ છોડીને નીતિશનો માર્ગ આસાન બનાવ્યો છે. પક્ષનું પ્રમુખપદ સંભાળ્યા બાદ હવે નીતિશ કુમારનું નિશાન ભાજપવિરોધી છબી વધુ મજબૂત કરવાનું રહેશે. લક્ષ્ય હાંસલ કરવાના કામે લાગી ગયેલા નીતિશ કુમારે ‘સંઘમુક્ત’ ભારતનો નારો આપીને વિરોધ પક્ષોને એક થવા હાકલ કરી છે. દેશભરમાં ભાજપવિરોધી પક્ષોને એકછત્ર નીચે લાવવા પ્રયત્નશીલ નીતિશ કુમારે પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચારમાં ડાબેરીઓ અને તૃણમુલ કોંગ્રેસ સાથે રહેવાના પ્રયત્ન કર્યા છે. મહારાષ્ટ્રમાં શરદ પવાર તો પહેલેથી જ તેમની નિકટ છે જ. જો પૂર્વોત્તરના કેટલાક રાજ્યોને બાદ કરવામાં આવે તો અન્ય રાજયોમાં તેમના માટે ભાજપવિરોધી ધરી રચવાનું વધુ મુશ્કેલ નથી. હાલ કોંગ્રેસ સહિત કોઇ પક્ષમાં નરેન્દ્ર મોદી સામે ટક્કર ઝીલી શકે તેવું રાજકીય વ્યક્તિત્વ નથી. આ સંજોગોમાં નીતિશ રાષ્ટ્રીય તખતા ઉપર આવે તો મોદીના વિકલ્પ તરીકે ઉભરી શકે તેમ છે. ભાજપના વિરોધની ભૂમિકા પર જ બિહારમાં રાજદ - જનતા દળ (યુ) - કોંગ્રેસની યુતિ સરકાર શાસન કરી રહી છે. જનતા દળ (યુ)એ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવાની રણનીતિ પર સમય ગુમાવ્યા વિના કામ શરૂ કરી દીધું છે. પક્ષના અધ્યક્ષ પદે નીતિશની વરણી ત્રણ મહિના પછી પણ થઈ શકી હોત, પણ પક્ષે શરદ યાદવની મુદત પૂરી થતા સુધી (૩૦ જૂન સુધી) રાહ નથી જોઇ. નીતિશ કુમાર ભાજપવિરોધી મોરચાબંધીના નામે વિવિધ પક્ષોને ભેગા તો કરી શકશે, પણ બધાને એકતાંતણે બાંધી રાખવાનું કામ તેમના માટે આસાન નહીં હોય. નીતિશ કુમાર સામેનો સૌથી મોટો પડકાર તો જનતા પરિવારના વિખરાયેલા ઘટકોને એક કરવાનો અને કોંગ્રેસની સાથે સુમેળ જાળવવાનો હશે. નીતિશ કુમારે યાદ રાખવું રહ્યું કે ભાજપ અને નરેન્દ્ર મોદીને ટક્કર આપવા માટે માત્ર કાગળ, દસ્તાવેજ કે ગઠબંધનમાં એક થવું પૂરતું નથી, ચૂંટણી વેળા એક છત્ર, એક નેતૃત્વ નીચે લડવું પણ એટલું જ જરૂરી છે. અને આ ત્યારે જ શક્ય બને છે જ્યારે જુદા જુદા પક્ષના નેતાઓ તેમનો અહં કોરાણે મૂકવા તૈયાર હોય અને ચૂંટણી લડવા માટે બેઠકોમાં બાંધછોડ કરવા સંમત હોય.
