પશ્ચિમ બંગાળમાં આવેલા માલદાનો કલિયાચક કસ્બો આમ તો ખોબા જેવડો ગણાય, પરંતુ તાજેતરમાં થયેલા હિંસક તોફાનોએ આ વિસ્તારને ભારતભરના અખબારોમાં ચમકાવી દીધો છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ તોળાઇ રહી છે તેવા સમયે જ થયેલા હિંસક તોફાનો સૂચક છે. હિંસાની આ ઘટનાએ રાજકીય પક્ષોને (ચૂંટણીપૂર્વે) રાજકીય રોટલા શેકવાનો અવસર આપ્યો છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. કાલિયાચક ભડકે બળતું હતું ત્યારે શાસક તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને વિપક્ષની પાટલીએ બેસતા ભાજપ અને કોંગ્રેસ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો જંગ ખેલી રહ્યા હતા. તેમના શબ્દોમાં ભલે લોકોના જાનમાલની સુરક્ષાની ચિંતા વ્યક્ત થતી હતી, શાંતિ-ભાઇચારાની લાગણી છલકાતી હતી, પણ કડવી વાસ્તવિક્તા તો એ છે કે રાજ્યમાં સક્રિય તમામ પક્ષો મતોનું ધ્રુવીકરણ કરાવીને પોતપોતાની મતબેન્ક મજબૂત કરવાના કામે લાગ્યા છે.
માલદામાં ખરેખર શું બન્યું છે તે આજ દિવસ સુધી સ્પષ્ટ થયું નથી, અને હિંસા પાછળનું સાચું કારણ ક્યારેય બહાર આવશે કે કેમ તે પણ પ્રશ્ન છે. ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી તૃણમૂલ કોંગ્રેસ - સહુ કોઇ હિંસા માટે એકબીજાને જવાબદાર ઠેરવવાના કામે વળગ્યા છે. મમતા બેનરજી સરકાર આને કોમી તોફાન માનવાનો ઇન્કાર કરી રહી છે, જ્યારે ભાજપ-કોંગ્રેસ હિંસક ઘટના માટે કાયદો-વ્યવસ્થા તંત્રની નિષ્ફળતા ગણાવીને મમતા સરકાર સામે આંગળી ચીંધી રહ્યા છે. કોઇને એ જાણવામાં રસ નથી કે માલદામાં હિંસા જાતે જ પ્રસરી કે તેને ઇરાદાપૂર્વક ફેલાવાઇ હતી. રાજકીય પક્ષોનું આ વલણ જ દર્શાવે છે કે પશ્ચિમ બંગાળમાં હિંસાની આ ઘટનાને ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. મમતા બેનર્જી ઇચ્છે છે કે મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ તેના પક્ષની તરફેણમાં થાય. જ્યારે ભાજપ આની પ્રતિક્રિયામાં બિન-મુસ્લિમ મતદારોને પોતાની બાજુ ખેંચવા માગે છે. કોંગ્રેસનો ગઢ રહેલા માલદાના મતદારોએ હંમેશા ટીએમસી અને ભાજપને જાકારો આપ્યો છે. હવે તેઓ હિંસક તોફોનોને હથિયાર બનાવીને શક્ય તેટલો રાજકીય લાભ ખાટવા સક્રિય બન્યા છે.
માલદા બનાવટી ચલણી નોટો અને નશીલા પદાર્થોની તસ્કરી માટે કુખ્યાત છે. આથી શક્યતા તો એવી પણ વ્યક્ત થાય છે કે ત્યાં જે હિંસક ઘટના બની છે તે માફિયા જૂથો વચ્ચેના અંગત વેરઝેરનું પરિણામ હોય શકે છે. કારણ ગમે તે હોય, પણ જે ઝડપે હિંસક જુવાળ ફરી વળ્યો તે દર્શાવે છે કે દાળમાં કંઇક કાળું છે. સહુ કોઇને પોતપોતાની રીતે આશંકા દર્શાવવાનો અધિકાર છે, પણ આ સમય સતર્ક રહેવાનો છે. ખાસ કરીને એવા રાજ્યોમાં કે જ્યાં નજીકના ભવિષ્યમાં ચૂંટણીઓ યોજાવાની છે. રાજકીય પક્ષો તો સ્વાર્થ સાધીને બેસી જશે, અશાંતિની અસલી પીડા તો આમ આદમીને જ ભોગવવી પડશે.
