પાકિસ્તાન મુદ્દે ભારતે નક્કર નીતિ ઘડવી જ રહી

Tuesday 19th January 2016 15:01 EST
 

ભારત-પાકિસ્તાનના રાજદ્વારી નિષ્ણાતો કે વિશ્લેષકો જ નહીં, વિશ્વભરના નેતાઓ જેના પર નજર માંડીને બેઠા હતા તે ૧૫મી જાન્યુઆરી આવી અને ગઇ, પરંતુ ફરી ભૂતકાળનું પુનરાવર્તન જ થયું. ભારત-પાકિસ્તાન વચ્ચે વિદેશ સચિવ સ્તરની મંત્રણાનો તખતો તૈયાર હતો. ભારતનાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની તાજેતરની ઇસ્લામાબાદ મુલાકાત અને તે પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરપ્રાઇઝ લાહોર વિઝિટે બન્ને દેશમાં આશાસ્પદ માહોલ સર્જ્યો હતો, પણ અફસોસ. આતંકવાદી હુમલો નડી ગયો. બાકીનું કામ, હંમેશની જેમ, પાકિસ્તાન સરકારે પૂરું કર્યું. ભારત સરકારે પઠાણકોટ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓના પાકિસ્તાની કનેક્શનના અનેક પુરાવા નવાઝ શરીફ સરકારને આપ્યા. પરંતુ પાકિસ્તાન સરકારે જવાબદારો સામે કાર્યવાહી કરવાના બદલે હંમેશની જેમ ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છુંની નીતિ અપનાવી. અને ૧૫મી તારીખ - બીજા બધા સામાન્ય દિવસોની જેમ - કેલેન્ડર પૂરતી જ સીમિત રહી ગઇ. બન્ને દેશના વિદેશ સચિવોની બેઠકથી દ્વિપક્ષીય સંબંધોમાં ભલે કોઇ સોનેરી પ્રકરણ ઉમેરાઇ જવાનું નહોતું, પણ વિશ્વાસનો મજબૂત પાયો અવશ્ય સ્થપાયો હોત. જેના પર ભવિષ્યમાં શાંતિ-સૌહાર્દ-ભાઇચારાની મજબૂત ઇમારતનું નિર્માણ થઇ શક્યું હોત. શરીફ સરકારે આ તક વેડફી નાખી છે.
ભારત સરકારે આપેલા આતંકવાદીઓના ફોન નંબર સહિતના મજબૂત પુરાવાને અપૂરતા ગણાવવા કે પઠાણકોટ હુમલા પાછળનું મુખ્ય ભેજું આતંકી મસૂદ અઝહરને અટકાયતમાં પણ ન લેવાની કાર્યવાહી દર્શાવે છે કે શરીફ સરકારે તપાસના નામે માત્ર દેખાડો જ કર્યો છે. ભારતનો અનુભવ કહે જ છે કે પાકિસ્તાને ભારતમાં લોહિયાળ કૃત્યો આચરનાર આતંકવાદીઓ કે તેમના સંગઠનો વિરુદ્ધ ક્યારેય નક્કર કાર્યવાહી કરી જ નથી. આવી દરેક ઘટના વખતે પાકિસ્તાન પુરાવા માગે છે અને પછી તેને ફગાવી દે છે.
મુંબઈ પરના આતંકવાદી હુમલા પછી પણ આવું જ થયું હતું. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઇને ષડયંત્રકારીઓની ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી તો શરૂ કરી, પરંતુ અપરાધીઓ જામીન પર છૂટી જતાં કાર્યવાહી ખોરંભે પડી છે. મુંબઈ પર હુમલો કરનાર આતંકીઓને તાલીમ આપનાર લશ્કર-એ-તૈયબાના વડા ઝકીઉર રહેમાન લખવીનું જ ઉદાહરણ લો. ધરપકડ કરીને તેને થોડાક દિવસ જેલમાં રાખ્યો અને આજે તે જામીન પર મુક્ત છે. લખવીના કેસની સુનાવણી દરમિયાન ક્યારેક જજ બદલાય છે તો ક્યારેક તેઓ રજા પર ઊતરી જાય છે. ક્યારેક સરકારી વકીલો અદાલતમાં નથી આવતા તો ક્યારેક તેઓ કેસ હાથમાં લેવાનો જ ઇનકાર કરે છે.
મસૂદ અઝહરને સુરક્ષાના કારણોસર અટકાયતમાં લેવાયો હોવાના અહેવાલ હતા, હવે તેમાં પણ તથ્ય ન હોવાનું બહાર આવ્યું છે. હવે મસૂદ અઝહર સામે આગળ શું કાર્યવાહી થાય છે એ તો સમય જ કહેશે. મસૂદ અઝહરના વતન બહાવલપુરમાંથી કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયતનો એક ઉદ્દેશ ભારતની સાથોસાથ અમેરિકાને પણ ખુશ કરવાનો હોઈ શકે કારણ કે યુએસ સેનેટે પાકિસ્તાનને એફ-૧૬ યુદ્ધ વિમાનો આપવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. અમેરિકી વિદેશ પ્રધાને પણ પઠાણકોટ હુમલામાં સંડોવાયેલા લોકો સામે પગલાં લેવા પાકિસ્તાનને તાકીદ કરી છે.
પાકિસ્તાને ભલે ગમે તે ઇરાદે મસૂદ અઝહર અને તેના સાથીદારોની અટકાયત કરી હોય, પરંતુ પાકિસ્તાનના બેવડી નીતિ સામે ભારત સરકાર કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. ભૂતકાળના કડવા અનુભવો છતાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહનો પાકિસ્તાન પ્રત્યેનો આશાવાદ અમર જણાય છે. તો બીજી તરફ, સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકર એવું કહે છે કે પઠાણકોટ હુમલો ભારત પરનો છેલ્લો આતંકવાદી હુમલો હતો. જો આનું પુનરાવર્તન થયું તો હુમલાખોરોને તેની જ ભાષામાં જવાબ અપાશે. ગૃહ પ્રધાનનું કહેવું છે કે પાકિસ્તાન ઉપર અત્યારે અવિશ્વાસ મૂકવાનું પૂરતું કારણ નથી. મસૂદ અઝહરની અટકાયત પછીની કાર્યવાહી કેટલી ગંભીરતાથી આગળ વધે છે તેના આધારે પાકિસ્તાન પર વિશ્વાસ કરવો કે કેમ નક્કી થશે. બીજી તરફ, સંરક્ષણ પ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમનું મંત્રાલય ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહ્યું છે. દેશવાસીઓ થોડોક વિશ્વાસ રાખે, આગામી દિવસોમાં પરિણામ જોવા મળશે.
દુશ્મનને નાથવા ભારત સરકાર શામ, દામ, દંડ, ભેદમાંથી ગમે તે નીતિ અપનાવે, આપણે તો ભારતીય વંશજ તરીકે એટલું જ ઇચ્છીએ કે હવે પાકિસ્તાન મુદ્દે નક્કર નીતિ ઘડવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાને મસૂદ અઝહરને જ નહીં, તેની ધરતી પર ધમધમતી ભારતવિરોધી ત્રાસવાદી છાવણીઓ સામે પણ પગલાં લેવા રહ્યા. વડા પ્રધાન મોદીએ લાહોરની મુલાકાત લઇને મિત્રતાનો હાથ લંબાવી દીધો છે, હવે તેનો એટલો જ ઉષ્માસભર પ્રતિસાદ આપવાનો વારો પાકિસ્તાનનો છે. તે - હંમેશા દાવો કરતું રહ્યું છે તેમ - જો ખરેખર ભારત સાથે મિત્રતાપૂર્ણ સંબંધો ઇચ્છતું હોય તો તેણે પઠાણકોટ હુમલામાં સંડોવાયેલા જવાબદારો સામે પગલાં લેવા જ રહ્યા. જો આમ ન થાય તો ભારતે પણ મંત્રણાનો મારગ છોડીને અન્ય વિકલ્પો વિશે વિચારવું જોઇએ.


comments powered by Disqus